અંકિત દેસાઈ
એક પ્લેટ બિરયાનીની કિંમત ₹ 370 હોઈ શકે, પરંતુ જો કોઈ પુરુષના મનમાં એ ₹ 370 ખર્ચવા બદલ સામે પક્ષે રહેલી કોઈ સ્ત્રીના શરીર કે તેના અસ્તિત્વ પર હક્ક ખરીદી લેવાનો ભ્રમ જન્મે તો સમસ્યા બિરયાનીની નથી, એ સમસ્યા પુરુષના મનની વિકૃતિની છે.
તાજેતરમાં સ્ટૅન્ડઅપ કૉમેડિયન પ્રણિત મોરેના શોમાં બનેલી ઘટના અને તેનાથી ઊભો થયેલો વિવાદ આ જ વરવી વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે. આ શો દરમિયાન એક યુવાને પોતાની ડેટનો અનુભવ શૅર કરતાં કંઈક એવો અર્થ વ્યક્ત કર્યો કે તેણે યુવતી માટે ₹ 370ની બિરયાની ખરીદી હતી, તેથી તેને બદલામાં શારીરિક સંબંધની અપેક્ષા હતી.
વાત હાસ્યના મંચ પર થઈ હતી, પરંતુ હાસ્ય કરતાં વધુ ભયાનક એ હતું કે હૉલમાં હાજર ઘણા લોકો એ વાત પર તાળીઓ પાડીને ખડખડાટ હસી રહ્યા હતા. ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં ભારે વિરોધ થયો, માફીઓ માગવામાં આવી, કાયદાકીય કાર્યવાહી પણ થઈ અને સમગ્ર દેશ ‘₹ 370ની બિરયાની’ના નામે આ વિષય પર ચર્ચા કરવા લાગ્યો.
જોકે આ આખી ઘટનાનો સૌથી ગંભીર અને મહત્ત્વનો પ્રશ્ર્ન એ નથી કે એ યુવાને મંચ પર આવીને શું કહ્યું. ખરો પ્રશ્ર્ન એ છે કે તે યુવાનના મગજમાં આવો ભયાનક અને હીન વિચાર આવ્યો ક્યાંથી?
આપણે ભારતીય સમાજમાં પુરુષોને બાળપણથી જ ઉછેર દરમિયાન એક વિચિત્ર ગણિત શીખવતા આવ્યા છીએ. આપણા વણલખ્યા સામાજિક નિયમો છોકરાઓના મનમાં એવું ઠસાવે છે કે ‘તું ખર્ચ કર, પછી તને કંઈક તો વળતર મળશે.’ ભેટ આપો, થિયેટરમાં ફિલ્મ બતાવો, મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ, કીમતી ગિફ્ટ ખરીદો અને આ બધું કરવાની સાથે જ પુરુષના મનમાં ક્યાંક એક અદૃશ્ય હિસાબનું ખાતું આપોઆપ ખુલ્લુ થઈ જાય છે. જાણે એ કોઈ સહજ સંબંધ નહીં, પણ કોઈ બિઝનેસ ડીલ કે આર્થિક રોકાણ કર્યું હોય!
આ વ્યાપારી માનસિકતા માત્ર સ્ત્રીઓની સુરક્ષા અને ગરિમા માટે જ ખતરનાક છે એવું નથી- તે ખુદ પુરુષોના પોતાના માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે પણ એટલી જ વિનાશક સાબિત થાય છે, કારણ કે જ્યારે સંબંધને નફા-નુકસાનના વ્યવહાર બનાવી દેવામાં આવે છે ત્યારે માણસ સાચા અર્થમાં પ્રેમ કરવાની લાગણીઓને અનુભવવાની પવિત્ર ક્ષમતા જ ગુમાવી બેસે છે. તે સતત સામેવાળી વ્યક્તિમાંથી વળતર શોધે છે.
તેને એવું લાગવા માંડે છે કે મેં આટલો સમય અને પૈસા આપ્યા છે, હવે સામેની વ્યક્તિએ પણ મને સંતોષવા માટે કંઈક આપવું જ જોઈએ. અને જ્યારે આ અપેક્ષા પૂરી થતી નથી ત્યારે તેમાંથી નિરાશા, ઘોર અપમાનની લાગણી, અહંકારનો પરાજય, ક્રોધ અને ક્યારેક ભયાનક હિંસા જન્મે છે. પુરુષના આ જ માનસશાસ્ત્રને સમજવા માટે મનોવિજ્ઞાનમાં એક સચોટ શબ્દ છે ‘એન્ટાઇટલમેન્ટ’ એટલે કે ‘મેં આ કર્યું છે, તેથી મને આ મળવું જ જોઈએ, એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.’
