ટીમ ઇન્ડિયાના નવ વિકેટે 460 રનઃ હવે ભારતીય બોલર્સની પરીક્ષા
ગૉલઃ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ માં ભારતે પહેલા દાવમાં રવિવારની બીજા દિવસે શ્રીલંકન સ્પિનરોના ખૂબ જ સારા પર્ફોર્મન્સ છતાં રમતના અંત સુધીમાં નવ વિકેટે 460 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવ 12 રને અને પ્રસિદ્ધ ક્રિષ્ના એક રને દાવમાં હતો. શ્રીલંકા (SriLanka)ની સ્પિન જોડી પ્રભાત જયસૂર્યા (109 રનમાં ચાર વિકેટ) તથા કેશારા નુવાન્થા (175 રનમાં ત્રણ વિકેટ)એ ભેગા મળીને સાત વિકેટ લીધી હતી. સોમવારે મેઘરાજા નહીં નડે તો ભારતીય બોલર્સ યજમાન ટીમના બૅટ્સમેનોને સીમિત રાખીને ફૉલો-ઑન માટે ફરજ પાડી શકશે. હવે ભારત (India)ના બોલર્સમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ તેમ જ ત્રણ સ્પિનર કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને માનવ સુથારની પરીક્ષા થશે.
રવિવારના બીજા દિવસે વરસાદ તેમ જ નબળા પ્રકાશને કારણે રમત સાડાચાર કલાક મોડી શરૂ થઈ હતી. ઋષભ પંત (39 રન, 62 બૉલ, એક છગ્ગો, ચાર ચોગ્ગા) 81મી ઓવરમાં કૅચઆઉટ થઈ ગયો હતો અને ત્યારે શનિવારે સ્નાયુઓ ખેંચાવાને લીધે રિટાયર્ડ-હર્ટ થયેલો કે. એલ. રાહુલ ફરી બૅટિંગ કરવા આવ્યો હતો, પણ તે માત્ર પાંચ રન બનાવ્યા બાદ 82 રનના પોતાના સ્કોર પર શૉર્ટ લેગના સ્થાને કૅચ આપી બેઠો હતો. સેન્ચુરિયન દેવદત્ત પડિક્કલ (167 રન, 230 બૉલ, એક છગ્ગો, પંદર ચોગ્ગા) સાથે ધ્રુવ જુરેલ (51 રન, 68 બૉલ, એક છગ્ગો, ચાર ચોગ્ગા) માંડ સેટલ થયો ત્યાં તો ખુદ પડિક્કલ (Padikkal) વિકેટકીપર ડિકવેલાના હાથે સ્ટમ્પ-આઉટ થઈ ગયો હતો. ધ્રુવ જુરેલની આ ટેસ્ટ-કરીઅરની બીજી હાફ સેન્ચુરી હતી.

રવીન્દ્ર જાડેજા (13 રન) અને માનવ સુથાર (24 રન) સાધારણ યોગદાન આપ્યું હતું, પણ હવે સોમવારે તેમણે સ્પિનના તરખાટથી શ્રીલંકનોને મુશ્કેલીમાં લાવવા પડશે.
રવિવારે રાત્રે તથા સોમવારે સવારે વરસાદ પડવાની આગાહી હોવાથી રમત ફરી એક વખત વિલંબ બાદ શરૂ થશે તો નવાઈ નહીં. ખરેખર તો બુધવાર (મૅચના અંતિમ દિવસ) સુધીની વરસાદની આગાહી હોવાથી આ મૅચ ડ્રૉમાં જશે કે ભારતને જીતવા મળશે એનો અંદાજ કરવો મુશ્કેલ છે.