મુંબઈ: ઇઁધણના ભાવવધારા પછી હવે મહારાષ્ટ્રના લોકોને વીજળી માટે પણ વધુ પૈસા ચૂકવવાની નોબત આવી શકે. મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ) એ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ (એફએસી)માં વધારો કર્યો છે. આ વધારા બાદ મુલુંડ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ઘરેલુ તેમ જ અન્ય ગ્રાહકોના વીજળીના બિલમાં વધારો થશે.
નવા વધારેલા ચાર્જ પ્રમાણે હવે ગ્રાહકોને વીજ વપરાશ અને કેટેગરી પ્રમાણે પ્રતિ યુનિટ આશરે 20થી 55 પૈસા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. એમએસઈડીસીએલના અધિકારીઓના જણાવ્યા મુજબ કંપનીને અપેક્ષા કરતાં વધુ ખર્ચે વીજળી ખરીદવી પડી હતી. વીજ ખરીદીના ખર્ચમાં થયેલા વધારાને કારણે વધારાનો ખર્ચ ગ્રાહકો પાસેથી એફએસી મારફતે વસૂલવામાં આવી રહ્યો છે.MERCના નિયમો મુજબ વીજળી ખરીદવાનો ખર્ચ વધે ત્યારે વીજ વિતરણ કંપનીઓને ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવે છે. આ ચાર્જનો હેતુ વીજ ખરીદીના વધેલા ખર્ચની ભરપાઈ કરવાનો છે. હાલ એમએસઈડીસીએલ સરેરાશ આશરે 30 પૈસા પ્રતિ યુનિટના દરે એફએસી વસૂલી રહી હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.
નવા વધારા બાદ 300 યુનિટ જેટલી વીજળીનો વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકોના માસિક બિલમાં આશરે રૂ. 105નો વધારો થઈ શકે છે. જ્યારે 500 યુનિટ વીજળીનો વપરાશ કરનારા ગ્રાહકોને આશરે રૂ. 250 જેટલો વધારાનો બોજ સહન કરવો પડી શકે છે. એટલે કે વીજ વપરાશ જેટલો વધુ હશે, તેટલો એફએસીના કારણે બિલમાં વધારો જોવા મળશે. નાના ઉદ્યોગો માટે પ્રતિ યુનિટ આશરે 25થી 35 પૈસા સુધીનો વધારાનો ચાર્જ લાગશે. બીજી તરફ દુકાનો, મોલ અને અન્ય કમર્શિયલ ગ્રાહકો માટે વપરાશના આધારે પ્રતિ યુનિટ આશરે 35થી 60 પૈસા સુધીનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
એમએસઈડીસીએલના જણાવ્યા મુજબ વીજળી ખરીદવા પાછળ થયેલા વધારાના ખર્ચને કારણે આ એફએસી લાગુ કરવામાં આવ્યો છે. કંપનીએ અપેક્ષા કરતાં વધુ ખર્ચે વીજળી ખરીદવી પડી હતી અને આ વધારાનો ખર્ચ હવે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે. પરિણામે આગામી વીજ બિલમાં ગ્રાહકોને વધેલા ચાર્જનો સીધો અસર જોવા મળશે.
વીજળીના ભાવમાં સીધો વધારો નહીં પરંતુ એફએસીના વધારાના કારણે ગ્રાહકોના માસિક બિલમાં વધારો થવાનો છે. ખાસ કરીને વધુ વીજળી વાપરતા ઘરેલુ ગ્રાહકો, નાના ઉદ્યોગો અને કમર્શિયલ એકમો પર આ વધારાની અસર વધુ જોવા મળશે.