ફાયરબ્રિગે્રડની પાંચ કલાકથી વધુ સમય બચાવ કામગીરી ચાલી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ચર્ચગેટમાં મહર્ષિ કર્વે રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ સાત માળના આયકર ભવનમાં બેઝમેન્ટમાં સોમવારે બપોરના આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 28 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. લગભગ પાંચ કલાકની જહેમદ બાદ મોડી સાંજે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. ફાયરબ્રિગે્રડના અધિકારીના જણાવ્યા મુજબ તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે.
સોમવારે બપોરે લગભગ 2.01 વાગ્યે ચર્ચગેટના મહર્ષિ કર્વે રોડ પર આવેલા આયકર ભવનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને સાત ઉપરના માળનો સમાવેશ થાય છે. આગ બેઝમેન્ટના લગભગ 7,000-8,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ત્યા રહેલા ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, સંગ્રહિત રેકોર્ડ, કાગળનો સ્ટોક, ભંગાર સામગ્રી અને લાકડાના પાર્ટીશનોને અસર થઈ હતી.
આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડના આઠથી વધુ ફાયર એન્જિને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે પૂરી બિલ્ડિંગમાં ભારે ધુમાડો ફેલાઈ ગયો હોવાથી શ્વાસ લેવાના ઉપકરણોથી સજ્જ 20 ફાયર ફાઇટરોએ ધુમાડાથી ભરેલા પરિસરમાં પ્રવેશ કર્યો હતો ફાયર ફાઈટરોએ બે હાઈ પ્રેશર લાઈન, ત્રણ મોટી હોઝ લાઈન અને ચાર નાની હોઝ લાઈનનો ઉપયોગ કર્યો હતો અને બચામ કામગીરી હાથ ધરી હતી.
આયકર ભવનની પૂરી બિલ્ડિંગમાં આગને કારણે ધુમાડો ફેલાઈ ગયો હોવાથી ધુમાડો બહાર કાઢવા માટે અનેે બિલ્ડિંગમાંથી હવાની અવરજવર માટે બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. બિલ્ડિંગ સેન્ટ્રલ એર-ક્નડીશનીંગ સિસ્ટમ છે અને તેથી જ બધી બારીઓ બંધ હતી, જેને કારણે સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો હોવાનું ફાયરબિગે્રડના અધિકારીએ જણાવ્યું હતું.
આયકર ભવનની બિલ્ડિંગમાં સીબીઆઈ સાથે જ ઈન્કમ ટૅક્સના જુદા જુદા વિભાગની ઓફિસો આવેલી છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈન્કમ ટેક્સના કર્મચારીઓની કૉ-ઓપરેટીવ બૅંન્ક પણ આવેલી છે, જે હાલમાં જ તેની શતાબ્દી ઊજવી રહી છે. આ ઇમારતમાં દરરોજ સેંકડો કર્મચારીઓની સાથે જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.
સોમવારે બપોરના આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં તેમાં લોકો હાજર હોવાની શકયતાને પગલે મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે મોટી ટર્ન લેડર સહિત અનેક વાહનો સાથે પહોંચી ગઈ હતી. ફાયરબિગે્રડના અધિકારીના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં બપોરના આગ લાગી ત્યારે ત્યાં કામ કરનારા અમુક કર્મચારીઓને તેની જાણ થતા તેઓએ સહકર્મચારીઓને જાણ કરી હતી. એ સાથે જ બિલ્ડિંગની ઍલાર્મ સિસ્ટમે પણ સ્ટાફને સમયસર ચેતવણી આપી હતી, જેના કારણે ઘણા લોકો ઉપરના માળેથી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા.
ઈન્કમ ટેક્સ ઓફિસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નિલેશ બાગુલે જણાવ્યું હતું કે ઈમારતમાં લગભગ 1,800 કર્મચારીઓ કામ કરે છે. બપોરના લંચના સમયે આગ લાગી હોવાથી અનેક કર્મચારીઓ બહાર હોવાથી મોટી જાનહાની ટળી હોવાનું કહેવાય છે. ફાયરબ્રિગે્રડના અધિકારીના જણાવ્યા મુજબ આગને કારણે નીકળેલા ધુમાડાને કારણે બિલ્ડિંગની અંદર રહેલા ઘણા લોકો બેભાન થઈ ગયા હતા, જેમાં મોટાભાગના લોકો બહાર નીકળવા માટે દોડી ગયા હતા, જ્યારે કેટલાક લોકોએ શરૂઆતમાં તેને નાની આગ સમજીને કામ ચાલુ રાખ્યું હતું. આગ વધુ તીવ્ર બનતા ગાઢ ધુમાડાને કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે ફાયર બ્રિગેડને અંદર ફસાયેલા લોકોને બચાવવાનું કામ સોંપવામાં આવ્યું હતુંં.
ધુમાડાથી બચાવ કામગીરીમાં અડચણ
ફાયરબિગે્રડના અધિકારીના જણાવ્યા મુજબ રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયેલા ધુમાડાએ મોટો પડકાર ઉભો કર્યો હતો. દાદરા સહિત બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતા કર્મચારીઓને સીડી પર જવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું. ધુમાડાને કારણે લોકોને શ્વાસમાં લેવામાં તકલીફ હતી.
આગ લાગી હોવાથી લિફ્ટ પણ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે સીડી એકમાત્ર શક્ય બચવાનો માર્ગ હતો. જવાનોએ પહેલા ત્રણ માળેથી 15 લોકોને સીડી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એંગસ સીડીનો ઉપયોગ કરીને પહેલા માળેથી વધુ પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ટેરેસ પર ફસાયેલા આઠ લોકોને ટર્નટેબલ સીડીની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
રસ્તા પર ટ્રાફિક જૅમ
આગ બુઝાવવા માટે મોટા પ્રમાણમાં ફાયરબ્રિગે્રડના ફાયર ઍન્જિન સહિતના વાહનો આવ્યા હોવાથી ચર્ચગેટ રેલ્વે સ્ટેશનની બહાર, સિમેન્ટ હાઉસની સામેના રસ્તા પર પણ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. સાંજે મોડે સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી હોવાથી લાંબા સમય સુધી રસ્તાઓ બંધ રહેવાને કારણે સાંજના સમયે ઘરે પાછા ફરી રહેલા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.