નવી દિલ્હીઃ સ્થાનિક અર્થતંત્ર અને ડૉલર સામે રૂપિયામાં સ્થિરતા તથા ભૂરાજકીય તણાવો હળવા થતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈ)નો સતત બીજા મહિનામાં આંતરપ્રવાહ જળવાઈ રહેતાં વર્તમાન ઑગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીમાં તેઓની રૂ. 30,919 કરોડની ચોખ્ખી લેવાલી રહી છે.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ગત જુલાઈ મહિનામાં સતત ચાર મહિના સુધી એફપીઆઈની ભારે માત્રામાં વેચવાલી રહી હતી. જેમાં ગત માર્ચ મહિનામાં રૂ. 1.17 લાખ કરોડની, એપ્રિલમાં રૂ. 60,847 કરોડની, મે મહિનામાં રૂ. 32,963 કરોડની અને જૂન મહિનામાં રૂ. 49,340 કરોડની વેચવાલી રહી હતી. જોકે, તે પૂર્વે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 22,615 કરોડની લેવાલી રહી હોવાનું સીડીએસએલએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
વધુમાં ગત ઑગસ્ટ મહિનામાં વિદેશી રોકાણકારોનું ડેબ્ટ માર્કેટમાં પણ આકર્ષણ જળવાઈ રહેતાં ફુલ્લી એક્સેસેબલ રૂટ મારફતે રૂ. 627 કરોડનું અને વોલન્ટરી રિટેન્શન રૂટ મારફતે રૂ. 289 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, જનરલ રૂટ મારફતે તેઓએ રૂ. 2318 કરોડ પાછાં ખેંચ્યા હતા.
વર્ષ દરમિયાન છ મહિનાના સૌથી ખરાબ સમયગાળા પછી સતત બે મહિનાની ખરીદીને ધ્યાનમાં લેતા વિદેશી રોકાણકારો પાછાં ફયાના સંકેત આપે છે. જોકે, ગત સમગ્ર વર્ષ 2025માં વિદેશી રોકાણકારોની રૂ. 1.66 લાખ કરોડનાં બાહ્યપ્રવાહ સામે વર્ષ 2026માં અત્યાર સુધીમાં તેઓનો રૂ. 2.23 લાખ કરોડનો બાહ્યપ્રવાહ જોવા મળ્યો છે.
એકંદરે ભારતીય ઈક્વિટીનાં આકર્ષક વૅલ્યુએશન્સ અને રૂપિયામાં સ્થિરતા ઉપરાંત મુખ્યત્વે ભારતમાં આવક વૃદ્ધિ થઈ રહી હોવાથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાછા ફર્યા હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું. તે જ પ્રમાણે મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાના મુખ્ય રિસર્ચ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક પરિબળો અને વૈશ્વિક સ્થિતિમાં સુધારાતરફી વલણ તેમ જ તાજેતરમાં જાહેર થયેલા જૂન અંતના ત્રિમાસિકગાળાના પરિણામોથી આર્થિક વૃદ્ધિ મંદ પડવાની શક્યતા નબળી પડતાં રોકાણકારોમાં ભારતનાં લાંબા તથા મધ્યમગાળાની આર્થિક પ્રવૃત્તિમાં વિશ્વાસ સંપાદિત થયો હોવાને કારણે પણ આંતરપ્રવાહ જોવા મળ્યો છે.
આગામી દિવસોમાં રોકાણકારોની નજર ક્રૂડતેલના ભાવની વધઘટ, અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ તથા અમેરિકા કેનેડા વચ્ચેનાં વેપારી તણાવ પર રહેતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા બજાજ બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પબિત્રો મુખર્જીએ જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકાના બૉન્ડની યિલ્ડમાં વધારો ચિંતાનો વિષય છે અને રોકાણકારોની મીટ ફુગાવાના ડેટા તથા ફેડરલ રિઝર્વની આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠક પર પણ મંડાયેલી રહેશે.