મીરા રોડમાં બૅકિંગ કંપનીમાં ગોળીબારનો પ્રયાસ અને ખંડણીના કેસમાં ફરાર મર્ચન્ટ વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ જારી કરાયેલી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડમાં ઈન્ટરનૅશનલ બૅકિંગ કંપનીની કેક શૉપમાં ગોળીબારનો પ્રયાસ અને ખંડણીના કેસમાં ફરાર અન્ડરવર્લ્ડના ડૉન દાઉદ ઈબ્રાહિમનો કથિત ભૂતપૂર્વ સાગરીત અખ્તર મર્ચન્ટ ત્રણ વર્ષ બાદ દિલ્હી ઍરપોર્ટ પર ઝડપાઈ ગયો હતો.
નાલાસોપારાનો રહેવાસી અખ્તર કાસમઅલી મર્ચન્ટ (60) વિદેશ ભાગી ગયો હોવાની જાણકારીને આધારે તેની વિરુદ્ધ ઈન્ટરપોલ મારફત રેડ કૉર્નર નોટિસ (આરસીએન) ઈશ્યુ કરાઈ હતી. એ સિવાય તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ પણ જારી કરાયું હતું. ઈન્ટરપોલના આરસીએનના લિસ્ટમાં મર્ચન્ટનું નામ છઠ્ઠા સ્થાને હોવાનું કહેવાય છે.
મર્ચન્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવવાનો હોવાની માહિતી મળતી હતી. માહિતીને આધારે પોલીસે ઈમિગ્રેશન અધિકારીને જાણ કરી હતી. સોમવારે બપોરે ઍરપોર્ટ પહોંચેલા મર્ચન્ટને તાબામાં લેવાયો હતો. સાંજે નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરી 22 ઑગસ્ટ સુધીના તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવાયા હતા. તેને મંગળવારે મીરા રોડમાં લાવવામાં આવશે, એમ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું.
મીરા રોડના કાશીમીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગોળીબારના પ્રયાસ અને ખંડણીના ગુનામાં મર્ચન્ટ ફરાર હતો. એક સમયે દાઉદ ગૅન્ગ સાથે સંકળાયેલા મર્ચન્ટે તેના સાથી નિસાર અહમદ શેખ ઉર્ફે પપ્પુ પેજર સાથે મળીને બાબુ તરીકે ઓળખાતા ગુટકાના વ્યાવસાયિકને ખંડણી માટે ધમકી આપી હતી. બાબુ ખંડણીની રકમ આપવા તૈયાર ન થતાં ગોળીબારનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
કહેવાય છે કે કાશીમીરા નાકા પાસેની ઈન્ટરનૅશનલ બૅકિંગ કંપનીની કેક શૉપ ખાતે બાબુ આવવાનો હોવાની માહિતી હતી. 13 ઑક્ટોબર, 2023ની સવારે 10 વાગ્યાની આસપાસ બાઈકસવાર હુમલાખોર હેલ્મેટ પહેરીને કેક શૉપના કાઉન્ટર પાસે પહોંચ્યો હતો. ત્યાં હાજર કર્મચારી સામે પિસ્તોલ ધરીને તેણે ગોળીબારનો પ્રયાસ કર્યો હતો. જોકે પિસ્તોલ જામ થઈ જતાં ફાયર થયું નહોતું. આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.
તપાસ દરમિયાન ગોળીબારનું કામ અકબર શેખને સોંપાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે શેખ અને તેની પૂછપરછ પછી પપ્પુ પેજરની ધરપકડ કરી હતી. જોકે મર્ચન્ટ વિદેશ ભાગી ગયો હોવાથી તે હાથ લાગ્યો નહોતો.