Wed Aug 19 2026

Logo

થાણેમાં ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં પ્લાસ્ટિક શીટ કંપનીમાં ભીષણ આગ

2026-08-16 18:59:41
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે (પશ્ચિમ)માં પોખરણ રોડ-એકમાં આવેલા ઉપવન ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં રવિવારે વહેલી સવારે એક પ્લાસ્ટિક શીટની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યુ હતું. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ઉપવન ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં પાંડે ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ આવેલી છે. રવિવાર સવારના લગભગ ૬.૧૫ વાગ્યાની આસપાસ લગભગ ૧,૨૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં આવેલા એસઆરકે ટ્રેડર્સ કંપનીના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. અહીં કારખાનામાં પ્લાસ્ટિક શીટનું ઉત્પાદન કરવામાં આવતું હતું. 

ઘટનાની જાણ થતા ફાયરબ્રિગ્રેડ બે ફાયર ઍન્જિન, બે રેસ્ક્યૂ વેહિકલ, એક જંબો ટેન્કર સહિત  પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ સાત વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.

આગમાં એસઆરકે ટ્રેડર્સ કંપનીના તમામ મશીનરી અને પ્લાસ્ટિક શીટ બનાવનારું રો-મટિરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. તેમ જ કંપનીના છતની સિમેન્ટ પતરા પણ તૂટી જતા બાંધકામને પણ નુકસાન થયું હતું. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.