નાગરિકોને ચાર અલગ-અલગ પ્રવાહમાં કચરાનું વર્ગીકરણ કરવાનું રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: વૈશ્ર્વિક પર્યાવરણ દિન નિમિત્તે થાણે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં ‘ફોર બીન થાણે ક્લીન’ નામનું એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદૃેશ્ય કચરાના સ્ત્રોત સ્થળે જ તેનું વર્ગીકરણ કરીને વધુ અસરકારક રીતે કચરાનું વ્યવસ્થાપન, રિસાયક્લિંગ અને સાયન્ટિફિકલી નિકાલને પ્રોત્સાહન આપવાનો છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ આ અભિયાન ઘન કચરા વ્યવસ્થાપન નિયમો ૨૦૨૬ના અસરકારક અમલીકરણ માટે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત થાણે શહેરના દરેક ઘર, હાઉસિંગ સોસાયટી અને એસ્ટાબ્લિશમેન્ટ માટે કચરાને ચાર અલગ-અલગ પ્રવાહમાં વર્ગીકરણ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમાં ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને સ્પેશિયલ કેર કચરોનો સમાવેશ થાય છે.
ભીના કચરામાં રસોડાના કાર્બનિક અને ખાદ્ય કચરોનો સમાવેશ થાય છે. સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, ધાતુ અને રિસાઈકલ કરી શકાય તેવા કચરોનો સમાવેશ થાય છે. સેનિટરી કચરામાં ડાયપર, સેનિટરી નેપકિન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે સ્પેશિયલ કેર કચરામાં જૂની બેટરી, એક્સપાયર થયેલી દવાઓ, સિરીંજ, બલ્બ અને ટ્યુબલાઇટ જેવી સંવેદનશીલ વસ્તુઓનો સમાવેશ થાય છે.
થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે નાગરિકો અને હાઉસિંગ સોસાયટીઓને આ ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે પાલિકા કચરાના સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને નિકાલ પ્રણાલીમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. કચરાના વર્ગીકરણ ફરજિયાત કરવા બાબતે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આનો ઉદ્દેશ્ય દંડાત્મક કાર્યવાહી કરવાનો નથી, પરંતુ જનજાગૃતિ દ્વારા શહેરમાં સ્વચ્છતાની સંસ્કૃતિ કેળવીને ‘ફોર બિન થાણે સ્વચ્છ’ ઝુંબેશને સફળ બનાવવાનો છે.