Wed Jul 29 2026

Logo

સદાચારનું તાવીજ

2026-07-29 09:07:31
Author: Sanjay Chhel
Article Image

હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તી - સંજય છેલ

એક રાજ્યમાં હોબાળો મચ્યો કે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. રાજાએ એક દિવસ દરબારીઓને કહ્યું,  ‘પ્રજા બહુ હોબાળો મચાવી રહી છે કે બધે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. આપણને તો આજ સુધી ક્યાંય દેખાયો નથી. તમને લોકોને ક્યાંય દેખાયો હોય તો કહો.’
દરબારીઓએ કહ્યું, ‘જ્યારે હજૂરને નથી દેખાયો તો અમને કેવી રીતે દેખાઈ શકે?’

રાજાએ કહ્યું, ‘ના, એવું નથી. ક્યારેક ક્યારેક જે મને નથી દેખાતું, તે તમને દેખાતું હશે. જેમ કે મને ખરાબ સપનાં ક્યારેય નથી આવતાં, પણ તમને તો આવતાં હશે.’

દરબારીઓએ કહ્યું, ‘જી, આવે છે. પણ એ તો સપનાની વાત છે.’

રાજાએ કહ્યું, ‘છતાંય તમે લોકો આખા રાજ્યમાં શોધીને જુઓ કે ક્યાંય ભ્રષ્ટાચાર તો નથી ને? જો ક્યાંય મળી જાય તો અમને બતાવવા માટે નમૂનો લેતા આવજો. અમે પણ તો જોઈએ કે એ કેવો હોય છે!’

એક દરબારીએ કહ્યું, ‘હજૂર, એમ નહીં દેખાય. સાંભળ્યું છે કે એ બહુ બારીક હોય છે. અમારી આંખો આપની ભવ્યતા જોવા માટે એટલી ટેવાયેલી છે કે અમને બારીક વસ્તુ નથી દેખાતી. અમને ભ્રષ્ટાચાર દેખાય તોપણ એમાં અમને આપનું જ રૂપ દેખાશે, કારણ કે અમારી આંખોમાં તો આપનું જ ચિત્ર વસેલું છે. પણ આપણા રાજ્યમાં એક જાતિ રહે છે, જેને ‘નિષ્ણાતો’ કહે છે. આ જાતિ પાસે એવું આંજણ હોય છે કે એને આંખોમાં આંજીને આ લોકો અતિશય બારીક વસ્તુ પણ જોઈ લે છે. તો હજૂર,એ નિષ્ણાતોને જ ભ્રષ્ટાચાર શોધવાનું કામ સોંપો.’

રાજાએ પાંચ ‘નિષ્ણાત’ માણસોને બોલાવીને કહ્યું, ‘સાંભળ્યું છે કે આપણા રાજ્યમાં ભ્રષ્ટાચાર છે. પણ તે ક્યાં છે, એ ખબર નથી પડતી. તમે લોકો તપાસ કરી એને શોધી કાઢો.’

નિષ્ણાતોએ દિવસ-રાત એક કરીને બે મહિનામાં અહેવાલ રાજા સમક્ષ રજૂ કર્યો.

રાજાએ પૂછ્યું, ‘નિષ્ણાતો, તમારી તપાસ પૂરી થઈ ગઈ?’

‘જી, સરકાર.’

‘શું ભ્રષ્ટાચાર મળ્યો?’

‘હા, ખૂબ મળ્યો.’

રાજાએ હાથ લંબાવ્યો, ‘લાવો, મને બતાવો. જોઉં, કેવો હોય છે?’

નિષ્ણાતોએ કહ્યું, ‘હજૂર, એ હાથમાં પકડાય એવો નથી. એ સ્થૂળ નથી, સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે, પણ એ બધે જ વ્યાપ્ત છે. એને જોઈ શકાતો નથી, માત્ર અનુભવી શકાય છે.’

રાજા વિચારમાં પડી ગયા ને બોલ્યા, ‘નિષ્ણાતો, તમે કહો છો કે એ સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે અને સર્વવ્યાપી છે. આ ગુણો તો ઈશ્વરના છે. તો શું ભ્રષ્ટાચાર ઈશ્વર છે?’

 નિષ્ણાતોએ કહ્યું, ‘હા, મહારાજ! હવે ભ્રષ્ટાચાર ઈશ્વર થઈ ગયો છે.’

એક દરબારીએ પૂછ્યું, ‘પણ એ છે ક્યાં? એને કેવી રીતે અનુભવાય?’

નિષ્ણાતોએ જવાબ આપ્યો, ‘એ બધે જ છે. એ આ ભવનમાં છે, મહારાજના સિંહાસનમાં છે.’

‘સિંહાસનમાં?’ કહીને રાજા સાહેબ ઉછળીને દૂર ઊભા રહી ગયા.

