Tue Aug 18 2026

Logo

કેરલમમાં ભાજપને મોટો આંચકો, એસ. દેવને ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

2026-08-16 21:11:21
Author: Chandrakant Kanoja
Article Image

કાનચીકુલાંગરા: કેરલમમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. જેમાં અભિનેતા એસ. દેવને ભાજપ ઉપાધ્યક્ષ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ જાહેરાત કાનચીકુલાંગરા દેવી મંદિરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરી હતી.  

ભાષણનું સમાપન કરતી વખતે જાહેરાત  કરી 

તેમણે આ જાહેરાત મંદિરના કાર્યક્રમમાં પોતાના ભાષણનું સમાપન કરતી વખતે  કરી હતી.  શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમના મહાસચિવ વેલ્લાપલ્લી નટેસન અને ભાજપના નેતા બી. રાધાકૃષ્ણ મેનન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

પાંચ વર્ષમાં  હું  નારાયણ ગુરુના આદર્શો પર ના ચાલી શકયો  

ભાજપના રાજ્ય ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં  દેવને જણાવ્યું હતું કે "હું જે રાજકારણમાં માનું છું તે શ્રી નારાયણ ગુરુના આદર્શો, સિદ્ધાંતો અને કાર્યક્રમો પર આધારિત છે. કેરલમ ભાજપમાં જોડાયા પછી છેલ્લા પાંચ વર્ષમાં મને સમજાયું કે હું તે માર્ગ પર ચાલી શકયો નહિ. મને લાગ્યું કે મારો રાજકીય દૃષ્ટિકોણ અલગ છે. મેં મારું રાજીનામું લખી દીધું છે અને ઉપાધ્યક્ષ પદ સાથે ભાજપનું મારું પ્રાથમિક સભ્યપદ પણ છોડી રહ્યો છું. આ સભાને સંબોધતા  તેમણે કહ્યું કે મે વર્ષ 2004  અને 2006માં ચૂંટણી લડી હતી પરંતુ બંને વખત હારી ગયો હતો.  

વર્ષ 2021 માં પોતાના પક્ષને ભાજપમાં ભેળવી દીધો હતો 

ઉલ્લેખનીય છે કે, અભિનેતા એસ. દેવને 'કેરલ પીપલ્સ પાર્ટી' ની સ્થાપના કરીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જેનું નામ 2020 માં ' ન્યુ કેરલ પીપલ્સ પાર્ટી' રાખવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2021 માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ તેમણે તેમના પક્ષને ભાજપમાં ભેળવી દીધો અને ત્યારબાદ તેમને પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.