પાલનપુરઃ વડગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી સાથે જોડાયેલા એક વાયરલ વીડિયોએ ગુજરાતના રાજકારણમાં ભારે હોબાળો મચાવ્યો છે. પોતાના જ મતવિસ્તારના એક ગામમાં યોજાયેલી લોકસંપર્ક બેઠક દરમિયાન પૂર્વ સરપંચ દ્વારા ધારાસભ્ય પર પક્ષની ટિકિટ મેળવવાના બદલામાં રૂ. 4 લાખ રોકડા લેવાનો જાહેરમાં આક્ષેપ કરવામાં આવતાં કૉંગ્રેસ પક્ષમાં મોટી હલચલ મચી ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ સત્તાધારી ભાજપે પણ કૉંગ્રેસ નેતૃત્વ સામે આકરા પ્રહારો કર્યા હતા.
મળતી વિગતો મુજબ, આ ઘટના 28 સપ્ટેમ્બરની રાત્રે બની હતી. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તેમના મતવિસ્તારમાં આવેલા ટોકડિયા ગામમાં એક બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ જાહેર કાર્યક્રમ દરમિયાન ટોકડિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ ગ્રામજનોની હાજરીમાં જ મેવાણી સમક્ષ નાણાકીય વ્યવહારનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. પૂર્વ સરપંચે દાવો કર્યો હતો કે તેમણે વ્યક્તિગત રીતે ધારાસભ્યને ટિકિટના બદલામાં પૈસા આપ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં યાકુબ શેરાસિયા ધારાસભ્યને સીધા સવાલો કરતા જોવા મળે છે. જેમાં તેઓ જિજ્ઞેશભાઈ, શું તમે મારી પાસેથી રૂ. 4 લાખ નહોતા લીધા? શું મેં તમને પાલનપુર સર્કિટ હાઉસમાં પૈસા આપ્યા હતા કે નહીં? હું કુરાન શરીફ હાથમાં લઈને સોગંદ ખાવા તૈયાર છું. મેં તમને વ્યક્તિગત રીતે પૈસા આપ્યા હતા અને ટિકિટ મેળવવા માટે આ લાંચ આપવામાં આવી હતી.
આ ખુલ્લા આરોપો સામે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આરોપ લગાવનાર પાસેથી વ્યક્તિગત રીતે પૈસા લીધા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જોકે, તેમણે ગ્રામજનોને ઉદ્દેશીને કરેલા નિવેદને વધુ વિવાદ વહોરી લીધો હતો.
મેવાણીનો વિવાદ સામે આવતાં જ ભાજપે પ્રહાર કર્યા હતા. ભાજપ નેતાએ કહ્યું કે, તાને દલિતો અને વંચિતોના મસીહા ગણાવતા જીજ્ઞેશ મેવાણી સામે આટલા ગંભીર ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા છે, ત્યારે શું કોંગ્રેસ હાઈકમાન્ડ તેમની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરશે. ચૂંટણીમાં રાત-દિવસ એક કરીને જીતાડનારા પોતાના જ કાર્યકરો અને મતદારો સાથે મેવાણીએ વિશ્વાસઘાત કર્યો છે.મેવાણીએ અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે લાખો રૂપિયા ખંખેર્યા હશે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.