મુંબઈ: 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર અને રજાના કારણે દેશભરના સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. આ સ્વતંત્રતા દિવસે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોએ દસ્તક આપી છે. એક ઈમરાન હાશ્મીની 'આવારાપન 2' (Awarapan 2) અને બીજી સની દેઓલની 'બંટવારા 1947' (Bantwara 1947) ફિલ્મ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી આ બંને ફિલ્મોને રજાનો ભરપૂર ફાયદો મળ્યો છે, પરંતુ કલેક્શનના મામલે ઈમરાન હાશ્મીની ફિલ્મે શરૂઆતના બે દિવસમાં જ મોટો સ્પષ્ટ તફાવત ઊભો કરી દીધો છે.
આવારાપન 2 ફિલ્મનો દર્શકોમાં ક્રેઝ જોવા મળ્યો
વિગતે વાત કરવામાં આવે તો, 'આવારાપન 2' 19 વર્ષ જૂની કલ્ટ ક્લાસિક ફિલ્મની સિક્વલ હોવાને કારણે દર્શકોમાં ક્રેઝ ઘણો વધારે છે. બીજી તરફ, સની દેઓલની 'બંટવારા 1947' પણ થિયેટરોમાં પોતાની પકડ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મોની રેસ વચ્ચે હોલિવુડની 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' અને સાઉથની ફિલ્મ 'ડીસી: ધ બ્લડી વેલેન્ટાઈન' પણ સારી એવી કમાણી કરી રહી છે.

શનિવારે રૂપિયા 25.76 કરોડનું નેટ કલેક્શન કર્યું
કમાણીની વાત કરવામાં આવે તો, આવારાપન 2 ફિલ્મે પ્રથમ દિવસે રૂપિયા 22 કરોડની શાનદાર ઓપનિંગ કર્યા બાદ બીજા દિવસે ફિલ્મે મોટી છલાંગ લગાવી રૂપિયા 25.76 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ બે દિવસનું કુલ નેટ કલેક્શન રૂપિયા 47.76 કરોડને પાર પહોંચી ગયું છે. શનિવાર સુધીમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન રૂપિયા 56.80 કરોડ નોંધાયું છે.
બંટવારા 1947 એ બીજા દિવસે10.15 કરોડ છાપ્યાં
બંટવારા 1947 ફિલ્મની કમાણીના આંકડાની વાત કરવામાં આવે તો, સ્વાતંત્ર્ય દિનના દિવસે આ ફિલ્મે બીજા દિવસે રૂપિયા 10.15 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. બે દિવસમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂપિયા 15 કરોડને પાર પહોંચ્યું છે, જ્યારે કુલ ગ્રોસ કલેક્શન માત્ર રૂપિયા 18.82 કરોડ થયું છે. ભારતીય સિનેમામાં 15 ઓગસ્ટની તારીખ હંમેશા કમાણી માટે ગોલ્ડન પીરિયડ માનવામાં આવે છે. 15 ઓગસ્ટે સૌથી વધુ કમાણી કરવાનો સર્વકાલીન રેકોર્ડ હજુ પણ સની દેઓલની 'ગદર 2' (₹55.40 કરોડ) ના નામે છે.