Wed Jun 17 2026

Logo

ઇન્ડિયા-એ ત્રણમાંથી બે લીગ મૅચ હારવા છતાં ફાઇનલમાં!

Dambulla   2026-06-17 20:11:09
Author: Ajay Motiwala
Article Image

તિલકની કૅપ્ટન્સીમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સઃ નિશાંત સિંધુની ચાર વિકેટ

દમ્બુલા (શ્રીલંકા)ઃ તિલક વર્માના સુકાનમાં ઇન્ડિયા-એ અહીં બુધવારે અફઘાનિસ્તાન-એ સામેના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીતીને ફાઇનલમાં પહોંચ્યું એ વિશે નવાઈની વાત એ છે કે પહેલી ત્રણમાંથી બે લીગ મૅચ હારી જવા છતાં આ ભારતીય ટીમને નિર્ણાયક મૅચમાં પ્રવેશ કરવા મળ્યો છે. નવમી જૂને શરૂ થયેલી આ વન-ડે ટ્રાયેન્ગ્યૂલરમાં ભારતે રસાકસીભરી પ્રથમ લીગ મૅચમાં શ્રીલંકા-એને આઠ રનથી હરાવ્યું હતું, ત્યાર બાદ અફઘાનિસ્તાન-એ સામે ભારતનો ચાર રનથી પરાજય થયો હતો અને એ પછી શ્રીલંકા-એ ટીમે ઇન્ડિયા-એને સુપર ઓવરમાં હરાવી દીધું હતું.

જોકે બુધવારે અફઘાનિસ્તાન-એ સામેના વળતા મુકાબલામાં ઇન્ડિયા-એ (India-A) ટીમે 101 રનથી જીતીને સીધી ફાઇનલમાં જ એન્ટ્રી કરી લીધી. ફાઇનલ (Final) માટે ભારતીય ટીમને માત્ર એક વિજયની જરૂર હતી. હવે શુક્રવારે યજમાન શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ વચ્ચે મુકાબલો થશે અને એમાં જીતનારી ટીમ રવિવારે (સવારે 10.00 વાગ્યાથી) ઇન્ડિયા-એ વિરુદ્ધ ફાઇનલમાં રમશે.

તમામ છ ભારતીય બોલરને મળી વિકેટ

320 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યા પછી અફઘાનિસ્તાન-એ ટીમ 218 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. લેફ્ટ-આર્મ સ્પિનર નિશાંત સિંધુએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. એક તબકકે અફઘાની ટીમ ભારત સામે ખતરો બની હતી, પરંતુ ભારતના સહિયારા બોલિંગ આક્રમણ સામે તેમણે છેવટે ઝૂકવું પડ્યું હતું. તમામ છ ભારતીય બોલરે વિકેટ લીધી હતી. યશ ઠાકુરે બે તેમ જ વિપ્રજ નિગમ, અનુકૂલ રૉય, અંશુલ કંબોજ અને સૂર્યાંશ શેડગેએ એક-એક વિકેટ મેળવી હતી. અફઘાની ટીમના ટૉપ-સ્કોરર બાહિર શાહ (57 રન)ની વિકેટ વિપ્રજ નિગમે મેળવી હતી.

વૈભવના બે છગ્ગા, 38 રન બનાવીને આઉટ

એ પહેલાં, ઇન્ડિયા-એ ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 319 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશી 38 રન કરીને આઉટ થઈ ગયો હતો, જે તેણે 28 બૉલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. વૈભવ આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં આઈપીએલ જેવું ફોર્મ નથી બતાવી શક્યો.

ઇન્ડિયા-એના 319 રનમાં કેપ્ટન તિલક વર્મા (59 રન), પ્રિયાંશ આર્ય (58) અને કુમાર કુશાગ્ર (58 રન)ના સૌથી મોટા યોગદાન હતા.

વિપ્રજ નિગમ તથા ઋતુરાજ ગાયકવાડનો કુલ સ્કોરમાં 30-30 રનનો ફાળો હતો.