મુંબઈઃ કલ્યાણ, ડોંબિવલી, ઉલ્હાસનગર જેવા શહેરોની ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે બે મહત્વના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવનાર છે. પહેલું તો શહાડ રેલવે ઓવરબ્રિજના વિસ્તૃતિકરણનું કામ ચાલી રહ્યું છે અને બીજું એટલે કે ઠાકુર્લીથી મ્હસોબા ચોક સુધીના એલિવેટેડ રૂટનું પ્રત્યક્ષ કામ શરૂ થવા જઈ રહ્યું છે.
કલ્યાણ-અહિલ્યાનગર નેશનલ હાઈવે પર જે શહાડ રેલ્વે સ્ટેશન નજીક ઓવરબ્રિજ આવેલો છે, તે હાલમાં માત્ર બે લેનનો જ છે. પરંતુ આ જ બ્રિજની બંને બાજુએ ચાર લેનના રસ્તા બનાવવામાં આવ્યા છે. જેના કારણે બ્રિજવાળા ભાગમાં ખૂબ જ ઓછી જગ્યા બચી છે.
આ સમસ્યાના કારણે આ વિસ્તારમાં દરરોજ ટ્રાફિક જામ થાય છે. ઘણીવાર તો વાહનોની લાઈનો કલ્યાણના પ્રેમ ઓટો અથવા બિરલા કોલેજ સુધી પહોંચી જાય છે.
આ સમસ્યા અંગે ફોલોઅપ કર્યા બાદ એમએમઆરડીએ દ્વારા આ બ્રિજ માટે ભંડોળ પણ મંજૂર કરવામાં આવ્યું. ત્યારબાદ, આશરે ૧૦૯૦ મીટરની લંબાઈ ધરાવતો આ ઓવરબ્રિજ હવે ૪ લેનનો કરવામાં આવશે.
બીજી તરફ, ઠાકુરલી રેલવે ફાટકથી મ્હસોબા ચોક વચ્ચેના એલિવેટેડ રૂટના બાકી રહેલા કામને પણ હવે ગતિ મળશે, જેમાં આ પ્રોજેક્ટ માટે આશરે ૩૬૦ મીટર લાંબો અને ૭.૫ મીટર પહોળો એલિવેટેડ રૂટ બનાવવામાં આવનાર છે.
૧૦૫૦ મીટર લંબાઈનો એપ્રોચ રોડ પણ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું કામ પૂરું થવાથી કલ્યાણ, ડોમ્બિવલી અને ઉલ્હાસનગરના લાખો પ્રવાસીઓને મોટી રાહત મળશે.