(મુંબઈ સમાચાર ટીમ )
ગાંધીનગર: ગુજરાતમાં હવામાન વિભાગે બુધવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આજે ચોમાસાની ઋતુમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદ્રઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે કોઈપણ કટોકટી વખતે સ્ટેટ કંટ્રોલ રૂમને તરત જાણ કરવા સૂચના આપી હતી.

કંટ્રોલ રૂમ દ્વારા ૨૪ કલાક સતત નજર
તેમણે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સેટેલાઈટ ઈમેજરી અને અદ્યતન પૂર્વાનુમાનના આધારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે.તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા ૨૪ કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.
NDRFઅને SDRFની ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત
રાહત અને બચાવ કામગીરી સંદર્ભે પૂર્વતૈયારીની વિગતો આપતા તેમણે કહ્યું કે, આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે NDRF અને SDRFની ટુકડીઓને જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.
સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમના કારણે આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 22 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
તા. 22 અને 23 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી
તા. 24 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
મુખ્ય ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ
રાહત કમિશનરે એમ પણ જણાવ્યું હતુ કે, માળખાકીય સુવિધાઓ અને જળાશયોની સલામતી માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જ જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના મુખ્ય ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.
વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી
વરસાદના કારણે જો રસ્તાઓ બંધ થાય ત્યારે વાહનવ્યવહાર ચાલુ રાખવા માટે માર્ગ અને મકાન વિભાગને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી છે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે, ઊર્જા વિભાગે વીજ પુરવઠો ખોરવાય તો તેને લઘુત્તમ સમયમાં પુનઃસ્થાપિત કરવા ઇમરજન્સી ટીમો સ્ટેન્ડબાય રાખી છે.