Sat May 02 2026

Logo

ઈક્રાએ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રનું રેટિંગ ઘટાડીને નકારાત્મક કર્યું

2026-03-27 19:45:50
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા ભૂરાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એરસ્પેસ વિક્ષેપિત થવાને કારણે અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ ભારતીય હવાઈ ઉડ્ડયન ઉદ્યોગનડ્ઢુ રેટિંગ જે સ્થિર હતુ તે ઘટાડીને નકારાત્મક કર્યું છે. 

ઉડ્ડયન ક્ષેત્રના આઉટલૂકમાં ફેરફાર કરવાના અન્ય કારણોમાં મુખ્યત્વે ડૉલર સામે રૂપિયામાં તીવ્ર ધોવાણ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ અથવા તો જેટ ફ્યુઅલના ભાવમાં વધારો હોવાનું ઈક્રાએ યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિકમાં વૃદ્ધિદર 0-3 ટકા અને ભારતીય કેરિયર માટે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાફિક વૃદ્ધિ સાતથી નવ ટકા જેટલી રહેશે, જે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન નબળી માગનો સંકેત આપે છે. 

નોંધનીય બાબત એ છે કે પશ્ચિમ એશિયાની કટોકટી પૂર્વે ઈક્રાએ સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક વૃદ્ધિદર 6થી 8 ટકા આસપાસ રહેવાનો અને ભારતીય કેરિયર માટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક વૃદ્ધિદર 8થી 10 ટકા આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો હતો. જોકે, હવે આ અંદાજ ઘટાડવામાં આવ્યો છે. એરસ્પેસ બંધ હોવાને કારણે ફ્લાઈટ રદ થવી તેમ જ ઈંધણના ભાવમાં વધારો થવાને કારણે ભાડામાં વધારા સાથે લેવીમાં વધારો (ટિકિટ ભાવના સરેરાશ પાંચથી છ ટકા) વગેરેની પણ પેસેન્જર ટ્રાફિક પર અસર થવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. 

વધુમાં ફ્લાઈટનો માર્ગ બદલવાને કારણે ઈંધણ ખર્ચમાં વધારો થવાથી એરલાઈન્સનાં ઓપરેટિંગ ખર્ચમાં પણ વધારો થાય છે. તેમ જ ડીજીસીએએ ગત ડિસેમ્બર મહિનામાં ખાસ કરીને ઈન્ડિગોમાં કાર્યકારી વિક્ષેપો થવાથી સર્જાયેલા જોખમોને ધ્યાનમાં લેતા હવાઈ ભાડાની મર્યાદા નિર્ધારિત કરી હતી તે હવે દૂર કરવામાં આવતા ટિકિટ ભાડામાં તીવ્ર વધારો થવાથી પ્રવાસન ઉદ્યોગની માગમાં પણ ઘટાડો થયો છે. 

અગાઉ ઈક્રાએ ટ્રાફિક વૃદ્ધિને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ 2027માં એવિયેશન ઉદ્યોગની ચોખ્ખી નુકસાની ઘટીને 11,000થી 12,000 કરોડ રહેવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ તાજેતરની ભૂરાજકીય સ્થિતિ, સ્થાનિક ચલણમાં ધોવાણ, ઈંધણના ભાવમાં વધારો જેવા પરિબળોને ધ્યાનમાં લેતા ઈક્રાએ વર્તમાન નાણાકીય વર્ષ 2026માં ઉદ્યોગની ચોખ્ખી નુકસાની રૂ. 17,000થી 18,000 કરોડ આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો છે.