Wed Aug 19 2026

Logo

જાણો .. ભાજપ પ્રમુખ નીતિન નબીનની ટીમમાં કોનો થયો સમાવેશ, કોની બાદબાકી

2026-08-17 19:56:34
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જેમાં 13 નવા રાષ્ટ્રીય કારોબારીના સભ્યોની જાહેરાતને પક્ષમાં પરિવર્તનના સંકેતતરીકે જોવામાં આવી રહ્યો છે. આ બદલાવને  વર્ષ 2029ની લોકસભા ચૂંટણીને લઇને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

40 ટકાથી વધુ સભ્યો સમાજના વંચિત સમુદાયમાંથી 

ભાજપે તેની નવી ટીમમાં પ્રાદેશિક અને સામાજિક પ્રતિનિધિત્વ પર પણ ભાર મૂક્યો છે. જેમાં 40 ટકાથી વધુ સભ્યો સમાજના વંચિત સમુદાયમાંથી આવે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાંથી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશના ડી. પુરંદેશ્વરીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તમિલનાડુના એમ. વેંકટેશનને રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટીમમાં ઉંમર અંગે સંતુલન જાળવવાનો પણ દાવો 

પાર્ટીએ નવી ટીમમાં ઉંમર અંગે સંતુલન જાળવવાનો પણ દાવો કર્યો છે. રાષ્ટ્રીય ટીમમાં 40 વર્ષથી ઓછી ઉંમરના છ નેતાઓ, 40 થી 49 વર્ષની વયના પંદર નેતાઓ અને 50 થી 59 વર્ષની વયના એકવીસ નેતાઓનો સમાવેશ થાય છે. આ સંગઠનાત્મક ફેરફારો આગામી વિધાનસભા ચૂંટણીઓ તેમજ 2029 ની લોકસભા ચૂંટણી માટેની વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

પાર્ટીએ ફરી એકવાર ચર્ચિત ચહેરાઓનો સમાવેશ કર્યો

આ નવી ટીમમાં પાર્ટીએ ફરી એકવાર ચર્ચિત ચહેરાઓનો સમાવેશ કર્યો છે.  જેમાં લાંબા સમયથી સંગઠનમાં રહેલા ચહેરાને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે જૂના લોકોને પુન: સંગઠનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકોને યથાવત પણ રાખવામાં આવ્યા છે. તેમજ પાર્ટીએ પ્રાદેશિક અને સામાજિક સમીકરણોને સંતુલિત કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

રાષ્ટ્રીય મહાસચિવોમાંથી અરુણ સિંહ, દુષ્યંત ગૌતમ, તરુણ ચુઘને મહાસચિવ પદેથી દૂર કરાયા 

નીતિન નબીનની ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવોમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. જેમાં જૂની ટીમમાંથી  મહાસચિવોમાંથી ફક્ત વિનોદ તાવડે અને સુનીલ બંસલને યથાવત રાખવામાં આવ્યા છે. જયારે  અરુણ સિંહ, દુષ્યંત ગૌતમ, તરુણ ચુઘ અને રાધામોહન દાસ અગ્રવાલને મહાસચિવ પદેથી દૂર કરવામાં આવ્યા છે.

છ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને દૂર કરાયા 

નીતિન નબીનની ટીમ પર નજર કરીએ તો જણાશે કે સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે વસુંધરા રાજે, બૈજયંત પાંડા, તારિક મન્સૂર અને રેખા વર્માને  જાળવી રાખવામાં આવ્યા છે. જ્યારે  સરોજ પાંડે, ડીકે અરુણા, એમ. ચુબા એઓ, એપી અબ્દુલ્લાકુટ્ટી, લક્ષ્મીકાંત બાજપાઈ અને લતા ઉસેન્ડીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

રામ માધવ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પરત ફર્યા

આ ઉપરાંત નવી ટીમમાં કેટલાક પરિચિત અને અગ્રણી ચહેરાઓને ફરી સમાવવામાં અવયછે. જેમાં ભાજપ સંગઠનમાં લાંબો સમય કામ કરી ચૂકેલા પૂર્વ આરએસએસ પ્રચારક રામ માધવ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પરત ફર્યા છે. કર્ણાટકના પ્રોફેસર એમ. નાગરાજ અને કેન્સર નિષ્ણાત ડૉ. મધુચંદ્ર કરને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ SC મોરચાના વડા લાલ સિંહ આર્યને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે બઢતી આપવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપરાંત, તીરથ સિંહ રાવત અને બિપ્લબ કુમાર દેબને પણ રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાની સંગઠનમાં પાછા ફર્યા 

