Tue Oct 06 2026

Logo

પાકિસ્તાનના કેપ્ટને કોની પર ફોડ્યું હારનું ઠીકરું? ઈશાને બનાવ્યો આ મોટો રેકોર્ડ

2026-02-16 09:00:00
Author: Mayur Patel
પાકિસ્તાનના કેપ્ટને કોની પર ફોડ્યું હારનું ઠીકરું? ઈશાને બનાવ્યો આ મોટો રેકોર્ડ

કોલંબોઃ ગત રાત્રે ભારતે ટી20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાનને 61 રનથી કારમી હાર આપી હતી. જીત સાથે ભારતીય ટીમ સુપર-8માં પહોંચી ગઈ હતી. ભારતે આપેલા 176 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં 114 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત સામે ભૂંડી હાર બાદ પાકિસ્તાનનો કેપ્ટન સલમાન આગા નિરાશ જોવા મળ્યો હતો. તેણે હારનું ઠીકરું સ્પિનર્સ અને ટોચના બેટ્સમેન પર ઢોળ્યું હતું.

સલમાને કહ્યું, અમારા સ્પિનર્સ માટે આજનો દિવસ સારો નહોતો. છેલ્લા છ મહિનામાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેથી અમને તેમના પર ભરોસો હતો. પરંતુ અમે અમારી યોજનાને સારી રીતે લાગુ ન કરી શક્યા. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણયનો પણ તેમણે બચાવ કર્યો હતો. 

તેણે કહ્યું, પ્રથમ ઈનિંગમાં વિકેટ થોડી મુશ્કેલ લાગતી હતી. બોલ અટકીને આવતો હતો અને ગ્રિપ પણ ઓછી થતી હતી. અમને લાગ્યું કે, બીજી ઈનિંગમાં બેટિંગ સરળ બનશે પરંતુ આવું થયું નહીં. અમે પરિસ્થિતિ પ્રમાણે બોલિંગ ન કરી, જેની કિંમત અમારે હાર રૂપે ચૂકવવી પડી. ટી20 ક્રિકેટમાં જો તમે પાવરપ્લેમાં ત્રણ-ચાર વિકેટ ગુમાવી દો તો મેચમાં પરત ફરી શકતા નથી. 

ભારત-પાકિસ્તાન મેચના પ્રેશરને લઈ તેણે કહ્યું ,આવી મેચમાં દરેક પર દબાણ હોય છે પરંતુ અમે તેને સારી રીતે હેન્ડલ કર શકીએ છીએ. બે દિવસ પછી અમારે બીજી મેચ રમાવી છે. પાકિસ્તાનની સ્થિતિ કરો યા મરો જેવી થઈ ગઈ છે. સુપર-8માં સ્થાન બનાવવા તેણે નામિબિયા સામે કોઈપણ સંજોગોમાં જીત હાંસલ કરવી પડશે. 

ભારતીય કેપ્ટન સૂર્યકુમારે શું કહ્યું

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામે જીત બાદ ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તેણે ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશનની બેટિંગને ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો. સૂર્યકુમારે કહ્યું, આ જીત ભારત માટે ખાસ છે. આ વિકેટ પર પ્રથમ બેટિંગ સારો વિકલ્પ હતી. ઈશાને જે રીતે બેટિંગ કરી તે પ્રશંસાપાત્ર છે. અમને લાગ્યું કે સ્કોરથી 15 રન વધારે છે. જો 155 રન બનાવ્યા હોત તો કાંટાની ટક્કર થઈ શકી હોત પરંતુ 175 રન આ રપિચ પર સારો સ્કોર હતો. 

T20 વર્લ્ડ કપમાં ઈશાન કિશનના નામે નોંધાઈ મોટી સિદ્ધિ

ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યા પછી ઈશાન કિશન શાનદાર ફોર્મમાં  છે. પાકિસ્તાન સામેની મેચમાં જ્યારે ભારતીય ટીમે માત્ર 1 રનના સ્કોર પર અભિષેક શર્માના રૂપમાં તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ઈશાન કિશને પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી અને પાકિસ્તાની બોલરોને દબાણ બનાવવાની કોઈ તક આપી નહીં. ઈશાને 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ મળ્યો.

આ સાથે જ ઈશાન કિશન T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. બીજી તરફ, ICC ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ઈશાન કિશન ચોથો ભારતીય વિકેટકીપર બન્યો છે. તેના પહેલા ફારુખ એન્જિનિયર, એમએસ ધોની અને કેએલ રાહુલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે, પરંતુ તે તમામને વનડે વર્લ્ડ કપમાં આ એવોર્ડ મળ્યો હતો.
 

ઈશાન કિશને આ રેકોર્ડ કર્યો પોતાના નામે

પાકિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ વ્યક્તિગત રન બનાવવાનો રેકોર્ડ હવે ઈશાન કિશનના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરના નામે હતો, જેમણે વર્ષ 2007ના T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે 75 રનની ઈનિંગ રમી હતી. હવે ઈશાન કિશને તેની 77 રનની ઈનિંગથી ગંભીરના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી તમામ T20 ઈન્ટરનેશનલ મેચોમાં આ અત્યાર સુધીનો ચોથો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ છે.