Mon Jun 08 2026

Logo

થાણે અને જાલનામાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ, ઇંધણનું રેશનિંગ લાગુ

2026-03-26 20:32:48
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઇંધણની અછત સર્જાશે તેવી બીકથી થાણે જિલ્લા અને જાલનામાં વાહનચાલકો પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા. જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિત અંબરનાથ, બદલાપુર અને કલ્યાણ જેવા શહેરોમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે. મંગળવાર રાતથી જ અહીં વાહનોની લાંબી કતારો લાગી હતી અને કેટલાક સ્થળોએ વાહનચાલકોએ અંદાજે એક કલાક સુધી રાહ જોવી પડી હતી. 

હાલની પરિસ્થિતિના સંદર્ભમાં સરકારે નાગરિકોને સંયમ અને સતર્કતા રાખવાની અપીલ કરી હતી. આ સંબોધનને નાગરિકોએ ગંભીરતાથી લીધું હોય તેમ જણાય છે અને સંભવિત મુશ્કેલીઓ ટાળવા માટે સાવચેતીના ભાગરૂપે અનેક લોકો પેટ્રોલનો સંગ્રહ કરવા તરફ વળ્યા છે.

જોકે, પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઇંધણનો પૂરતો પુરવઠો છે અને નાગરિકોએ ગભરાઈને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવી જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં, અનેક નાગરિકો સાવચેતી તરીકે વાહનોમાં પેટ્રોલ ભરાવી રાખવાને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ અને સીએનજી પંપો પર ભીડ જોવા મળી રહી છે.

જાલનામાં પેટ્રોલ અને ડીઝલને લઈને પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને પેનિકને કારણે, શહેરના ઘણા પેટ્રોલ પંપ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પંપો પર હજુ ઇંધણ ઉપલબ્ધ છે, ત્યાં પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે.

ચૌધરી નગર વિસ્તારના એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ હોવાના  સમાચાર ફેલાતાં જ ત્યાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. થોડી જ વારમાં, પેટ્રોલપંપ પર લાંબી કતારો લાગી ગઈ અને ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. જ્યારે વહીવટીતંત્રને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર પોલીસ દળ તૈનાત કર્યું. કતારોમાં વિવાદ ટાળવા માટે હવે દરેક વાહનમાં પોલીસની હાજરીમાં જ ઇંધણ ભરવામાં આવી રહ્યું છે. શહેરના અન્ય પંપ બંધ થવાથી આ પેટ્રોલ પંપ પર દબાણ વધ્યું છે.

આ સમગ્ર ઘટના પછી જાલનાનો પુરવઠા વિભાગ પણ સફાળો જાગ્યો છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પેટ્રોલ અને ડીઝલ પર રેશનિંગ લાગુ કર્યું છે. નવી માર્ગદર્શિકા મુજબ, કોઈપણ ટુ-વ્હીલર ચાલકને 200 રૂપિયાથી વધુનું પેટ્રોલ  નહીં મળે. તે જ પ્રમાણે, ત્રણ પૈડાંવાળા અને ચાર પૈડાંવાળા વાહનો માટે આ મર્યાદા 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પંપના સંચાલકોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈને પણ બોટલ કે કેનમાં તેલ ન આપે, જો તેઓ આમ કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં ઇંધણ પુરવઠો સુચારુ કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટીતંત્રે પેટ્રોલ પંપ માલિકોને નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ લોકોને સંયમ જાળવવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ પોલીસની હાજરીને કારણે અંધાધૂંધી ઓછી થઈ છે.