Thu Sep 10 2026

Logo

ઝિમ્બાબ્વેમાં બોટ અકસ્માત, કરીબા લેક ઓવરલોડેડ બોટ પલટી જતાં 18 બાળકો સહિત 72થી વધુ મુસાફરોના મોત

Harare   2026-08-16 10:36:00
Author: Vimal Prajapati
ઝિમ્બાબ્વેમાં બોટ અકસ્માત, કરીબા લેક ઓવરલોડેડ બોટ પલટી જતાં 18 બાળકો સહિત 72થી વધુ મુસાફરોના મોત

હરારે: ઝિમ્બાબ્વેની પ્રખ્યાત કરીબા લેકમાં એક અત્યંત કરૂણ અને ગંભીર બોટ અકસ્માત સર્જાયો છે. ક્ષમતા કરતાં વધુ મુસાફરોને લઈને જઈ રહેલી એક જૂની ફેરી (બોટ) સરોવરના તેજ મોજાઓમાં પલટી જતાં 70થી વધુ લોકોના મોત નીપજ્યા છે. શનિવારે રેસ્ક્યૂ ટીમે સરોવરમાંથી વધુ 26 મૃતદેહો બહાર કાઢ્યા બાદ પોલીસે કુલ 72 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં 18 બાળકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. 

ક્ષમતા 90ની અને સવાર હતા 150થી વધુ મુસાફરો!

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મંગળવારે બનેલી આ ઘટનામાં ઓવરલોડિંગને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. સરકારી એજન્સી દ્વારા સંચાલિત આ ફેરીની કુલ ક્ષમતા 90 મુસાફરોની નક્કી કરવામાં આવેલી છે. પરંતુ સ્થાનિક સૂત્રો અનુસાર બોટમાં 153 જેટલા લોકો સવાર હતા. ઝિમ્બાબ્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ અત્યાર સુધીમાં 77 લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરી નજીકના એક ટાપુ પર પહોંચાડ્યા છે.

 

મૃતકોની યાદી અનુસાર 16 બાળકોની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી હતી, જેમાં સૌથી નાનું બાળક માત્ર 1 વર્ષનું હતું. નાના બાળકો પાસે ટિકિટ ન હોવાને કારણે શરૂઆતમાં તેમની સંખ્યા સ્પષ્ટ થઈ શકી નહોતી. આ જૂની ફેરી કરીબા શહેરથી ઉત્તર-પશ્ચિમના ગ્રામીણ અને માછીમારી કરતા વિસ્તારોને જોડતી હતી. આ વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી અત્યંત નબળી હોવાથી અને પબ્લિક ટ્રાન્સપોર્ટની અછતને કારણે સ્થાનિક લોકો અને ગ્રામજનો પોતાના દૈનિક આવાગમન માટે આ બોટ સેવા પર જ નિર્ભર રહે છે.