Mon Sep 07 2026

Logo

ગુજરાતમાં ક્રાંતિકારી 'યુનિવર્સલ એફિડેવિટ'થી સામાન્ય લોકોને શું મોટો ફાયદો ?

2026-06-02 11:23:00
Author: Mayur Patel
ગુજરાતમાં ક્રાંતિકારી 'યુનિવર્સલ એફિડેવિટ'થી સામાન્ય લોકોને શું મોટો ફાયદો ?

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય માટે એક સમાન ‘યુનિવર્સલ એફિડેવિટ’નું નવું ફોર્મેટ જાહેર કરાયું હતું. તેનાથી સામાન્ય લોકોને મોટો ફાયદો થશે.  જ્યાં કોઈ વિશિષ્ટ ફોર્મેટ નક્કી નથી, ત્યાં હવે આ સમાન ફોર્મેટ ઓનલાઇન અને ઓફલાઇન તમામ સરકારી કચેરીઓમાં માન્ય રહેશે, જેનાથી નાગરિકોની હાલાકી અને વહીવટી જટિલતાનો અંત આવશે. 

'યુનિવર્સલ એફિડેવિટ' શું છે

રાજ્યના કાયદા વિભાગ દ્વારા 'યુનિવર્સલ એફિડેવિટ'નું નવું ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું હતું. હવેથી આખા ગુજરાતમાં તમામ સરકારી કચેરીઓ અને ઓનલાઇન ફોર્મ માટે એક જ સરખું (કોમન) સોગંદનામું વાપરવાનું રહેશે. આ પહેલા રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો દ્વારા  અપાતી વિવિધ સેવાઓનો લાભ લેવા અરજદારોએ અનેક પ્રકારના એફિડેવિટ રજૂ કરવા પડતા હતા. દસ્તાવેજોમાં આ પ્રકારની વિવિધતાના કારણે બિનજરૂરી સમયનો વ્યય થતો હતો તેમજ જટિલતા પણ ઉભી થતી હતી. 

ક્યાં લાગુ પડશે? જે સરકારી કામોમાં સોગંદનામું જરૂરી હોય, પણ તેનું કોઈ ખાસ ફોર્મ નક્કી ન હોય ત્યાં આ નવું ફોર્મેટ વાપરવાનું રહેશે.

ક્યાં-ક્યાં ચાલશે? ગામડાથી લઈને શહેર સુધીની તમામ સરકારી ઓફિસો, જન સેવા કેન્દ્રો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ એક જ ફોર્મેટ ફરજિયાત માન્ય રહેશે.

કઈ કઈ ભાષમાં કરાયું તૈયારઃ રાજ્યના કાયદા વિભાગ દ્વારા 'યુનિવર્સલ એફિડેવિટ'ને નાગરિકોની સરળતા માટે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે.