Sat Apr 25 2026

Logo

એક નજર ઈધર ભી... : ગુપ્તેશ્વર મહાદેવ તથા પંચમુખી ગણેશજી

2026-04-25 08:57:00
Author: Kamini Shroff
Article Image

 


કામિની શ્રોફ

નેપાળ આર્થિક સંકડામણમાં જીવતો દેશ છે, પણ છેલ્લાં કેટલાક વર્ષથી દેશની જીડીપી - ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ધીમો પણ મક્કમ વધારો થઈ રહ્યો છે. આયાત પર નભવું પડતું હોવાથી તેમજ ઘરઆંગણે ખપત ઓછી હોવાથી નેપાળના આર્થિક વિકાસમાં સમસ્યા આવે છે. જોકે, તાજેતરના વર્ષોમાં જે પોઝિટિવ બદલાવ આવ્યો છે એમાં ટૂરિઝમનો મોટો ફાળો છે. દર વર્ષે દેશ - વિદેશથી આવતા સહેલાણીઓ અર્થતંત્ર માટે પોષક સાબિત થાય છે. કાઠમંડુ ઉપરાંત પોખરા, લુમ્બિની અને જોમસોમમાં આવેલા ધાર્મિક સ્થાનની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

અમારા તાજેતરના નેપાળ પ્રવાસ દરમિયાન કાઠમંડુ ઉપરાંત પોખરાના ધર્મ સ્થળોની મુલાકાતનો લાભ પણ મળ્યો, પણ સમયના અભાવે મુક્તિનાથ અને લુમ્બિની નહીં જઈ શકાયું એનો થોડો અફસોસ જરૂર થયો. જોકે, અંતે કવિ કલાપીની પંક્તિ `માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું'ની ફિલસૂફી અપનાવી જે જોયું એનો ભરપૂર આનંદ લીધો.

ગુપ્તેશ્વર મહાદેવ:

મુંબઈથી કાઠમંડુ હવાઈ માર્ગે સફર કર્યા પછી કાઠમંડુથી પોખરા પણ વિમાનની મુસાફરી જ હતી. જોકે, ફક્ત અડધો કલાકમાં પહોંચી ગયા ત્યારે 1980ના દાયકામાં મુંબઈ - ભાવનગરની હજી બેઠા ત્યાં તો ઊતરવાનું આવ્યું એ ફલાઈટ યાદ આવી ગઈ. પોખરા જવાના હો તો ગુપ્તેશ્વર મહાદેવ ગુફા-મંદિરની મુલાકાત લેવાનું ચુકતા નહીં એવું ગાઈ વગાડીને કહેવામાં આવ્યું હતું. સાડા છ હજાર ફુટ લાંબી નેપાળની આ સૌથી લાંબી ગુફા નેપાળી ભાષામાં `ભાલૂ દુલો' (રીંછની ગુફા) તરીકે ઓળખાય છે. 

આ ગુફામાં સહેલાણીઓની નિયમિત આવનજાવન શરૂ થવા પૂર્વે ત્યાં રીંછ રહેતા હતા એવી જાણકારી સ્થાનિક લોકોએ આપી. 16મી સદીમાં નજરે પડેલી ગુફાની જગ્યામાં પ્રવેશતાની સાથે જ અચરજના આલમનો આરંભ થાય છે. ગોળાકાર સીડીમાં પગ માંડતી વખતે જાળવીને ઊતરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે માર્ગ સાંકડો છે, બે પગથિયાં વચ્ચે અંતર ખાસ્સું છે અને લપસી જવાની ભીતિ રહેલી છે. શરૂઆતમાં જ ભગવાન વિષ્ણુની પ્રતિમા શયન અવસ્થામાં જોયા મળે છે. આ અવસ્થા શેષશાયી (શેષનાગ પર શયન કરતી અવસ્થા) કહેવાય છે. 

સીડી ઉતરતી વખતે કલાકૃતિ જોવા મળે છે, જેમાં સમુદ્ર મંથન ઘટનાનું સુંદર ચિત્રણ જોવા મળે છે. ભગવાન વિષ્ણુએ મંદરાચલ પર્વતને સ્થિર રાખી દેવો, દૈત્યો અને દાનવોએ વાસુકિ નાગને દોરડું બનાવી સમુદ્રમંથનનો આરંભ કર્યો એની ઝાંખી જોવા મળે છે. ગુફામાં પ્રવેશતા કાળા ડિબાંગ અંધારાનો સામનો ન કરવો પડે એટલે વીજળીના બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. અલબત્ત, ઝીણવટથી નિરીક્ષણ કરવું હોય તો ટોર્ચ હાથવગી હોય એ જરૂરી છે. 

અહીં વધુ એક અચરજ થાય છે. ગૌશાળામાં ગાય ઊભી હોય એવું પ્રતીત થાય છે. ધ્યાનથી જોતા એ શિવલિંગની ઉપર ઊભી હોવાનું નજરે પડે છે. જાણે કે શંકર ભગવાનનું રક્ષણ કરતી હોય! આગળ ચાલતા અલગ અલગ ગોખલામાં હિન્દુ દેવતાઓના દર્શન થાય છે અને અંદર સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે.

ગુફામાં એકંદરે અંધારું હોય છે, પણ એક જગ્યાએ કુદરતી પ્રકાશ નજરે પડ્યો. અહીં પાણીના એક નાનકડા ધોધે સૌનું ધ્યાન ખેંચ્યું. ડેવિસ ફોલ તરીકે ઓળખાતો આ ધોધ નેપાળી ભાષામાં `પાતાલે છાંગો' (પાતાળનો ધોધ) તરીકે પ્રચલિત છે. પાણીનો પ્રવાહ દિલ દિમાગને ગજબની ઠંડક આપે છે.

