Wed Sep 16 2026

Logo

ગૂડ ન્યૂઝઃ હાર્બર લાઈનમાં 15 કોચની લોકલ દોડાવવાનો માર્ગ મોકળો, જાણો અપડેટ

2026-07-30 19:04:45
Author: Mumbai Samachar Team
ગૂડ ન્યૂઝઃ હાર્બર લાઈનમાં 15 કોચની લોકલ દોડાવવાનો માર્ગ મોકળો, જાણો અપડેટ

મુંબઈ: સબર્બન મુંબઈ રેલવેમાં અત્યાર સુધીમાં બે મહત્ત્વના કોરિડોરમાં પંદર કોચની ઈએમયુ લોકલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જ્યારે વધુ એક કોરિડોરમાં પણ પંદર ડબ્બાની ટ્રેન દોડાવવા માટે રેલવેએ કમર કસી છે, ત્યારે જાણીએ રેલવેની સમગ્ર યોજના અને શું થઈ શકે ફાયદો.

હાર્બર લાઇનમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 15 કોચની લોકલ ટ્રેન શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી-3A) હેઠળ ગુરુ તેગબહાદુરનગર (જીટીબીનગર) સ્ટેશનનું મોટા પાયે આધુનિકીકરણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં 12 કોચની લોકલ દોડાવાય છે, પરંતુ પ્લેટફોર્મનો વિસ્તાર વધાર્યા બાદ 15 કોચની લોકલ દોડાવવાનો માર્ગ મોકળો થશે.

પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ વધારીને 330 મીટર કરવામાં આવી રહી છે. પશ્ચિમ બાજુએ 330 મીટર લાંબું અને સરેરાશ 10 મીટર પહોળું નવું હોમ પ્લેટફોર્મ (1એ ) બનાવવામાં આવી રહ્યું છે. 
ઉપરાંત હાલના પ્લેટફોર્મ નંબર 1/2ને પણ ઉત્તર તરફ વિસ્તારી તેની લંબાઈ વધારીને 330 મીટર કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી મુંબઈ રેલવે વિકાસ નિગમ (એમઆરવીસી ) દ્વારા હાથ ધરવામાં આવી છે.

હાર્બર લાઈન પર માત્ર પ્લેટફોર્મનો વિસ્તાર જ નહીં, પરંતુ મુસાફરોની સુવિધા વધારવા માટે નવા સ્કાયવોક અને બે નવા ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પણ બનાવવામાં આવી રહ્યા છે. પ્લેટફોર્મ એક-એની પશ્ચિમ બાજુ બનનારો સ્કાયવોક હાલના રોડ ઓવર બ્રિજ (ROB)ના ઉત્તર છેડેના નવા બ્રિજ સાથે જોડાશે. ઉપરાંત, રાહદારીઓ માટે 6 મીટર પહોળાઈના બે નવા પુલ પણ સ્ટેશનને વધુ સુવિધાસભર બનાવશે.

રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર અનુસાર હાલના રોડ ઓવર બ્રિજનું પણ પુનઃનિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હાર્બર લાઈન પર વધતા મુસાફરોનું વધુ સારી રીતે સંચાલન કરી શકાશે, ભીડમાં ઘટાડો થશે અને ભવિષ્યમાં 15 કોચની લોકલ સેવા શરૂ કરવા માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મુસાફરો માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ રાહતરૂપ સાબિત થવાની અપેક્ષા છે, કારણ 15 ડબ્બાની લોકલ ટ્રેનને કારણે પ્રવાસીઓની ક્ષમતા વધશે અને પ્રવાસીઓને ભીડમાંથી અમુક અંશે રાહત મળશે.