નિષ્ણાતોએ કહ્યું, ‘હા, સરકાર! સિંહાસનમાં. ગયા મહિને આ એના પર રંગ કરવાનો જે બિલ ચૂકવવામાં આવ્યું છે, તે બિલ ખોટું છે. બમણા ભાવનું છે. અડધા પૈસા વચેટિયાઓ ખાઈ ગયા. તમારા આખા શાસનમાં ભ્રષ્ટાચાર છે ને તે મુખ્યત્વે લાંચના રૂપમાં છે.’

આ સાંભળીને રાજા ચૂપ થઈ ગયા ને દરબારીઓના કાન સરવા થઈ ગયા.

રાજાએ કહ્યું, ‘આ તો બહુ ચિંતાની વાત છે. અમે ભ્રષ્ટાચાર સાવ નાબૂદ કરવા માગીએ છીએ. નિષ્ણાતો, તમે જ કહો કે એ કેવી રીતે નાબૂદ થઈ શકે?’

નિષ્ણાતોએ કહ્યું, ‘મહારાજ, અમે એની યોજના તૈયાર કરી છે. પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મહારાજે વ્યવસ્થામાં બહુ મોટા ફેરફારો કરવા પડશે. ભ્રષ્ટાચારની જેટલી તક હશે એ જ ખતમ કરવી પડશે, જેમ કે કોન્ટ્રાક્ટ છે, તો કોન્ટ્રાક્ટર છે ને કોન્ટ્રાક્ટરો છે, તો અધિકારીઓને લાંચ મળે છે. કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય,તો લાંચ પણ બંધ થઈ જાય. આવી જ રીતે બીજી પણ ઘણી બાબતો છે. વળી કર્મચારીઓના પગાર વધારવામાં આવે, જેથી તેમને લાંચ લેવાની જરૂર જ ન પડે.’

નિષ્ણાતોનો અહેવાલ જોઈને. રાજાના સ્વાસ્થ્ય પર એની માઠી અસર પડી.

એકવાર એક દરબારીએ કહ્યું, ‘મહારાજ, ચિંતાના કારણે આપનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. નિષ્ણાતોએ આપને મુશ્કેલીમાં મૂકી દીધા.’

રાજાએ કહ્યું, ‘હા, મને રાત્રે ઊંઘ નથી આવતી.’

બીજો દરબારી બોલ્યો, ‘એ નિષ્ણાતોનું શું! એ તો આડીઅવળી યોજનાઓ બનાવીને ચાલતા થાય. હવે આટલી મોટી વ્યવસ્થામાં ફેરફાર કરીશું તો કેટલી મુશ્કેલી પડશે! આખી વ્યવસ્થા ઊંધી-ચત્તી થઈ જશે. જે ચાલ્યું આવે છે, એને બદલવાથી નવી નવી અડચણો ઊભી થઈ શકે છે. આપણને તો કોઈ એવો ઉપાય જોઈએ છે, જેનાથી કશુંય ફેરવ્યા વગર ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય.’

રાજા સાહેબ બોલ્યા, ‘હું પણ એ જ ચાહું છું. પણ એ થાય કેવી રીતે? તમે લોકો જ કોઈ ઉપાય શોધો.’

એક દિવસ દરબારીઓએ રાજા સામે એક સાધુને રજૂ કર્યા અને કહ્યું, ‘મહારાજ! ગુફામાં તપસ્યા કરતા આ મહાન સાધકને અમે લઈ આવ્યા છીએ. તેમણે ‘સદાચારનું તાવીજ’ બનાવ્યું છે. એ મંત્રોથી સિદ્ધ છે. જેને બાંધવાથી માણસ એકદમ સદાચારી થઈ જાય છે.’

સાધુએ ઝોળીમાંથી એક તાવીજ કાઢીને રાજાને આપ્યું. રાજા એને જોઈને બોલ્યા, ‘હે સાધુ! આ તાવીજ વિશે મને વિગતવાર જણાવો. આનાથી માણસ સદાચારી કેવી રીતે થઈ જાય છે?’

સાધુએ સમજાવ્યું, ‘મહારાજ! ભ્રષ્ટાચાર ને સદાચાર માણસના આત્મામાં હોય છે, બહાર નથી હોતા. વિધાતા જ્યારે માણસને બનાવે છે, ત્યારે કોઈના આત્મામાં ઈમાનનું યંત્ર ફિટ કરી દે છે અને કોઈના આત્મામાં બેઈમાનીનું. આ યંત્રમાંથી ઈમાન કે બેઈમાનીના સૂર નીકળે છે, જેને ‘આત્માનો પોકાર’ કહે છે. આત્માના પોકાર પ્રમાણે જ માણસ કામ કરે છે. સવાલ એ છે કે જેમના આત્મામાંથી બેઈમાનીના સૂર નીકળે છે, તેમને દબાવીને ઈમાનના સૂર કેવી રીતે કાઢવા? કેટલાંય વર્ષોના ચિંતન બાદ મેં આ ‘સદાચારનું તાવીજ’ બનાવ્યું છે. જે માણસની ભુજા પર આ બાંધેલું હશે, તે સદાચારી થઈ જશે. મેં કૂતરા પર પણ આનો પ્રયોગ કર્યો છે. આ તાવીજ ગળામાં બાંધી દેવાથી કૂતરો પણ રોટલી નથી ચોરતો. આ તાવીજમાંથી પણ સદાચારના સૂર નીકળે છે. જ્યારે કોઈનો આત્મા બેઈમાનીના સૂર કાઢવા લાગે છે, ત્યારે આ તાવીજની શક્તિ આત્માનું ગળું ઘોંટી દે છે ને એ માણસને તાવીજના ઈમાનના સૂર સંભળાય છે. તે આ સૂરને આત્માનો અવાજ સમજીને સદાચાર તરફ પ્રેરાય છે. આ જ આ તાવીજનો ગુણ છે, મહારાજ!’

