Mon Sep 14 2026

Logo

હાર્દિકનો `અનોખો' રેકૉર્ડઃ બે લાઇફ પાર્ટનરની હાજરીમાં જીત્યો બે વર્લ્ડ કપની ટ્રોફી!

2026-03-09 17:18:58
Author: Ajay Motiwala
હાર્દિકનો `અનોખો' રેકૉર્ડઃ બે લાઇફ પાર્ટનરની હાજરીમાં જીત્યો બે વર્લ્ડ કપની ટ્રોફી!

અમદાવાદઃ ટી-20 ફૉર્મેટમાં ભારતીય ક્રિકેટરોનો સુવર્ણકાળ 2024માં શરૂ થયો હતો અને રવિવારે લાગલગાટ બીજી વખત અને વિક્રમજનક ત્રીજી વાર આ ફૉર્મેટના વર્લ્ડ કપની ટ્રોફી જીતી લેવાની સાથે આ સોનેરી દિવસોને એક્સટેન્સન મળ્યું છે જેમાં ક્રિકેટપ્રેમીઓ પોતાના માનીતા ખેલાડીઓની પ્રશંસા કરતા તેમ જ તેમના વિશે પોસ્ટ, મીમ્સ અને સ્ટોરી બનાવતા થાકતા જ નથી. હાર્દિક (Hardik)ના એક ચાહકે ઇન્સ્ટાગ્રામ પર `બ્રો ઇઝ વિનિંગ ઇન લાઇફ' એવી કૅપ્શન સાથે હાર્દિકના ભૂતકાળને પણ એમાં આવરી લીધો છે અને અનોખી સરખામણી બતાવી છે.

હાર્દિકના આ ચાહકે હળવા મૂડમાં બનાવેલી પોસ્ટમાં લખ્યું છે કે `નવો રેકાર્ડઃ બે ટૂર્નામેન્ટમાં બે અલગ લાઇફ પાર્ટનરની હાજરીમાં બે વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો!'

ચાહકની વાઇરલ થયેલી આ પોસ્ટની વાતને જરા બાજુ પર રાખીએ તો એક વાતનો કોઈ પણ વ્યક્તિ ઇનકાર ન કરી શકે કે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી ભલભલી હરીફ ટીમને પરાજિત થવા મજબૂર કરનાર હાર્દિકના વધુ એક દમદાર દેખાવની મદદથી ભારતે ફરી એક વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. તેણે 2024ની ફાઇનલમાં પણ મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું.

હાર્દિકે 2024ના ટી-20 વર્લ્ડ કપ વખતે ભારતને ચૅમ્પિયનપદ મળ્યું ત્યારે એ સમયની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ સાથે (ટ્રોફી સાથે) પોઝ આપ્યો હતો. જોકે ત્યાર બાદ બન્ને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી અને તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. તેમને એક પુત્ર છે જેનું નામ અગસ્ત્ય છે. રવિવાર, આઠમી માર્ચે અમદાવાદના મેદાન પર હાર્દિકે ગર્લફ્રેન્ડ માહિકા શર્મા (Mahieka Sharma) સાથે અનેક પોઝ આપ્યા હતા. એમાં એક પોઝમાં તો હાર્દિક તેને પુષ્પોની માળા પહેરાવી રહ્યો હોય એ રીતે તેને પોતાનું મેડલ પહેરાવતો જોવા મળ્યો હતો.