સૅમસનને ઝિમ્બાબ્વે પ્રવાસની ટીમમાં સામેલ ન કરવામાં આવતાં ભૂતપૂર્વ ખેલાડીઓએ આપ્યા મંતવ્યો...
નવી દિલ્હીઃ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ ખાતેના ટી-20 ટીમના પ્રવાસની શરૂઆતમાં ટીનેજ સેન્સેશન વૈભવ સૂર્યવંશી સૌથી વધુ ચર્ચામાં હતો અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરાવવા ઓપનર સંજુ સૅમસનને ટીમમાંથી પડતો મૂકવાની કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો તેમ જ અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ તરફથી માગણી થતી હતી, પણ સોમવારે સૅમસનને ઝિમ્બાબ્વે (Zimbabwe) ખાતેના આગામી પ્રવાસમાં ન મોકલવાનો નિર્ણય લેવાયો એ પછી હવે સૅમસન તરફ લાગણીનું પૂર વહી રહ્યું છે. કેટલાક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોના મતે સૅમસનની બાદબાકી યોગ્ય નથી. જોકે ભૂતપૂર્વ પેસ બોલર એસ. શ્રીસાન્તે સૅમસનની વિરુદ્ધમાં નિવેદન આપ્યું છે.
શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતીય ટી-20 ટીમ ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચની સિરીઝ પૂરી કર્યા બાદ ઝિમ્બાબ્વે જશે જ્યાં 23-26 જુલાઈ દરમ્યાન ત્રણ ટી-20 રમાશે. અજિત આગરકર અને તેની સિલેક્શન કમિટીએ કડક વલણ અપનાવીને કેટલાક નિર્ણય લીધા છે. અગાઉ તેમણે મોહમ્મદ શમી, વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હવે સૅમસન (Samson)ને ડ્રૉપ કરવાનો અણધાર્યો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ઝિમ્બાબ્વે ટૂરની ટીમમાં સૅમસને ન સમાવવામાં આવ્યો એના કરતાં ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝની જ વાત કરી છે. ભૂતપૂર્વ પેસ બોલર એસ. શ્રીસાન્તે કહ્યું છે કે સૅમસનને ડ્રૉપ કરવાનો નિર્ણય યોગ્ય છે.
BCCI
સૅમસન વર્લ્ડ કપનો હીરોઃ રહાણે
ભારતીય ક્રિકેટર અને બોર્ડર-ગાવસકર ટ્રોફીના વિજયી કૅપ્ટન અજિંક્ય રહાણેએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે `સૅમસન માર્ચના ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. તે આપણા ટી-20 વર્લ્ડ કપની જીતનો હીરો હતો અને હવે તેને પડતો મૂકવામાં આવ્યો એ વિચિત્ર નિર્ણય કહેવાય. આશા છે કે સૅમસન સાથે સિલેક્ટરોનો કોઈ પ્રકારનો સંદેશ વ્યવહાર થયો હશે. આશા છે સૅમસન બહુ જલદી ટીમમાં જોવા મળશે.'
ફક્ત ત્રણ મૅચમાં નિષ્ફળ ગયો એટલે કાઢી નાખ્યો!: ડોડા ગણેશ
ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર ડોડા ગણેશે એક મુલાકાતમાં કહ્યું છે, `સૅમસન સાથે આ ઠીક નથી થયું. જે બૅટ્સમૅને ભારતને ત્રીજી વર્લ્ડ કપ ટ્રોફી જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી તેને ત્રણ જ ફ્લૉપ મૅચ બાદ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો! આ બહુ હાસ્યાસ્પદ કહેવાય. તેની સાથે સારે વ્યવહાર થવો જોઈતો હતો.
IPL
સૅમસન સાથે ઠીક વ્યવહાર નથી થયોઃ ઉથપ્પા
ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન રૉબિન ઉથપ્પાએ કહ્યું છે, `બધા સમજે છે કે સૅમસન સાથે ઠીક નથી થયું. મેં સૌથી પહેલાં ઝિમ્બાબ્વેના પ્રવાસ માટેની ટીમ જોઈ ત્યારે મને થયું કે આ બિનસત્તાવાર ટીમ હશે. જોકે એમાં સૅમસનનું નામ ન વાંચવા મળ્યું ત્યારે મને થયું કે એક ખેલાડી સાથે આવો વ્યવહાર થાય એ યોગ્ય ન કહેવાય. ચાર મહિના પહેલાં જેણે વર્લ્ડ કપ જિતાડ્યો તેને કહેવામાં આવ્યું કે તું હવે આરામ કર. જો કોઈ ખેલાડીને વર્લ્ડ કપ જિતાડ્યા પછી પણ ટીમમાં પોતાની સલામતી ન લાગે તો પછી ક્યારે લાગે? સિલેક્શન કમિટીની મીટિંગમાં સૅમસનના નામ પર ચર્ચા પણ ન થવી જોઈએ. તે આપણો વર્લ્ડ કપ હીરો છે. તેણે એકલા હાથે ટ્રોફી અપાવી હતી.
વર્લ્ડ કપની ભૂલ ફરી થઈઃ મોહમ્મદ કૈફ
ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન અને વર્લ્ડ ક્લાસ ફીલ્ડિંગ માટે જાણીતા મોહમ્મદ કૈફે પોતાની યુટ્યૂબ ચૅનલ પર કહ્યું છે, `ભારતે ચાર મહિના વર્લ્ડ કપમાં જે ભૂલ કરી એ ફરી કરી રહ્યું છે. ત્યારે બે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન અભિષેક અને ઇશાન દાવની શરૂઆત કરતા હતા. જોકે ઑફ-સ્પિનર સામે રમવામાં તેમને મુશ્કેલી થતાં તેઓ વિકેટ ગુમાવી બેસતા હતા. ભારતનો મોટા માર્જિનથી પરાજય ન થયો ત્યાં સુધી સૅમસનને નહોતો રમાડવામાં આવ્યો. હવે આયરલૅન્ડમાં 0-2થી પરાજય થયો એટલે ટીમમાં ફેરફાર કરાયો, પણ અભિષેક (લેફ્ટ-હૅન્ડ) અને સૅમસન (રાઇટ-હૅન્ડ)ની જોડી ફરી તોડવામાં આવી છે. ઇંગ્લૅન્ડ સામે અભિષેક (લેફ્ટ-હૅન્ડ) અને વૈભવ સૂર્યવંશી (લેફ્ટ-હૅન્ડ)ને ઓપનિંગમાં ઉતારવામાં આવી રહ્યા છે. ઓપનિંગમાં રાઇટી-લેફ્ટી જોડી જ હોવી જોઈએ.