મુંબઈઃ ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં નવા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની અંતિમ તારીખ 16 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પોતાની પસંદગી અનુસાર ડિગ્રી લઈ શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નિયમિત શૈક્ષિણિક પદ્ધતિમાં કોઈ પણ કારણસર જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પ્રવેશ લઈ શકતા નથી, તેઓ ઇગ્નો મારફત એમએ, બીએ, એમબીએ, એમકોમ, એમસીએ, બીસીએ વગેરે અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી શકે છે. ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ અને ઓનલાઈન મારફત લોકો વિવિધ પ્રકારની ડિગ્રી લઈ શકે છે. જોકે, ઇગ્નોની શિક્ષણ પદ્ધતિ સુવિધાજનક હોવાથી વિદ્યાર્થીઓને પોતાની અનુકૂળતા અને સમય અનુસાર અભ્યાસ કરવાની તક મળે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ પોતાની લાયકાત અનુસાર પ્રવેશ મેળવી શકે છે, એમ પ્રાદેશિક નિયામક ડૉ. રાહુલ મિશ્રાએ જણાવ્યું હતું.
મુંબઈ રિજનલ કેન્દ્ર હેઠળ તાજેતરમાં બીએસસી જનરલ, એમએસસી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ તેમ જ એમએસસી ડેટા સાયન્સ જેવા નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એમએ હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, વાસ્તુશાસ્ત્ર, સમાજશાસ્ત્ર સહિત વિવિધ વિષયોના અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. ઇગ્નોમાં વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત, કૌશલ્ય આધારિત અને રોજગારલક્ષી અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ઇગ્નોની ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓ સરળતાથી પોતાનું અભ્યાસ કેન્દ્ર અથવા પ્રાદેશિક કેન્દ્ર બદલી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
ઇગ્નોના સમગ્ર દેશમાં પ્રાદેશિક કેન્દ્રો કાર્યરત છે, જેથી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રાદેશિક કેન્દ્ર હેઠળ સ્થાનાંતરણ કરાવી અભ્યાસ ચાલુ રાખી શકે છે અને ત્યાંથી પરીક્ષા પણ આપી શકે છે. આ નિર્ણયથી અનેક પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓને લાભ મળશે. તેમણે વિદ્યાર્થીઓને આ તકનો લાભ લઈ સમયસર પ્રવેશ લેવા અપીલ કરી હતી. પ્રવેશ સંબંધિત વધુ માહિતી ઇગ્નૂની વેબસાઇટ તથા મુંબઈ પ્રાદેશિક કેન્દ્રની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મુંબઈ પ્રાદેશિક કેન્દ્રનો પણ સીધો સંપર્ક કરી શકે છે.