Mon Jun 08 2026

Logo

મહારાષ્ટ્રમાં LPG પર નિર્ભરતા ઘટાડવા પાઇપ ગેસ નેટવર્ક મેગા પ્રોજેક્ટ, NOCમાંથી આપી સરકારે મુક્તિ

2026-03-28 17:10:25
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ઈરાન-ઈઝારયલ અને અમેરિકાની લડાઈને કારણ સમગ્ર દુનિયાના દેશ પર ઊર્જા કટોકટી ઊભી થઈ છે. ભારતમાં પણ આની આંશિક અસર જોવા મળી રહી છે. ભારત સરકાર તરફથી સ્પષ્ટતાકરવામાં આવી છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસનો પૂરતો સ્ટોક છે, કટોકટીભરી કોઈ સ્થિતિ નથી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે એક વિડિયો કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં જરૂરી મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ માહોલ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે.

પાઈપ ગેસ ઈન્ફ્રા.ને લઈ શું કહ્યું સરકારે?
મહાનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક શહેર-નગરમાં પંપ અને LPG એજન્સીઓ પર લાંબી લાઈન જોવા મળી હતી. આવા માહોલ વચ્ચે રાજ્ય સરકારે સ્થિતિને કંટ્રોલમાં કરવા માટે ગેસ ઈન્ફ્ર. તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. LPG ગેસ પરની નિર્ભરતા ઘટે અને ઘર-ઘર સુધી ગેસ મળી રહે એ માટે પાઈપલાઈન બેઝ ગેસ વિતરણ પ્રણાલીને લાગુ કરી દેવાની વાત રાજ્ય સરકારે કરી હતી. આ સાથે સરકારે નાગરિકોને એવી અપીલ કરી હતી કે, લોકો ઊતાવળે કોઈ પેટ્રોલ-ડીઝલની ખરીદી ન કરે, ગેસ માટે બુકિંગ ન કરાવે. રાજ્ય સરકાર પાસે આ ઊર્જાનો પૂરતો સ્ટોક છે. 

ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક શરૂ થશે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સુધી આવતા ક્રૂડ અને ગેસની સપ્લાયને માઠી અસર પહોંચી છે. સપ્લાય સંપૂર્ણ રીતે ખોરવાઈ નથી પણ વિક્ષેપ પડતા ચિંતા કરવી પડે એવી સ્થિતિ છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે એવા આદેશ કર્યા છે કે, જ્યાં શક્ય હોય ત્યાં પાઈપિંગ આધારિત ગેસ સપ્લાયને તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવે. આ પ્રોજેક્ટમાં પ્રાથમિક ધોરણે મુંબઈ સહિતના શહેરને આવરી લેવામાં આવશે. સિટી બેઝ ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક શરૂ થતા લોકોને મોટી રાહત થશે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલય તરફથી જરૂરી એવી મંજૂરીઓની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. 

ગેસ સંબંધિત પ્રોજેક્ટને પ્રાધાન્ય
મંત્રાલયના મુખ્ય સચીવે યુદ્ધના ધોરણે કેટલાક પ્રોજેક્ટ માટે લીલીઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટથી સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આ વિષય સંબંધિત મહારાષ્ટ્ર રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ગેસ પાઈપલાઈન સંબંધી કેટલીક બાકી અરજીનો નિકાલ પહેલા કરવામાં આવે.શક્ય હોય ત્યાં સુધી 24 કલાકમાં આ પ્રકારની કે વિષય સંબંધીત અરજીઓ પર પહેલા કામ કરી એને મંજૂર કરી દેવામાં આવે.સ્થાનિક તંત્ર, વહીવટી તંત્ર અને રોડ સંબંધિત વિભાગોને સંલગ્ન જરૂરી એવી વિગત તથા સૂચનાઓ આપી દેવામાં આવે, જેથી આ ગેસ પાઈપલાઈનનું ડૉક્યુમેન્ટ વર્ક ઝડપથી થઈ શકે અને સાઈટ પર પ્રોજેક્ટ શરૂ થઈ શકે. 

કોઈ પ્રકારની NOCની જરૂર નથી
સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને પણ એવી સૂચના આપવામાં આવી હતી કે, રાઉન્ડ ધ ક્લોક આ પ્રોજેક્ટને લઈને મોનિટરિંગ કરવામાં આવે. આ માટે કેટલાક માપદંડ અનુસરવાના રહેશે સાથોસાથ કેટલીક છૂટછાટ પણ કંપનીઓને સરકાર તરફથી આપવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટને લઈને રાજ્ય સરકાર પાસેથી પ્રક્રિયા પૂરી કર્યા બાદ ફાયર વિભાગ કે ટ્રાફિક ઓથોરિટી પાસેથી કોઈ પ્રકારના NOCની જરૂર નથી. પાઈપિંગ વર્ક માટે આવી કોઈ મંજૂરીની કે NOCની જરૂર નથી. કંપની જરૂરી સર્વે કરીને કામ ચાલું કરી શકે છે, જોકે આ પ્રોજેક્ટ સંબંધિત કંપની કે એજન્સીએ દૈનિક ધોરણે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપવાનો રહેશે. પ્રોજેક્ટની પ્રગતિને લઈને વિસ્તારથી રિપોર્ટ સોંપવાનો રહેશે. 

શું કહ્યું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ?
30 જૂન સુધી રાજ્ય સરકાર તરફ આપવામાં આવેલા આદેશ યથાવત રહેશે. આ સમયગાળામાં સારૂ એવું ગેસ નેટવર્ક અને પાઈપિંગ પ્રોજેક્ટ પર કામ ચાલું કરી શકાશે અને લોકોને પણ રાહત થશે. વૈશ્વિક ધોરણે ખોરવાઈ રહેલી સપ્લાય ચેઈન સામે આ પ્રકારે વ્યવસ્થિત આયોજન કરીને રાહત આપી શકાય છે. મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલકરી હતી કે, વિકટ પરિસ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી, લોકો શાંતિ રાખે. પેટ્રોલ-ડીઝલને લઈ કેટલીક અફવાઓથી દૂર રહે. રાજ્ય પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક છે. આ માટે જરૂરી એવી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે કે કટોકટીના કારણે કોઈ એવું લોકડાઉન લાગુ કરાશે નહીં. યોગ્ય આયોજન અને વ્યવસ્થાના કારણે ગેસ કે ફ્યુલની કોઈ અછત ઊભી નહીં થાય. ઉતાવશે ગેસ બુકિંગ કે પેટ્રોલ ડીઝલ ભરવાની જરૂર નથી. પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશમાં ફ્યુલ સપ્લાય ખોરવાઈ રહી છે એવામાં ભારત સ્થિર છે અને એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને મોટા નિર્ણય લઈ રહ્યું છે.