નવી દિલ્હી: ભારતમાં વર્ષ 2027ની વસ્તી ગણતરીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. દેશમાં વસ્તી ગણતરી લઈ ઘરે ઘરે લગભગ 33 જેટલા પ્રશ્નો પુછવામાં આવશે. સ્વાભાવિક છે કે ડિજિટલ યુગમાં સામાન્ય નાગરિકના મનમાં પોતાની અંગત માહિતીની સુરક્ષાને લઈને અનેક સવાલો થતા હોય છે. આ ચિંતાઓ પર પૂર્ણવિરામ મુકતા ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણને સ્પષ્ટ કર્યું છે કે વસ્તી ગણતરીનો ડેટા સંપૂર્ણપણે ખાનગી અને સુરક્ષિત રાખવા માટે સરકાર કટિબદ્ધ છે.
વસ્તી ગણતરી દરમિયાન એકત્ર કરવામાં આવેલી દરેક માહિતી 'સેન્સસ એક્ટ'ની કલમ 15 હેઠળ સુરક્ષિત છે. આ કાયદો નાગરિકના ડેટાને એક અભેદ સુરક્ષા પ્રદાન કરે છે, જે મુજબ વ્યક્તિગત માહિતી ક્યારેય જાહેર કરી શકાતી નથી. ખાસ વાત એ છે કે આ ડેટા RTI (માહિતી અધિકાર) ના દાયરામાં આવતો નથી. એટલું જ નહીં, વસ્તી ગણતરીમાં આપેલી માહિતીનો ઉપયોગ કોઈ પણ અદાલતમાં પુરાવા તરીકે પણ કરી શકાતો નથી. સરકારનો કોઈ પણ અન્ય વિભાગ કે ખાનગી સંસ્થા તમારા વ્યક્તિગત ડેટા સુધી પહોંચી શકશે નહીં.
ડિજિટલ સુરક્ષા અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
2027ની વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થવા જઈ રહી છે. ડેટા કલેક્શન માટે ખાસ મોબાઈલ એપ અને વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી માનવીય ભૂલોની શક્યતા નહિવત રહે. ડેટાની ગંભીરતાને જોતા સરકારે 'ડેટા સેન્ટર્સ'ને 'ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર' જાહેર કર્યા છે. આનો અર્થ એ થાય કે આ કેન્દ્રોની સુરક્ષા દેશની વ્યૂહાત્મક મિલકતો જેવી અત્યંત કડક રાખવામાં આવશે, જેથી સાયબર હુમલા કે ડેટા લીક થવાનો કોઈ ભય રહેશે નહીં.
માહિતીનો હેતુ માત્ર આંકડાકીય વિશ્લેષણ
જનતાએ એ સમજવું જરૂરી છે કે વસ્તી ગણતરીનો હેતુ કોઈ વ્યક્તિની જાસૂસી કરવાનો નથી, પરંતુ દેશના વિકાસ માટે આંકડાકીય ડેટા તૈયાર કરવાનો છે. આ માહિતી દ્વારા દેશની કુલ વસ્તી, સાક્ષરતા દર અને પાયાની સુવિધાઓની સ્થિતિ જાણી શકાય છે. આ સામૂહિક ડેટાના આધારે જ સરકાર ભવિષ્યની કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ ઘડે છે. વસ્તી ગણતરીના કમિશનરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયાનો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) સાથે કોઈ સીધો સંબંધ નથી.
વસ્તી ગણતરી એ રાષ્ટ્રના નિર્માણ માટેની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. હાલમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) ને અપડેટ કરવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, તેથી નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. વસ્તી ગણતરીનો ડેટા માત્ર દેશની પ્રગતિનો રોડમેપ તૈયાર કરવા માટે વપરાશે અને તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ૨૦૨૭ની આ ગણતરી આધુનિક ભારતની જરૂરિયાતોને સમજીને વધુ સચોટ અને સુરક્ષિત બનાવવામાં આવી છે.