આ નબળી અસલામતી અને એન્ટાઇટલમેન્ટની ભાવના કોઈ આકાશમાંથી નથી ટપકતી, પણ આપણો પરંપરાગત સમાજ જ પુરુષના મનમાં બાળપણથી આ ઝેર ધીમે-ધીમે ભરે છે. ઘરમાં સતત કહેવાય છે કે ‘તું છોકરો છે, તારે રડવાનું ન હોય, મોટો થઈને તું કમાઈશ, બહારનો ખર્ચ તારે કરવાનો છે એટલે તને નિર્ણય લેવાનો અને શાસન કરવાનો પૂરો અધિકાર છે.’
અધિકારની આ ખોટી, એક તરફી અને અપક્વ સમજણ જ આગળ જતાં પુરુષના મનમાં સ્ત્રીની મુક્ત ‘સંમતિ’ અને પોતાની ’માલિકી’ વચ્ચેની પાતળી રેખાને સાવ ભૂંસી નાખે છે. પુરુષે આ 21મી સદીમાં સભાનતાપૂર્વક આંખો ખોલીને સ્વીકારવું પડશે કે કોઈ સ્ત્રી તમારી સાથે ડેટ પર આવવા તૈયાર થાય, એનો અર્થ એ નથી કે તેણે તમારું કોઈ દેવું લીધું છે.
કોઈ સ્ત્રી તમારી સાથે બેસીને હસતા મોઢે ચા પીવે એટલે તેણે પોતાનું સ્વાતંત્ર્ય કે પોતાના નિર્ણયો લેવાની આઝાદી ગુમાવી દીધી નથી. કોઈ સ્ત્રી તમારી આપેલી ભેટ કે આતિથ્યનો સ્વીકાર કરે એટલે તેણે પોતાનું શરીર કે આત્મા તમારી પાસે ગીરવે મૂકી દીધાં નથી. આટલી અત્યંત સરળ માનવીય અને તાર્કિક વાત સમજવા માટે આપણા શિક્ષિત સમાજને આજના આધુનિક યુગમાં પણ આટલો મોટો સંઘર્ષ કરવો પડે છે એ ખરેખર બહુ મોટી સામાજિક કમનસીબી અને દુ:ખદ બાબત છે.
આ ચર્ચાસ્પદ ઘટનામાં બીજી એક એવી વાત પણ છતી થઈ છે જે એટલી જ મહત્ત્વની અને ચિંતાજનક છે. જે યુવાને સ્ટેજ પર આવીને આ વાત કહી તે હકીકતમાં આ સમાજમાં એકલો અટૂલો નહોતો. જ્યારે તેણે આ કથિતૉ ‘જોક’ કહ્યો ત્યારે હૉલમાં હાજર ભદ્ર સમાજના લોકો ખડખડાટ હસી રહ્યા હતા.
એટલું જ નહીં, વિવાદની શરૂઆતમાં સોશ્યલ મીડિયા પર પણ કેટલાય પુરુષોએ કમેન્ટ્સ કરીને એવો બચાવ કર્યો કે ‘અરે ભાઈ, આ તો માત્ર એક સામાન્ય જોક હતો, આટલા સિરિયસ કેમ થાઓ છો?’ આ માનસિકતા દર્શાવે છે કે સમસ્યા માત્ર એ ચોક્કસ એક વ્યક્તિની અજ્ઞાનતા પૂરતી મર્યાદિત નથી. આ સમસ્યા એ સામૂહિક પુરુષ-મનોવૃત્તિની છે જે સદીઓથી સ્ત્રીને એક સ્વતંત્ર જીવ કે વ્યક્તિ તરીકે સ્વીકારવાને બદલે માત્ર પુરુષના પોતાના અનુભવો, તેની સુખ-સુવિધાઓ અને તેના અહંકારને સંતોષવાનું એક સાધન માત્ર માને છે.
જોકે હવે સમય આવી ગયો છે કે આજના પુરુષોએ અરીસા સામે ઊભા રહીને કેટલીક કડવી સામાજિક હકીકતોનો એક પુરુષ તરીકે જ સ્વીકાર કરવો પડશે. કોઈ સ્ત્રી દ્વારા તમારો પ્રસ્તાવ અસ્વીકાર કરવામાં આવે તો દરેક વખતે એ ‘ના’ એ તમારું વ્યક્તિગત અપમાન નથી. સ્ત્રી તરફથી મળતી અસંમતિ કે નકાર એ તમારી મરદ તરીકેની નિષ્ફળતા નથી. દરેક ડેટ કંઈ લગ્નના મંડપ સુધી પહોંચવાની ગૅરન્ટી નથી હોતી અને દરેક વખતે રેસ્ટોરન્ટમાં કરેલો આર્થિક ખર્ચ પ્રેમ કે શારીરિક સમર્પણમાં બદલાવાનો નથી.
