Tue Aug 18 2026

Logo

ઋષભ પંતે ગિલક્રિસ્ટનો આ વર્લ્ડ રેકૉર્ડ તોડીને હલચલ મચાવી દીધી

Gaul   2026-08-16 17:40:12
Author: Ajay Motiwala
Article Image

ગૉલઃ વિકેટકીપર-બૅટ્સમૅન રવિવારે અહીં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ફક્ત 39 રન બનાવીને નવા ઑફ-સ્પિનર કેશારા નુવાન્થાને વિકેટ આપી દીધી હતી, પરંતુ એ પહેલાં પંતે શનિવારે એક વિશ્વ વિક્રમ પોતાના નામ કર્યો હતો એ ઘણાના ધ્યાન બહાર રહી ગયું હશે. તેણે ઑસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર ઍડમ ગિલક્રિસ્ટનો 18 વર્ષ જૂનો વર્લ્ડ રેકાર્ડ તોડી નાખ્યો હતો.

શનિવારે શ્રીલંકા સામેની ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે બે વિકેટે 288 રન બનાવ્યા હતા. રિષભ પંત (Rishabh Pant) 27 રને નૉટઆઉટ રહ્યો હતો અને તેના એ 27 રનમાં એક છગ્ગો સામેલ હતો. એ છગ્ગા (Sixer)એ તેને વિશ્વ વિક્રમ અપાવ્યો હતો. તેણે દેવદત્ત પડિક્કલ સાથે ત્રીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી.

પંત હવે ટેસ્ટ-ક્રિકેટમાં વિદેશી ધરતી પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર વિકેટકીપર બન્યો છે. વિદેશમાં તેના નામે હવે ટેસ્ટ-ક્રિકેટની 57 સિક્સર છે. તેણે ગિલક્રિસ્ટ (56 સિક્સર)ને પાછળ રાખી દીધો છે.

પંતના નામે ટેસ્ટ ફૉર્મેટમાં કુલ 98 છગ્ગા છે અને બે છગ્ગા ફટકારશે એટલે ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર મારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો ખેલાડી બની જશે. ટેસ્ટ જગતમાં સૌથી વધુ 138 સિક્સર બેન સ્ટૉક્સના નામે છે. બે્રન્ડન મૅક્લમ (107 સિક્સર) બીજા સ્થાને અને ગિલક્રિસ્ટ (100 સિક્સર) ત્રીજા નંબરે છે. પંત આ યાદીમાં 98 છગ્ગા સાથે ચોથે છે. હાલમાં તે 98 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ અને ટિમ સાઉધીની હરોળમાં છે.

ટેસ્ટમાં વિદેશી ધરતી પર સૌથી વધુ સિક્સર કયા વિકેટકીપરના નામે?

ઋષભ પંતઃ 57 છગ્ગા
ઍડમ ગિલક્રિસ્ટઃ 56 છગ્ગા
એમએસ ધોનીઃ 37 છગ્ગા
ક્વિન્ટન ડિકૉકઃ 18 છગ્ગા
રૉડની માર્શઃ 16 છગ્ગા