Tue Aug 18 2026

Logo

મહારાષ્ટ્રની ‘દહીહાંડી’ હવે સ્પેનમાં મચાવશે ધૂમ: યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન અપાવવા સરકાર 'સજ્જ'

2026-08-16 21:03:41
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના પરંપરાગત અને લોકપ્રિય દહીહાંડી ઉત્સવની ઉજવણી હવે સ્પેનમાં પણ ધમાલ મચાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દહીહાંડીને વૈશ્વિક ઓળખ અપાવવા તેને યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન અપાવવાનો પણ પ્રયાસ કરશે, એમ સરકારે જણાવ્યું હતું.

મુંબઈના પરેલ વિસ્તારમાં મહારાષ્ટ્ર સ્ટેટ દહીહાંડી ગોવિંદા એસોસિએશન દ્વારા આયોજિત ‘કૃષ્ણાનંદ સોહળા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા અને પુરુષ દહીહાંડી ટીમોના પ્રતિનિધિઓ, ગોવિંદાઓ તેમ જ દહીહાંડી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાને દહીહાંડીને યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન અપાવવાના સરકારના પ્રયાસની માહિતી આપી હતી.

દહીહાંડીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મ નિમિત્તે જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દરમિયાન ગોવિંદાઓ એકબીજાના ખભા પર ચઢીને ઊંચો માનવ પિરામિડ બનાવે છે અને ઉપર બાંધવામાં આવેલી માટીની હાંડી ફોડે છે. આ હાંડીમાં દહીં, માખણ અને દૂધ ભરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં દહીહાંડી માત્ર ધાર્મિક તહેવાર જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાનો પણ મહત્વનો ભાગ છે.

આ પરંપરાની ખાસિયત માત્ર મહારાષ્ટ્ર પૂરતી મર્યાદિત ન રહે તે માટે સરકાર ગોવિંદાઓને સ્પેન મોકલવા ઈચ્છે છે. મહારાષ્ટ્રની દહીહાંડી અને સ્પેનની ‘કાસ્ટેલ્સ’ પરંપરા વચ્ચે માનવ પિરામિડ અને માનવ ટાવર બનાવવાની સમાનતા છે. 

સ્પેનમાં વિવિધ સમુદાયો દ્વારા ‘કાસ્ટેલ્સ’ નામે ઊંચા માનવ ટાવર બનાવવાની પરંપરા છે. આ જ સાંસ્કૃતિક સમાનતાને કારણે સ્પેનની ટીમો પણ દર વર્ષે મુંબઈ અને થાણેમાં યોજાતી દહીહાંડીની ઉજવણીમાં ભાગ લેવા આવતી હોય છે. હવે મહારાષ્ટ્રના ગોવિંદાઓને સ્પેન મોકલીને ત્યાં આ પરંપરાનું પ્રદર્શન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

દહીહાંડીના વિવિધ મંડળોને તહેવાર દરમિયાન સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવાની અપીલ પણ કરી હતી. તેમણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ ગોવિંદાઓ અને દર્શકોની સુરક્ષા માટે જરૂરી તમામ સાવચેતી રાખવા જણાવ્યું હતું. દહીહાંડીના આયોજન દરમિયાન રાહદારીઓ અને સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેની જવાબદારી આયોજકો નિભાવે તેવી પણ તેમણે અપીલ કરી હતી.

રાજ્ય સરકાર મહારાષ્ટ્રની પરંપરાગત ઉજવણીઓને યોગ્ય મહત્વ સાથે જાળવવા અને તેને નવી પેઢી સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે, પરંતુ તેની સાથે સુરક્ષા અને જાહેર હિતને પણ પ્રાથમિકતા આપવામાં આવશે, એવી માહિતી આપી હતી.

(પીટીઆઈ)