અહીં સૌથી અગત્યની અને પાયાની વાત એ છે કે દુનિયાની દરેક સ્ત્રી માત્ર તમારી અપેક્ષાઓ, તમારી ઇચ્છાઓ કે તમારી શારીરિક ભૂખને સંતોષવા માટે આ પૃથ્વી પર જન્મી નથી. ખરેખર મજબૂત અને સાચો પુરુષ એ નથી જે સત્તા, પૈસા કે બળના જોરે પોતાની ઇચ્છાઓ સામેવાળા પર જબરદસ્તીથી થોપે. સાચો અને શક્તિશાળી પુરુષ એ છે જે સામેની વ્યક્તિની મુક્ત ઇચ્છા અને તેની ગરિમાનો પણ એટલો જ આદર કરે જેટલો આદર તે પોતાની સ્વતંત્રતા અને પોતાની ઇચ્છાઓનો કરે છે.
આ વિવાદબાદ ખુદ કૉમેડિયન પ્રણિત મોરેએ પણ સાર્વજનિક રીતે સ્વીકાર્યું કે લાઈવ શો દરમિયાન દર્શકોના જોરદાર હાસ્ય અને તાળીઓના ગાડરિયા પ્રવાહમાં તે પોતે વહેતો ગયો અને ચૂક કરી બેઠો. તેણે સ્વીકાર્યું કે એક કલાકાર તરીકે તેણે ત્યાં જ સ્ટેજ પર એ યુવાનની વિકૃત ટિપ્પણીને રોકવી જોઈતી હતી અને તેને ટોકવો જોઈતો હતો.
આખરે આ આખો પ્રશ્ર્ન કોઈ એક પ્લેટ બિરયાનીનો નથી અને પ્રશ્ર્ન માત્ર એ ₹ 370ની નજીવી રકમનો પણ નથી. પ્રશ્ર્ન એ છે કે આટલી ભૌતિક પ્રગતિ કર્યા પછી પણ આપણા આધુનિક સમાજમાં હજુ પણ બહુમતી પુરુષો સ્ત્રી-પુરુષના સંબંધોને માત્ર એક વ્યાપારિક લેવડદેવડ તરીકે કેમ જુએ છે?
આપણે એ વાત હૃદયપૂર્વક સમજવી પડશે કે પ્રેમમાં કિંમત હોઈ શકે, પરંતુ ક્યારેય કોઈ ભાવતાલ નથી હોતો. સંબંધો ગાઢ બનાવવા માટે પરસ્પર આદરનો ખર્ચ હોઈ શકે, પરંતુ તેમાં ક્યારેય અપેક્ષાઓનું કોઈ બિલ ફાડી શકાતું નથી અને સૌથી મોટી વાત કોઈ પણ સ્ત્રીની આંતરિક સંમતિને ક્યારેય કોઈ ચલણ કે પૈસા ફેંકીને ખરીદી શકાતી નથી.
શાયદ હવે એ સમય પાકી ગયો છે કે આપણે આપણા દીકરાઓને માત્ર પૈસા કમાવવાનું અને દુનિયા જીતવાનું આંધળું ગણિત શીખવવા નું બંધ કરીએ. તેના બદલે તેમને કોઈના તરફથી મળતા નકાર કે ‘અસ્વીકાર’ને પણ એટલી જ સહજતાથી અને ગૌરવપૂર્વક સ્વીકારવાનું સંસ્કારભર્યું શિક્ષણ આપીએ. તેમને માત્ર કરિયરમાં મળતી વ્યવસાયિક સફળતાના પાઠ ન ભણાવીએ, પણ તેમની અંદર અન્ય જીવ પ્રત્યેની સાચી માનવીય સંવેદના પણ જગાડીએ.
તેમને માત્ર આત્મવિશ્વાસથી છલકાતા ન બનાવીએ, પણ સાથે-સાથે આત્મનિયંત્રણ અને વિવેકની તાલીમ પણ આપીએ, કારણ કે એક સાચા અને મજબૂત પુરુષની ખરી ઓળખ ક્યારેય તેના ખિસ્સા, તેના બળ કે તેના દ્વારા ડેટ પર કરાતા આર્થિક ખર્ચથી નથી થતી. પુરુષની સાચી ઓળખ તો એનાથી થાય છે કે જ્યારે સામેની વ્યક્તિ તેને સ્પષ્ટ શબ્દોમાં ‘ના’ કહી દે ત્યારે પણ તે પોતાના અહંકારને વચ્ચે લાવ્યા વિના, સામેવાળી સ્ત્રીના એ નિર્ણયને માન આપીને, કેટલા ગૌરવ અને સ્મિત સાથે સન્માનપૂર્વક પાછળ હટી શકે છે. પુરુષાર્થનો સાચો અર્થ કોઈ સ્ત્રીને કે દુનિયાને જીતવામાં નથી- સાચો પુરુષાર્થ તો પોતાના મનની અંદર ચાલતા વિકાર અને અહંકાર પર વિજય મેળવવામાં છે.