Mon Sep 07 2026

Logo

રાજસ્થાની સ્પિનર માનવ સુથારે કરીઅરની સતત બીજી ટેસ્ટમાં પણ પહેલી ઓવરમાં લીધી વિકેટ

2026-08-17 11:52:00
Author: Ajay Motiwala
રાજસ્થાની સ્પિનર માનવ સુથારે કરીઅરની સતત બીજી ટેસ્ટમાં પણ પહેલી ઓવરમાં લીધી વિકેટ

Image Source: BCCI


ગૉલ: અહીં વરસાદના વિઘ્નો વચ્ચે રમાતી પ્રથમ ટેસ્ટ મૅચમાં ત્રીજા દિવસે ભારત (India)નો પ્રથમ દાવ 462 રનના સ્કોર પર પૂરો થયો ત્યાર બાદ યજમાન શ્રીલંકાનો જોરદાર ધબડકો થયો હતો અને એણે 59 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

બીજા જ બૉલમાં સિરાજે લીધી વિકેટ

દાવના બીજા જ બૉલમાં મોહમ્મદ સિરાજે સફળતા મેળવી હતી. તેણે ઓપનર નિશાન ફર્નાન્ડોની વિકેટ લીધી હતી, પરંતુ થોડીવાર પછી જે બન્યું એ વધુ ચોંકાવનારું હતું.

માનવ આવ્યો એવો ત્રાટકયો

મૂળ રાજસ્થાનના 24 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર માનવ સુથારે ટેસ્ટ કારકિર્દીની સતત બીજી જ મૅચમાં પણ પહેલી ઓવરમાં વિકેટ લીધી હતી. વધુ રસપ્રદ વાત એ છે કે તેણે કરીઅરની આ બીજી ટેસ્ટના પહેલા જ બૉલમાં 319 આંતરરાષ્ટ્રીય મૅચના અનુભવી વિકેટકીપર- બૅટ્સમૅન દિનેશ ચંદીમલ (પાંચ રન)ને આઉટ કર્યો હતો.

માનવે કેવી રીતે ચંદીમલને જાળમાં ફસાવ્યો?

શ્રીલંકા (SriLanka)ની ટીમ પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી બેઠી હોવાથી ખૂબ ચિંતામાં હતી. તેમનો સ્કોર એક વિકેટે 27 રન હતો. કેપ્ટન શુભમન ગિલે સિરાજ અને પ્રસિદ્ધ ક્રિશ્નાને અજમાવ્યા બાદ આઠમી ઓવર શરૂ કરવાની જવાબદારી માનવ સુથારને આપી હતી. શ્રીલંકાના બૅટ્સમેન સુથારના સ્પિન કૌશલ્યથી અજાણ હતા. તે ફ્લાઈટેડ બૉલમાં ડ્રીફ્ટ અને શાર્પ ટર્નથી બૅટ્સમેનને મૂંઝવી નાખવામાં માહિર છે અને આ વખતે પણ તેણે એવું જ કર્યું. બૉલ ટર્ન થયા પછી ખૂબ ઉછળ્યો પણ હતો અને ચંદીમલના બૅટના ઉપરના-બહારના ભાગને અથવા ગ્લવ્ઝને લાગ્યા બાદ સ્ટમ્સની પાછળ ગયો હતો અને રિષભ પંતે કૅચ ઝીલવામાં કોઈ જ ભૂલ નહોતી કરી.

માનવે યશસ્વીને કૅચ અપાવ્યો

માનવ સુથાર થોડી વાર પછી ફરી ત્રાટક્યો હતો અને ઓપનર લાહિરુ ઉદારા (27 રન)ને બૅકવર્ડ પૉઈન્ટ પર યશસ્વી જયસ્વાલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

કુલદીપ યાદવ પણ ત્રાટક્યો

આટલું જાણે પૂરતું ન હોય એમ થોડી વાર બાદ સ્પિનર કુલદીપ યાદવે પણ પરચો બતાવ્યો હતો. તેણે કામેન્ડુ મેન્ડિસ (14 રન)ને એક્સ્ટ્રા કવર પર શુભમન ગિલના હાથમાં કૅચઆઉટ કરાવીને પૅવિલિયનમાં પાછો મોકલી દીધો હતો. શ્રીલંકાના બે સફળ સ્પિનર પછી હવે ભારતીય સ્પિનર્સે પણ પોતાની કાબેલિયત બતાવી.