Wed Jun 17 2026

Logo

ગુજરાત બજેટમાં VB-G RAM G યોજનામાં દિવસોની સંખ્યા વધારીને કેટલી કરવામાં આવી?

2026-02-18 13:44:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં જાહેરાત કરતાં તેમણે કહ્યું, ગુજરાત બજેટમાં VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું હતું. જેમાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન કર્યું છે.

નવા ૫૦ આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે.

બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં કુલ ૧૫૪ ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા ૫૦ આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹૨૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

યુવાનો માટે શું થઈ જાહેરાત

ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓને ₹૫૯૬૭ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.

ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹૨ લાખ ૫૦ હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવાની કરવામાં આવી છે.

આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્‍ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹૨૧૬૦માં ₹૩૪૦નો વધારો કરી ₹૨૫૦૦ કરવાની જાહેરાકરી હતી.