અમદાવાદ: મે મહિનામાં પણ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મે 2026 દરમિયાન દેશના અનેક રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે. મે 2026 દરમિયાન, હિમાલયની તળેટીના કેટલાક ભાગો, પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતા વધુ ગરમીના મોજા (હીટવેવ/લૂ) ના દિવસો રહેવાની શક્યતા છે.
રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેવાની ધારણા
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મે મહિનામાં માત્ર હીટવેવ (ગરમીના મોજા) ના દિવસો જ નહીં વધે, પરંતુ તેની અસરો પણ લાંબા સમય સુધી ચાલશે. રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેવાની ધારણા છે, જે અકળામણમાં વધારો કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી મે મહિનાની 'લોંગ-રેન્જ ફોરકાસ્ટ' (LRF) માં આ વિગતો આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે ઊંચું રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મે મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે ઊંચું રહેવાની ધારણા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં તે મધ્યમ અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં સામાન્યની નજીક રહેવાની શક્યતા છે.
વધી શકે છે હીટ સ્ટ્રેસ
હીટવેવના અંદાજ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની પ્રબળ શક્યતા છે. દિવસ અને રાતના ઊંચા તાપમાનનું સંયોજન હીટ સ્ટ્રેસ વધારી શકે છે. વરસાદ અંગે IMD એ અનુમાન લગાવ્યું છે કે મે મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જોકે, પૂર્વ, ઉત્તર-પૂર્વ અને મધ્ય-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના થોડા સ્થળોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની અપેક્ષા છે.
मई 2026 के लिए मासिक वर्षा का पूर्वानुमान
— India Meteorological Department (@Indiametdept) May 1, 2026
Monthly Rainfall Outlook for may 2026
अधिक जानकारी के लिए, कृपया इस लिंक पर जाएं : https://t.co/8ORQjeFEFz
For more information, visit: https://t.co/SDtSOeK473#May2026 #TemperatureTrends #HeatwaveAlert #RainfallPredictions… pic.twitter.com/27WtFqxtYv
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચોમાસું 14-16 મેની આસપાસ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચી શકે છે.
મે 2026 દરમિયાન, દેશના અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોની સાથે સાથે મધ્ય ભારતના કેટલાક ભાગો, તેને અડીને આવેલા દ્વીપકલ્પ ભારતના વિસ્તારો અને ઉત્તર-પૂર્વ ભારતના દક્ષિણ ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી લઈને સામાન્યથી નીચું રહેવાની શક્યતા છે. મે 2026 દરમિયાન, સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતા વધુ રહેવાની સૌથી વધુ શક્યતા છે.
IMD એ જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે તેથી ઓછું રહ્યું હતું. એપ્રિલમાં હવામાનમાં વિવિધતા જોવા મળી હતી, જોકે દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આ વધઘટ માટે દેશમાં આવેલા સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર ગણાવ્યા હતા.