આ ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રીય સચિવ અને આસામના પ્રભારી હરીશ દ્વિવેદીને રાષ્ટ્રીય મહાસચિવ પદે બઢતી આપવામાં આવી છે. આદિવાસી સમુદાયમાંથી આવતા ગજેન્દ્ર પટેલને પણ મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સંગઠનમાં પાછા ફર્યા છે અને તેમને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને પણ રાષ્ટ્રીય મહાસચિવની ભૂમિકા સોંપવામાં આવી છે.

પીયૂષ ગોયલ પાર્ટીના રાષ્ટ્રીય ખજાનચી તરીકે પરત ફર્યા

નીતિન નબીનની ટીમમાં ખજાનચી પદ અંગે પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. રાજેશ અગ્રવાલ અને નરેશ બંસલને અનુક્રમે ખજાનચી અને સંયુક્ત ખજાનચી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પાર્ટીના રાષ્ટ્રીય ખજાનચી તરીકે પરત ફર્યા છે.તેમણે ભૂતકાળમાં આ જવાબદારી નિભાવી છે. 

આઈટી સેલના કન્વીનર અમિત માલવીયાને સ્થાન નથી મળ્યું

નીતિન નબીનની ટીમમાં સૌથી મહત્વનો બદલાવ આઈટી સેલના કન્વીનર અમિત માલવીયાને સ્થાન નથી મળ્યું. તેમજ  સંજય મયૂખે મીડિયા સેલના સહ-સંયોજક પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. પ્રદીપ ભંડારી અને સિદ્ધાર્થ યાદવ  જેઓ અગાઉ રાષ્ટ્રીય પ્રવક્તા  હતા તેમને હવે મીડિયા સહ-સંયોજકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત  દુષ્યંત ગૌતમ, રાધામોહન દાસ અગ્રવાલ,  સરોજ પાંડે, તેજસ્વી સૂર્યા, લક્ષ્મીકાંત બાજપાઈ અને અરુણ સિંહ જેવા અગ્રણી અનુભવી વ્યક્તિઓ નવી ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ (સંગઠન) માટે બે પદ ઉભા કર્યા 

જયારે ટીમમાં શિવપ્રકાશને રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ (સંગઠન) પદ પર જાળવી રાખવામાં આવ્યા છે. સૌદાન સિંહને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પરથી હટાવીને રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ (સંગઠન) ની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પાર્ટી પાસે હવે રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ (સંગઠન) માટે બે પદ છે.

રાષ્ટ્રીય સચિવોની યાદીમાં પણ મોટા ફેરફારો

રાષ્ટ્રીય સચિવોની યાદીમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં અરવિંદ મેનન, પંકજા મુંડે, અલ્કા ગુર્જર, ઓમ પ્રકાશ ધુર્વે, નરેન્દ્ર સિંહ, ઋતુરાજ સિંહા, કામાખ્યા પ્રસાદ તાસા, સુરેન્દ્ર નાગર, ઓમ પ્રકાશ ધનખર અને મનજિંદર સિંહ સિરસાને સચિવ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

સંગીતા યાદવ , મૃગાંક બર્મન,ફાંગનોન કોન્યાક ને રાષ્ટ્રીય સચિવ બનાવાયા 

જ્યારે ઋતુરાજ સિંહાને સંગઠનમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા નથી. તેમને 'પ્રકોષ્ઠ સંકુલ' (સેલ ક્લસ્ટર) ના સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંગીતા યાદવ , મૃગાંક બર્મન, અને ફાંગનોન કોન્યાક ને રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રોફેસર ડૉ. સ્વદેશ સિંહ  હાલમાં દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર અને અગાઉ  જેએનયુ માં એબીવીપી સાથે સંકળાયેલા
અને રાષ્ટ્રીય સચિવની જવાબદારી સોંપવામાં આવી છે.