પંચમુખી ગણેશ: 

નેપાળમાં પર્વતીય વિસ્તાર ઘણો છે. પોખરાના સારંગકોટ પર્વતની મુલાકાત નયનરમ્ય દૃશ્યો પૂરા પાડે છે. કેબલ કારમાં સવાર થઈ ઉપર પહોંચ્યા ત્યારે વરસાદ પડતો હોવાથી સૂરજદાદાના દર્શન દુર્લભ હતા. સૂર્યાસ્ત જોવા ન મળ્યો, પણ નેપાળની પ્રથમ પંચમુખી ગણેશજીની પ્રતિમાના દર્શન થયા. આ પ્રતિમા નવી છે. એની નીચે મૂકેલી માહિતી અનુસાર એનો શિલાન્યાસ સાતમી સપ્ટેમ્બર, 2022ના દિવસે કરવામાં આવ્યો હતો અને 26 ફેબ્રુઆરી, 2025ના શિવરાત્રીના દિવસે એ દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. 

51 ફુટ ઊંચી પ્રતિમા ગણેશજીનું અત્યંત શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. નકારત્મક ઊર્જાથી રક્ષણ કરી જીવનમાં સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે એવી માન્યતા છે. સમૃદ્ધિ અને સફળતાની તો ખબર નથી, ગણેશજીની ભવ્ય પ્રતિમા જોઈ અને આસપાસના આહલાદક વાતાવરણને કારણે પગપાળા ઊંચાઈએ ચડવાનો શારીરિક થાક તો ગાયબ થઈ જ ગયો, પણ સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યથી મન પ્રસન્ન થઈ ગયું. થોડા પગથિયાં ચડી એક જગ્યાએથી અન્નપૂર્ણા પર્વતમાળાનું મનોહર દૃશ્ય જોવા મળ્યું એ છોગામાં. પોખરાના ધાર્મિક પર્યટનનું આ આગવું આકર્ષણ છે.

શ્વેત ભૈરવ: 

ભગવાન શિવજીનું સૌથી ઉગ્ર અને રૌદ્ર સ્વરૂપ ભૈરવ કહેવાય છે. પુરાણકથા અનુસાર બ્રહ્માજીનો અહંકાર નષ્ટ કરવા શિવજીએ ભૈરવ અવતાર લીધો હતો.એને બ્રહ્માંડના સંરક્ષક અને વિનાશકારી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગાઈડે આપેલી જાણકારી અનુસાર કાઠમંડુના ખીણ પ્રદેશમાં ભૈરવના 10 સ્વરૂપ હાજર છે. કેટલાક સ્વરૂપના નામ સુધ્ધાં પહેલી વાર સાંભળ્યા. કાલ ભૈરવ સૌથી પ્રચલિત સ્વરૂપ છે. બટુક ભૈરવ પણ અનેક લોકો જાણતા હશે. 

આ સિવાય `હયગ્રિવા ભૈરવ', `કીર્તિમુખ ભૈરવ', `શ્વેત ભૈરવ', `શાંત ભૈરવ', `આકાશ ભૈરવ', `બાઘ ભૈરવ', `ઉન્મત ભૈરવ' અને `પચલી ભૈરવ' પણ છે. જોકે, વિવિધ સ્થળે હોવાથી કેવળ કાલ ભૈરવ અને શ્વેત ભૈરવના જ દર્શનનો લાભ મળ્યો. કાઠમંડુના દરબાર સ્કવેર વિસ્તારમાં કાલ ભૈરવ અને શ્વેત ભૈરવ લગભગ સો ફૂટના અંતરે છે. 

ઈ.સ. 1790ની આસપાસ નેપાળના રાજા રામબહાદુર શાહએ આ પ્રતિમા તૈયાર કરાવી હોવાની નોંધ ઈતિહાસના ચોપડે છે. સફેદ પથ્થરમાંથી પ્રતિમા તૈયાર કરવામાં આવી હોવાથી શ્વેત ભૈરવ તરીકે ઓળખાય છે. વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન આ શ્વેત ભૈરવને ઢાંકી રાખવામાં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં `ઈન્દ્ર જત્રા' તરીકે ઓળખાતા ઉત્સવ દરમિયાન શ્વેત ભૈરવ આડેનું આવરણ હટાવી લેવામાં આવે છે. ઉત્સવ દરમિયાન ભૈરવના મુખમાંથી વાંસના પાઇપની મદદથી ચોખાને આથો લાવી તૈયાર કરવામાં આવતું પીણું ભક્તજનોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. 

એના સેવનથી આરોગ્યની જાળવણી, ભાગ્યનો ઉદય અને આત્મબળ વધે છે એવી માન્યતા છે. રૌદ્ર સ્વરૂપ હોવા છતાં શ્વેત ભૈરવ રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. આ ભૈરવ કાઠમંડુ શહેરને દુષ્ટ શક્તિથી બચાવવાનું કામ કરે છે. રુદ્ર સ્વરૂપમાં હોવા છતાં પ્રતિમાનો શ્વેત રંગ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. અમારો પ્રવાસ માર્ચ મહિનામાં હોવા છતાં શ્વેત ભૈરવના દર્શન થયા એનું કારણ એવું છે કે આ વર્ષથી એના દર્શન વધુ સમય માટે થાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

નેપાળના ધાર્મિક મહત્ત્વ અને દ્રષ્ટિકોણ ધરાવતા પ્રવાસને બ્રેક મારી એના પ્રાકૃતિક સૌંદર્ય ને એડવેંચર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો એની વાત આગળ કરીશું.