Sun Jun 21 2026

Logo

હોર્મુઝના અશાંત જળ ફરી તોફાની અફડાતફડી નોતરે એવો ભય, શેરબજાર માટે શાંતિ કરાર સૌથી મહત્ત્વનું પરિબળ

2026-06-21 19:50:40
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા

મુંબઇ: અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ કરારને લગભગ અંતિમ સ્વરૂપ મળી ગયું હોવાના અહેવાલો અને આશા વચ્ચે પાછલા સપ્તાહે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં રાહત અને તેજીનો પવન ફૂંકાયો હતો. જોકે, ઇઝરાયલે લેબનોન પર આક્રમણ ચાલું રાખ્યા બાદ હોર્મુઝ સ્ટ્રેઇટની ફાટક ફરી બંધ કરી દેવાઇ હોવાના અહેવાલોએ શેરબજારને ફરી વમળમાં ધકેલી દીધું છે. આ તરફ ચોમાસાનો વિલંબ પણ ભારત માટે મોટી સમસ્યા અને ચિંતાનો વિષય છે. શેરબજાર અને અર્થતંત્ર બંને માટે આ બે મુખ્ય પરિબળ છે. આ ઉપરાંત તેની સાથે ક્રૂડ ઓઇલના ભાવ, એફઆઇઆઇ પ્રવૃત્તિ, અમેરિકાના પીસીઈ ડેટા સહિતના પરિબળો બજારને આગામી ચાલ માટે દિશા આપશે.

પાંચ દિવસની તેજી પછી અંતિમ સત્રમાં પ્રોફિટ બુકિંગ છતાં, ૧૯ જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય બજારો ઊંચા સ્તરે બંધ થયા. શુક્રવારે નિફ્ટી ૦.૬ ટકા ઘટીને ૨૪,૦૧૩ પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ ૦.૭ ટકા ઘટીને ૭૬,૮૦૨ પર બંધ થયો. જોકે, અઠવાડિયાની શરૂઆતમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે બંને બેન્ચમાર્ક અઠવાડિયામાં લગભગ ૧.૭ ટકા વધ્યા છે.

વ્યાપક બજારે બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. મિડકેપ અને સ્મોલકેપ શેરોએ સપ્તાહ દરમિયાન પ્રવાહ આકર્ષવાનું ચાલુ રાખ્યું, જેમાં મિડકેપ ૧૫૦ અને સ્મોલ કેપ ૨૫૦ ઇન્ડેક્સ અનુક્રમે ત્રણ ટકાથી વધુ વધ્યા હતા. ક્ષેત્રીય રીતે, ડીફેન્સ ૬.૬ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૬.૪ ટકા, પ્રવાસન ૬.૦ ટકા અને રિયલ એસ્ટેટ ૫.૫ ટકાના વધારા સાથે રેલીનું નેતૃત્વ કર્યું, એકમાત્ર આઇટી ઇન્ડેક્સમાં ૧.૩ ટકાની પીછેહઠ જોવા મળી હતી.

નવા સપ્તાહમાં વોલ સ્ટ્રીટ સોમવારે કમાણી અને મેક્રો ડેટાના વ્યસ્ત શેડ્યૂલ સાથે પરત ફરશે. મુખ્ય ઘટના ગુરુવારે મે પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર (પીસીઇ) ફુગાવાના ડેટા બનશે, જે ફેડરલ રિઝર્વનું ફુગાવાનું પસંદગીનું માપ છે. ગયા અઠવાડિયે ફેડરલ દ્વારા અપનાવવામાં આવેલા આક્રમક વલણને પગલે, ફુગાવામાં કોઈપણ વધારો યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલરમાં વધારો કરી શકે છે, જેનાથી ઉભરતા બજારના પ્રવાહ પર દબાણ આવી શકે છે. મંગળવારે ફેડેક્સ તેની કમાણીની જાણ કરશે અને ત્યારબાદ બુધવારે માઇક્રોન ટેકનોલોજી કરશે, રોકાણકારો મેમરી-ચિપ માગ અને એઆઇ-લિંક્ડ ખર્ચ પર તેના દૃષ્ટિકોણ પર નજીકથી નજર રાખશે.

યુએસ-ઈરાન શાંતિ સોદાની આશાએ હોર્મુઝ સ્ટ્રેટમાં પુરવઠામાં વિક્ષેપ અંગે ચિંતાઓ હળવી કરી હોવાથી પાછલા અઠવાડિયા દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, બ્રેન્ટ લગભગ આઠ ટકા ઘટ્યું હતું.  અઠવાડિયા દરમિયાન બ્રેન્ટ ૮૦ પ્રતિ બેરલથી નીચે ગબડી ગયું, જે સંઘર્ષ શરૂ થયા પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યું, કારણ કે જહાજ પરિવહન ફરી શરૂ કરવાની સંભાવનાએ તેલ પ્રવાહને સામાન્ય બનાવવાની અપેક્ષાઓ વધારી. જોકે, આ કરારના ટકાઉપણા અંગે શંકા ઊભી થતાં બ્રેન્ટમાં ટૂંકા ગાળાના સુધારા જોવા મળ્યા, જે દર્શાવે છે કે હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ આ અઠવાડિયે ક્રૂડ માટે મુખ્ય ટ્રિગર રહેશે. શુક્રવાર, ૨૬ જૂન, મોહરમ નિમિત્તે ભારતીય બજારો બંધ રહેશે.

સપ્તાહ દરમિયાન સૌથી વધુ ૬.૫ ટકાનો વધારો ડિફેન્સ ઇન્ડેક્સમાં નોંધાયોે હતો. આ ભારતના સંરક્ષણ ઉત્પાદન પ્રયાસોને લગતા નવા આશાવાદ દ્વારા પ્રેરિત હતું. સંરક્ષણ ક્ષેત્રનું સ્વદેશી ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૫.૬ ટકા વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૧.૭૮ લાખ કરોડની વિક્રમી સપાટી સુધી પહોંચ્યું. ખાનગી ક્ષેત્રનું યોગદાન પણ રૂ. ૪૨,૦૦૦ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું, જે કુલ ઉત્પાદનના ૨૪ ટકા જેટલું છે. દરમિયાન, આ જ સમયગાળા દરમિયાન ડિફેન્સ એક્સપોર્ટ રૂ. ૩૮,૪૨૪ કરોડની રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચી છે.

સ્ટોક-વિશિષ્ટ કામકાજમાં બે સત્રમાં પારસ ડિફેન્સમાં ૨૪ ટકાનો ઉછાળો આવ્યો, અને બીઇએલ, જીઆરએસઇ એચએએલ, મઝગાવ ડોક્સ, ભારત ડાઇનેમિક્સ, કોચીન શિપયાર્ડ અને ડેટા પેટર્ન્સ પણ ઊંચા સ્તરે પહોંચ્યા હતા.