(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થિક ગુના શાખામાં ફરિયાદ કર્યા પછી તે પાછી ખેંચવા અને અન્ય વિભાગોમાં ફરિયાદ ન કરવા માટે કલવાના બિલ્ડર પાસેથી આઠ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. ખંડણીની રકમમાંથી 10 લાખ રૂપિયાનો પહેલો હપ્તો લેવા આવેલા ત્રણ જણને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.
થાણે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓમાં સંતોષ મનોહર બાવડેકર (47), સિદ્ધેશ હરિશ્ર્ચંદ્ર બેંડકોળી (35) અને ઈમ્તિયાઝ ઈલિયાસ મોમીન (31)નો સમાવેશ થાય છે. તેમની વિરુદ્ધ કલવા પોલીસ સ્ટેશનમાં સોમવારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણે કલવાના જાણીતા બિલ્ડર સૌરભ સાળવીએ વરિષ્ઠ પોલીસ અધિકારીને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપી સંતોષ બાવડેકરે બિલ્ડરને ખંડણી માટે ધમકી આપી હતી. કેશવ હાઈટ્સ ઈમારતના મૂળ માલિક મૃત્યુ પામ્યા પછી કરાયેલી નોટરીને આધારે ઈડી, સીબીઆઈ, ઈઓડબ્લ્યુ અને કોર્ટમાં કેસ કરીને કાનૂની સકંજામાં સપડાવી કથિત ત્રાસ આપવાની ધમકી આરોપીએ આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બાદમાં બાવડેકરે બિલ્ડર વિરુદ્ધ આર્થિક ગુના શાખામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પાછી ખેંચવા અને અન્ય વિભાગોમાં ફરિયાદ ન કરવા માટે વિવિધ ખાતાં અને વિભાગમાં આશરે ચાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે, એવું આરોપીએ કહ્યું હતું. એ સિવાય આખું પ્રકરણ લિગલ કરવા માટે બાવડેકર, બેંડકોળી અને મોમીનને ચાર કરોડ રૂપિયા આપવા પડશે. આ રીતે આઠ કરોડ રૂપિયાની માગણી બિલ્ડર પાસે કરાઈ હતી.
બિલ્ડરે આ મામલે પોલીસનો સંપર્ક સાધતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ફરિયાદીને ખંડણી માગનારા આરોપી સાથેની વાતચીત રેકોર્ડ કરી લેવા માટે વૉઈસ રેકોર્ડર ડિવાઈસ પણ આપવામાં આવ્યું હતું. આ ડિવાઈસમાં રેકોર્ડ થયેલી વાતચીત આરોપીઓએ ખંડણી માગી હોવાનું પુરવાર કરે છે.
ખંડણીની રકમમાંથી પ્રથમ હપ્તા તરીકે 10 લાખ રૂપિયા સ્વીકારવાની તૈયારી આરોપીએ દાખવી હતી. આરોપી રકમ લેવા ફરિયાદીની કેશવ હાઈટ્સ સ્થિત ઑફિસમાં આવ્યા ત્યારે છટકું ગોઠવીને બેસેલી પોલીસે તેમને તાબામાં લીધા હતા. ત્રણેયને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા પછી તેમની ધરપકડ કરાઈ હતી. કોર્ટે તેમને સાત ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.