Tue Aug 18 2026

Logo

મુંબઈના નેવીનગરમાં ચોંકાવનારી ઘટના: નેવીના જવાન સહિત પરિવારના ચાર સભ્યનાં રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યાં

2026-08-16 14:51:12
Author: Vimal Prajapati
Article Image

ChatGPT Image


પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી હોવાની આશંકા, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈ: મુંબઈના પોશ વિસ્તાર ગણાતા કોલાબા સ્થિત નેવીનગર માહોલમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. અહીંના નૌકાદળના એક નાવિક, તેમની પત્ની અને બે નાના બાળકોના ઘરમાંથી શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ પરિવારના ચાર લોકોનાં મૃતદેહ મળતા પોલીસ તંત્રએ પણ સત્વરે તપાસ હાથ ધરી છે.

ઘરમાંથી લટકતી હાલતમાં મળ્યો જવાનનો મૃતદેહ

મળતી માહિતી મુજબ આ કરૂણ ઘટના 15 ઓગસ્ટ 2026ના રોજ પ્રકાશમાં આવી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય નૌકાદળના જવાનનો મૃતદેહ ઘરની અંદર ફાંસીના ફંદા પર લટકતો મળી આવ્યો હતો. આ જ રૂમમાંથી તેમની પત્ની, ત્રણ વર્ષનું બાળક અને માત્ર બે મહિનાના નવજાત શિશુનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તમામ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, પત્ની અને બાળકોના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત પ્રકાશમાં આવશે

પોલીસની પ્રાથમિક તપાસ અને પુરાવાઓને આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નૌકાદળના જવાને પહેલા પોતાની પત્ની અને બંને માસૂમ બાળકોને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યા હશે અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હશે! જો કે, આ મામલે હજી કોઈ પુરાવા મળ્યા નથી, એટલે તપાસ ચાલી રહી છે. 

ભારતીય નૌકાદળ દ્વારા પણ આ દુઃખદ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. નેવીના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેઓ પોલીસ તપાસમાં તમામ શક્ય સહયોગ પૂરો પાડી રહ્યા છે. હાલમાં ફોરેન્સિક ટીમ અને પોલીસ આ પગલાં પાછળ કયું પારિવારિક કે માનસિક કારણ જવાબદાર હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

કફ પરેડ પોલીસે આ બનાવ અંગે જણાવ્યું કે મૃતકની ઓળખ પુરનમલ શંભુલાલ મેહરા (30 વર્ષ) કરવામાં આવી છે, જ્યારે તેની પત્ની ઓમા પુરનમલ મેહરા (28) તેમ જ ત્રણ વર્ષનો દીકરો યશ અને બે મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. ચારેયના મૃતદેહના પોસ્ટ મોર્ટમ (પીએમ) માટે જે. જે. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે પંચનામું કરવામાં આવ્યું છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ બનાવ મુદ્દે પરિવારના સભ્યોની સાથે અડોશપડોશના નિવેદન લેવામાં આવશે. આ અગાઉ પણ આ પ્રકારના બનાવ રાજ્યમાં બની ચૂક્યા છે, પરંતુ આ બનાવ ચોંકાવનારો છે. એમ અધિકારીએ જણાવ્યું હતું.