Thu May 07 2026

Logo

ઈરાન-અમેરિકા યુદ્ધ 2027 સુધી ખેંચાશે તો આવશે મોટી આર્થિક મંદીઃ આઈએમએફની ચેતવણી

WASINTON DC   2026-05-05 18:04:00
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણથી સમગ્ર દુનિયાના દેશને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માઠી અસર પહોંચી છે. ગ્લોબલ લેવલ પર ચિંતાનો માહોલ છે. ક્રૂડની કિંમતમાં ભડકો થયો છે. શાંતિવાર્તાના તમામ પ્રયાસ હોર્મુઝ સ્ટ્રેટ પર આવીને નિષ્ફળ નીવડ્યા હતા. હોર્મુઝને લઈને ન તો ડૉનાલ્ડ ટ્રમ્પ નમતું જોખવા તૈયાર છે, ન તો ઈરાન હથિયાર હેઠા મૂકવાના મૂડમાં છે.આવામાં બન્ને દેશના આર્થિક ફંડનો ખો નીકળી રહ્યો છે. 

ચિંતાજનક સમાચાર

સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને લઈને ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે એક મોટી અને ચિંતાજનક ચેતવણી આપી દીધી છે. ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના ચીફ ક્રિસ્ટાલિના જોર્જિવાએ જણાવ્યું હતું કે, જો યુદ્ધ 2027 સુધી ચાલું રહ્યું તો આના સૌથી ખરાબ પરિણામ જોવા મળી શકે છે. દુનિયામાં મોંઘવારી પહેલાથી જ વધી રહી છે.

આ માહોલ વચ્ચે મિડલ ઈસ્ટનું યુદ્ધ મોટું સંકટ બની રહ્યું છે. હવે ઈરાન અને અમેરિકા વચ્ચે આ યુદ્ધ 2027ના વર્ષ સુધી ચાલું રહ્યું કે ખેંચાયું તો ક્રૂડ ઓઈલની કિંમત આશરે 125 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું અનુમાન ન કરી શકાય એવા માઠા તેમજ ખરાબ પરિણામ ભોગવવા પડશે. આ શક્યતાઓ વચ્ચે માત્ર આ બે દેશ જ નહીં અન્ય નાના દેશની આર્થિક સ્થિતિના પાયા પણ હચમચી ચૂક્યા છે. 

અનુમાન કરતા હકીકત જુદી

અમેરિકા-ઈરાનને લઈ અત્યાર સુધી જે પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા એ ક્યાસ કરતા ગ્રાઉન્ડ રીયાલિટી જુદી જ બની રહી છે. આ સાથે ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથમાં પણ ઘટાડો થયા બાદ આ રેટ 3.1 ટકા સુધી પહોંચ્યો છે. મોંઘવારી 4.4 ટકા રહેવાનું જે અનુમાન હતું એ હવે ધીમે ધીમે પાછળ જતું હોય અને નવી ઊંચાઈ મોંઘવારીની બનતી હોય એવું લાગે છે. 

યુદ્ધમાં હુમલાઓ ચાલું રહેવા, ક્રૂડની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ અથવા એથી વધારે. આ બન્ને મુદ્દા પરથી મોંઘવારી પર વધી રહેલા દબાણ પરથી એક ચિત્ર સ્પષ્ટ છે કે, હાલાત આનાથી પણ ખરાબ થવાના છે. આ વર્ષે 2.5 ટકા સુધી વૈશ્વિક ગ્રોથ ઘટી શકે છે, મોંઘવારીનો બોંબ ફૂટી શકે છે.અમેરિકાની ઓઈલ અને ગેસ ઉત્પાદન કરતી કંપની શેવ્રોનના ચેરમેન માઈક વિર્થે કહ્યું હતું કે, હોર્મુઝ બંધ થવાના કારણે દુનિયાભરમાં ક્રૂડ સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે. 

અર્થ વ્યવસ્થાને માઠી અસર

હોર્મુઝમાંથી દેશ અને દુનિયા સુધી પહોંચતા ક્રૂડ ઓઈલના 20 ટકા જહાજ હોર્મુઝમાંથી પસાર થાય છે. હવે લાંબા સમય સુધી યુદ્ધ યથાવત રહ્યું તો દુનિયાભરના દેશની અર્થવ્યવસ્થ ધીમે-ધીમે ખોરવાશે, જેની સીધી અસર પહેલા એશિયાના દેશમાં જોવા મળશે. મોનિટરિંગ ફંડના ચીફે ત્યાં સુધી ઉમેર્યું કે, સપ્લાય ચેઈન પર જે અસર પડી રહી છે એના પર બારીકીથી નજર રાખવામાં આવી રહી છે. 

અમેરિકામાં પણ ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે.હવે આનાથી બીજા કોઈ બિઝનેસ પ્રભાવિત થયા તો મુશ્કેલી ઊભી થશે એ નક્કી છે. કેટલાક પોલિસી મેકર્સનું એવું કહેવું છે કે, આવનારા દિવસોમાં આ યુદ્ધ ખતમ થઈ જશે. પણ હકીકત એવી છે જે દરેક દેશ જાણે છે કે, સ્થિતિ અંગે દાવા કરવા હાલ ખોટા સાબિત થશે.