ગાલે: પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે શ્રીલંકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ સદી ફટકારી હતી. ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 462 રન કર્યા હતા જેના કારણે ભારતને શ્રીલંકા પર 178 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ હવે ચોથા દિવસે 178 રનની લીડ સાથે પોતાની બીજી ઇનિંગ શરૂ કરશે.
પ્રથમ ઈનિંગમાં શ્રીલંકા તરફથી નિરોશન ડિકવેલાએ 115 બોલમાં 80 રન કર્યા હતા. સોનલ અને નિરોશન વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 146 રનની ભાગીદારી થઈ હતી. જેના કારણે શ્રીલંકા ફોલોઓનથી બચી ગયું હતું. ફોલોઓન ટાળવા માટે 263 રનની જરૂર હતી. આ બે સિવાય, શ્રીલંકનનો કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહીં.
ત્રીજા દિવસે સવારે ભારતનો પહેલો દાવ ફક્ત ચાર બોલમાં 462 રન પર સમાપ્ત થયો હતો. જેના જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મોહમ્મદ સિરાજે પહેલી જ ઓવરમાં નિશાન ફર્નાન્ડો (0) ને આઉટ કર્યો હતો. લહિરુ ઉદારા (27) અને દિનેશ ચંદીમલ (4) ને માનવ સુથારે આઉટ કર્યા હતા, જ્યારે કમિન્ડુ મેન્ડિસ (14) ને કુલદીપ યાદવે આઉટ કર્યો હતો જેના કારણે શ્રીલંકાએ 57 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ધનંજય ડી સિલ્વા (21) પણ રવિન્દ્ર જાડેજાનો બોલ આઉટ થયો હતો જેના કારણે શ્રીલંકાએ માત્ર 90 રનમાં પાંચ વિકેટો ગુમાવી દીધી હતી.
90 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકા પર ફોલોઓનનો ભય હતો. જોકે, સોનલ દિનુષાએ અને નિરોશન ડિકવેલાએ મેચનું પરિણામ પલટી નાખ્યું હતું.. બંને બેટ્સમેનોએ છઠ્ઠી વિકેટ માટે (213 બોલમાં) 146 રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાવી હતી. ડિકવેલાએ 115 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 80 રન કર્યા હતા.
આ બે સિવાય શ્રીલંકાનો કોઈ પણ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહીં. કેશારા નુવાંથા બે, પ્રભાત જયસૂર્યા 10 અને લાહિરુ કુમારાએ 10 રન કરીને આઉટ થયા. ભારત તરફથી માનવ સુથારે ચાર વિકેટ લીધી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી. સિરાજ, પ્રસિદ્ધ અને કુલદીપે એક-એક વિકેટ લીધી હતી.