દરબારમાં ચહલપહલ મચી ગઈ. દરબારીઓ ઊભા થઈ-થઈને તાવીજ જોવા લાગ્યા. રાજાએ ખુશ થઈને કહ્યું,

 ‘મને ખબર નહોતી કે મારા રાજ્યમાં આવા ચમત્કારી સાધુ પણ છે. મહાત્મા, અમે આપના ખૂબ આભારી છીએ. તમે અમારું સંકટ હરી લીધું. અમે સર્વવ્યાપી ભ્રષ્ટાચારથી ખૂબ પરેશાન હતા. પણ અમારે લાખો નહીં, કરોડો તાવીજ જોઈએ છે. અમે રાજ્ય તરફથી તાવીજ બનાવવાનું એક કારખાનું ખોલી દઈએ છીએ. આપ એના જનરલ મેનેજર બની જાઓ અને આપની દેખરેખ હેઠળ સરસ તાવીજ બનાવો.’

એક મંત્રીએ કહ્યું, ‘મહારાજ! રાજ્ય શા માટે આ ઝંઝટમાં પડે? મારી તો વિનંતી છે કે સાધુબાબાને જ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે. તેઓ પોતાની મંડળી પાસે તાવીજ બનાવડાવીને રાજ્યને સપ્લાય કરી દેશે.’

રાજાને આ સૂચન ગમી ગયું. સાધુને તાવીજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો. પાંચ લાખ રૂપિયા તેમને કારખાનું ખોલવા માટે એડવાન્સ આપવામાં આવ્યા.

રાજ્યનાં અખબારોમાં સમાચાર છપાયા, સદાચારના તાવીજની શોધ! તાવીજ બનાવવાનું કારખાનું ખૂલ્યું!

લાખો તાવીજ બની ગયા. સરકારના હુકમથી દરેક સરકારી કર્મચારીના ખભે બાંધી દેવામાં આવ્યું. ભ્રષ્ટાચારની સમસ્યાનો આવો સરળ ઉકેલ મળવાથી રાજા ને દરબારીઓ બધા ખુશ હતા.

એક દિવસ રાજાને ઉત્સુકતા થઈ. વિચાર્યું, જોઈએ તો ખરા કે આ તાવીજ કેવી રીતે કામ કરે છે!

તેઓ વેશ પલટો કરીને એક ઓફિસે ગયા. એ દિવસે મહિનાની બીજી તારીખ હતી. મહિનાનું પહેલું જ અઠવાડિયું હતું. તેઓ એક કર્મચારી પાસે ગયા અને એક કામની બાબતમાં એને પાંચ રૂપિયાની નોટ આપવા લાગ્યા.

કર્મચારીએ એમને ધમકાવ્યા, ‘ભાગો અહીંથી! લાંચ લેવી પાપ છે!’

રાજા ખૂબ ખુશ થયા. તાવીજે કર્મચારીને ઈમાનદાર બનાવી દીધો હતો.

થોડા દિવસો પછી રાજા ફરી વેશ પલટો કરીને એ જ કર્મચારી પાસે ગયા. એ દિવસે 31 (એકત્રીસમી) તારીખ હતી, મહિનાનો છેલ્લો દિવસ. રાજાએ ફરી તેને પ રૂપિયાની નોટ બતાવી. કર્મચારીએ હાથ લંબાવીને નોટ લઈ લીધી ને ચુપચાપ ખિસ્સામાં મૂકી દીધી!

રાજાએ એનો હાથ પકડી લીધો. ‘બોલ્યા, ખબરદાર, હું રાજા છું. શું તું આજે ‘સદાચારનું તાવીજ’ બાંધીને નથી આવ્યો?’

કર્મચારીએ કહ્યું, ‘બાંધ્યું છે, સરકાર! આ જુઓ. એણે શર્ટની બાંય ઊંચી કરીને તાવીજ દેખાડયું!’

રાજા નવાઈ પામી ગયા. તેમણે તાવીજ પાસે કાન મૂક્યો. સદાચારના તાવીજમાંથી અવાજ આવ્યો, ‘અબે..આજે 31 તારીખ છે... આજે તો લઈ લેવાય!’