વારાણસી/મુંબઈ: વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સવારે સિક્યોરિટી ચેકિંગ વખતે અચાનક ફાયરિંગ થયું હતું, જેમાં બે જણ ઘાયલ થયા હતા. આ કિસ્સાને લઈ સમગ્ર દેશના એરપોર્ટ પ્રશાસન સુરક્ષાને લઈ હરકતમાં આવી ગયા હતા. વારાણસી કેસ અંગે વિગતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિની પિસ્તોલમાંથી ફાયરિંગ થયું હતું એ મુંબઈનો છે. એટલે મુંબઈના પૂર્વ નગરસેવક કમલેશ રાયની લાઈસન્સવાળી પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી હતી.
કમલેશ રાયને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી
આ ઘટનામાં એરપોર્ટના બે સ્ક્રીનર સ્ટાફ ઘાયલ થયા હતા. એક મહિલા કર્મચારીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય પુરુષ કર્મચારીના હાથને ગોળી અડકીને નીકળી ગઈ હતી. બંનેને સારવાર માટે કબીરચૌરા મંડળીય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓએ કમલેશ રાયને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
પિસ્તોલને જમા કરવાની પ્રક્રિયા વખતે જ ફાયરિંગ
પ્રાપ્ત માહિતી મુજબ, 55 વર્ષીય કમલેશ રાય મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના જીયનપુર વિસ્તારના રહેવાસી છે. તેઓ આજે સવારે પોતાની પત્ની સીમા રાય સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ મારફતે મુંબઈ જવા માટે વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પહોંચ્યા બાદ તેમની લાઈસન્સવાળી પિસ્તોલને નિયમ મુજબ જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ફાયરિંગમાં સુરક્ષા તપાસમાં તૈનાત બે કર્મચારીને ઈજા
હવાઈ મુસાફરી દરમિયાન લાઈસન્સવાળું હથિયાર જમા કરાવતી વખતે પિસ્તોલની મેગેઝિન હથિયારથી અલગ કરવી જરૂરી હોય છે. જોકે, આ પ્રક્રિયા દરમિયાન કમલેશ રાય પોતાની પિસ્તોલની મેગેઝિન કાઢી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રિગર દબાઈ જતાં ગોળી છૂટી હોવાનું પ્રાથમિક માહિતી મળી હતી. ગોળી છૂટતાં સુરક્ષા તપાસમાં તૈનાત બે કર્મચારીને ઈજા થઈ હતી.
ઘાયલોમાં સુમન કુમારી અને રોહિતનો સમાવેશ થાય છે. સુમન કુમારી બિહારના ગયા જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. જ્યારે રોહિત બિહારના નાલંદા જિલ્લાના બિહારશરીફ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. બંને એરપોર્ટ પર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા હતા. ગોળી વાગ્યા બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે કબીરચૌરા મંડળીય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ઘટના બાદ એરપોર્ટ પરની સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. કમલેશ રાયને કસ્ટડીમાં લઈ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પિસ્તોલમાંથી ગોળી કયા ચોક્કસ સંજોગોમાં છૂટી, હથિયારની હેન્ડલિંગ પ્રક્રિયા કેવી રીતે થઈ અને સુરક્ષા નિયમોનું યોગ્ય રીતે પાલન થયું હતું કે નહીં, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
રાજકારણમાં પણ તેઓ લાંબા સમયથી સક્રિય

કમલેશ રાયનું મુંબઈ સાથે લાંબા સમયથી જોડાણ છે. તેઓ હાલ મુંબઈના મરોલ વિસ્તારમાં રહે છે અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મરોલ વિસ્તારમાં તેમના બે હોટેલ હોવાનું જાણવા મળે છે. રાજકારણમાં પણ તેઓ લાંબા સમયથી સક્રિય રહ્યા છે અને મુંબઈમાં શિવસેના સાથે જોડાયેલા રહી ચાર વખત નગરસેવક રહી ચૂક્યા છે.
શિંદે જૂથ સાથે રાજકીય રીતે જોડાયા હોવાની માહિતી
કમલેશ રાયના પત્ની પણ રાજકારણમાં રહી ચૂકી છે અને તેઓ બે વખત નગરસેવક રહી ચૂક્યાં હોવાનું જાણવા મળે છે. હવે તેમના પરિવારની નવી પેઢી પણ મુંબઈના રાજકારણમાં સક્રિય છે. તેમના પુત્ર રિતેશ રાય મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 86ના નગરસેવક છે. રિતેશ રાય શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે જોડાયેલા છે અને મુંબઈમાં રાજકીય રીતે સક્રિય છે.
કમલેશ રાય અગાઉ સુરક્ષા એજન્સીનો વ્યવસાય પણ ચલાવતા હતા. શિવસેનામાં વિભાજન થયા બાદ તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા. ત્યારબાદ તેઓ શિંદે જૂથ સાથે રાજકીય રીતે જોડાયા હોવાનું જાણવા મળે છે. હાલમાં તેઓ શિવસેનાના શિંદે જૂથમાં ઉપનેતા તરીકે કાર્યરત હોવાનું જણાવાય છે.

કમલેશ રાયનો પરિવાર મૂળ આઝમગઢના જીયનપુરના રામગઢ ગામ સાથે જોડાયેલો છે. 7 ઓગસ્ટે તેઓ પોતાની પત્ની સાથે આઝમગઢના રામગઢ ખાતે આવેલા પૈતૃક ઘરે પૂજામાં હાજરી આપવા માટે મુંબઈથી આવ્યા હતા. તેમના પિતા કેદારનાથ રાય અને માતા ઊષા રાય ગામમાં રહે છે.
ઊષા રાય ગામની રાજનીતિમાં સક્રિય છે.રાય પરિવાર આઝમગઢમાં શિક્ષણ ક્ષેત્રે પણ વિશેષ રીતે જોડાયેલો છે. જીયનપુરમાં તેમના પરિવાર સાથે જોડાયેલી બાબુ શિવપટ્ટર રાય સ્મારક સ્નાતકોત્તર મહાવિદ્યાલય આવેલું છે. કમલેશ રાયના બે પુત્રોમાંથી રિતેશ રાય મુંબઈના રાજકારણમાં સક્રિય છે, જ્યારે તેમના બીજા પુત્ર યત્નેશ રાય મુંબઈમાં ડોક્ટર તરીકે કાર્યરત છે.
વારાણસી એરપોર્ટ પર બનેલી આ ઘટના માત્ર આકસ્મિક ફાયરિંગના કારણે જ નહીં, પરંતુ કમલેશ રાયના મુંબઈના રાજકીય અને વ્યાવસાયિક જોડાણને કારણે પણ ચર્ચામાં આવી છે. હાલ સુરક્ષા એજન્સીઓની તપાસ ચાલુ છે અને બંને ઘાયલ એરપોર્ટ કર્મચારીઓની સારવાર કરવામાં આવી રહી છે. પિસ્તોલમાંથી ગોળી છૂટવાની ચોક્કસ પરિસ્થિતિ અને આ ઘટનામાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે.