Sun Aug 23 2026

Logo

પંજાબ જીત્યું એટલે દિલ્હી આઉટ: આજે રાજસ્થાન જીતે તો પ્લે-ઑફમાં

2026-05-24 12:19:00
Author: Ajay Motiwala
Article Image

વાનખેડેમાં બપોરે 3.30 વાગ્યાથી મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન


લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (6/196)ને 2025ના રનર-અપ પંજાબ કિંગ્સે (18 ઓવરમાં 3/200) શનિવારે સાત વિકેટે હરાવીને પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખી હતી અને એ સાથે પ્લે-ઑફના ચોથા (છેલ્લા) સ્થાન માટેના દાવેદારોમાં સામેલ દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી. પંજાબ અને કોલકાતા પણ હજી પ્લે-ઑફની રેસમાં છે, પરંતુ આજે બપોરે 3:30 વાગ્યે વાનખેડેમાં મુંબઈ સામે શરૂ થનારી મૅચ જો રાજસ્થાન જીતી જશે તો બધી ટીમ (પંજાબ, કોલકાતા) આઉટ થઈ જશે અને રાજસ્થાન ચોથી ટીમ તરીકે પ્લે-ઓફમાં એન્ટ્રી કરી લેશે. બેંગ્લૂરુ, ગુજરાત અને હૈદરાબાદ પ્લે-ઑફમાં પહોંચી ગયા છે. ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને લખનઊની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

શ્રેયસની પ્રથમ સદી પંજાબને ફળી

પંજાબની જીત માટે સૌથી મોટો જશ કૅપ્ટન શ્રેયસ ઐયર (101 અણનમ, 51 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર)ને ફાળે જાય છે. તેણે ખરા સમયે આઇપીએલ (IPL)માં પોતાની ડેબ્યૂ સેન્ચુરીથી પંજાબની આબરૂ સાચવી લીધી હતી.

કોલકાતાને કેવી રીતે મોકો? 

પંજાબ (PUNJAB) સતત છ મૅચ હાર્યા બાદ હવે અણીના સમયે મૅચ જીત્યું છે અને ચોથા સ્થાને રહ્યું છે. આજે રાજસ્થાન (Rajasthan) જો વાનખેડેમાં મુંબઈને હરાવશે તો પંજાબ ઉપરાંત કોલકાતા અને નજીવી આશા રાખીને બેઠેલી દિલ્હી સહિત બધી ટીમો ટૂર્નામેન્ટની બહાર થઈ જશે અને પ્લે-ઑફમાં બેંગ્લૂરુ, ગુજરાત, હૈદરાબાદ સાથે રાજસ્થાન જોડાઈ જશે. જો બપોરની મુંબઈ સામેની મૅચમાં રાજસ્થાન હારી ગયું હશે તો હરીફાઈ વધુ ઉગ્ર બનશે. રનરેટ નિર્ણાયક બનશે. એ સ્થિતિમાં કોલકાતા (Kolkata)એ આજે રાત્રે દિલ્હીને મોટા માર્જિનથી હરાવવું જ પડશે. કોલકતા જો પ્રથમ બૅટિંગમાં 200 રન બનાવશે તો એણે દિલ્હીને ઓછામાં ઓછા 77 રનથી હરાવવું પડશે. જો દિલ્હીએ પ્રથમ બૅટિંગમાં 180 રન કર્યા હશે તો કોલકાતાએ 181 રનનો લક્ષ્યાંક 12થી 12.4 ઓવરમાં મેળવવો પડશે. દરેક ટીમે 14 લીગ મૅચ રમવાની હોય છે.

 

પ્રભસિમરન અને શ્રેયસની 140 રનની ભાગીદારી

પંજાબ વતી શ્રેયસ ઉપરાંત ઓપનર પ્રભસિમરન સિંહ (69 રન, 39 બૉલ, બે સિક્સર, સાત ફોર)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 140 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી.

અર્જુને પહેલી જ મૅચમાં યૉર્કરથી લીધી વિકેટ

પ્રભસિમરનની મહત્ત્વની વિકેટ લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન તેન્ડુલકરે (4-0-36-1) લીધી હતી. તે અર્જુનના યૉર્કરમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. અર્જુનને આ સીઝનમાં લખનઊ વતી શનિવારે ડેબ્યૂ કરવા મળ્યું અને એમાં તેણે પોતાની ત્રીજી ઓવરમાં પ્રભસિમરનની વિકેટ લીધી હતી. ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને આ વખતની આઇપીએલમાં પહેલી જ વખત રમવા મળ્યું અને એમાં તેની પહેલી જ ઓવરમાં કૅચ છૂટ્યો હતો. લખનઊ વતી અર્જુનને ડેબ્યૂ કરવા તો મળ્યું, પણ તેની પ્રથમ ઓવરના ચોથા બૉલમાં રિષભ પંતે પંજાબના ઓપનર પ્રભસિમરનનો કૅચ છોડ્યો હતો. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુનની એ ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા. જોકે તેની બીજી ઓવરમાં શ્રેયસ-પ્રભસિમરને ફટકાબાજી કરી હતી અને એ ઓવરમાં 15 રન બન્યા હતા. પંજાબની ત્રણમાંથી બે વિકેટ મોહમ્મદ શમીએ અને એક વિકેટ અર્જુને લીધી હતી.

લખનઊના 196 રનમાં જૉશ ઇંગ્લિસના 72

એ પહેલાં, લખનઊએ 20 ઓવરમાં છ વિકેટે 196 રન બનાવ્યા અને પંજાબને જીતવા 197 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. 196 રનમાં ઓપનર જૉશ ઇંગ્લિસના 72 રન અને આયુષ બદોનીના 43 રન હતા.

સમદે બે વખત અર્જુનને પાછો મોકલ્યો

અબ્દુલ સમદ ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 20 બૉલમાં બનાવેલા 37 રને અણનમ રહ્યો હતો. લખનઊ વતી ડેબ્યૂ કરી રહેલો અર્જુન તેન્ડુલકર પાંચ બૉલમાં પાંચ રન બનાવીને અણનમ હતો. અર્શદીપની 20મી ઓવરમાં શરૂઆતમાં સમદે સ્ટ્રાઇક પોતાની પાસે રાખી મૂકવા બે બૉલમાં રન દોડવાને બદલે અર્જુનને પાછો મોકલી દીધો હતો. પછીથી સમદે અર્શદીપના ચોથા બૉલમાં સિક્સર, પાંચમા બૉલમાં ફોર અને બે વાઇડ બૉલના વિઘ્ન બાદ અંતિમ બૉલમાં ફોર ફટકારી હતી. અર્શદીપની એ ઓવરમાં કુલ 17 રન બન્યા હતા.

આજે કઈ બે છેલ્લી મૅચ?

મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન
વાનખેડેમાં, બપોરે 3.30

કોલકાતા વિરુદ્ધ દિલ્હી
ઈડનમાં, સાંજે 7.30