સાશા
ભારત સહિત ઘણા દેશોના સ્ટેડિયમો જ્યાં એક સમયે દિગ્ગજો રમ્યા હતા અને વિક્રમો રચાયા હતા, પણ હવે એ સ્ટેડિયમો સાવ અજ્ઞાત છે - ગ્વાલિયરના કૅપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમમાં સચિને વન-ડે ક્રિકેટની સૌપ્રથમ ડબલ સેન્ચુરી ફટકારી હતી. લખનઊનું કે. ડી. સિંહ બાબુ સ્ટેડિયમ હવે ભુલાઈ ગયું છે. -ફરિદાબાદના નાહર સ્ટેડિયમમાં વિવ રિચર્ડ્સ રમ્યા હતા.
થોડા દિવસ પહેલાં દુનિયાભરના ક્રિકેટ નિષ્ણાતો બાંગ્લાદેશની ઑસ્ટ્રેલિયા પરના ઐતિહાસિક ટેસ્ટ વિજય વખતે બાંગ્લાદેશ પર અભિનંદનની વર્ષા વરસાવી રહ્યા હતા ત્યારે ઘણા ક્રિકેટપ્રેમીઓના મનમાં એક સવાલ ઘૂમ્યા કરતો હતો કે જે ડાર્વિન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશે આ યાદગાર સિદ્ધિ મેળવી એ મેદાન ઑસ્ટ્રેલિયામાં છે ક્યાં?
બાંગ્લાદેશે એ દિવસે ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી જ વખત જીત હાંસલ કરી હતી એટલે બાંગ્લાદેશ માટે એ વિજય ઉત્સવ કરતાં જરાય ઊતરતો નહોતો. જે કંઈ હોય, ડાર્વિન ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાભરના લોકો માટે મૂંઝવણનો વિષય તો બની જ ગયો હતો. નવાઈની વાત એ છે કે આ ક્રિકેટલવર્સમાં ઑસ્ટ્રેલિયાના પણ કેટલાક હતા. આવું બનવાનું જ હતું, કારણકે જે ડાર્વિન ક્રિકેટ મેદાન પર બાંગ્લાદેશે ક્રિકેટના સમ્રાટ કહેવાતા ઑસ્ટ્રેલિયાને નવ વિકેટે હરાવ્યું હતું. આ ગ્રાઉન્ડની ઓળખ દુનિયાના મશહૂર ક્રિકેટ મેદાનોના નકશામાં `ક્રિકેટના એક અજ્ઞાત કિલ્લા' જેવી જ આપી શકાય.
વાસ્તવમાં ડાર્વિન ક્રિકેટ ગ્રાઉન્ડના મૂળિયા 19મી સદી સમયના છે. જોકે અહીં પ્રથમ ટેસ્ટ મૅચ 2003માં ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી અને બાંગ્લાદેશે એ જ સ્થળે 2026માં એની સામે વિક્રમજનક જીત મેળવી. 2003ની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ઉપરાંત એક વન-ડે પણ રમાઈ હતી અને ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા 2004માં અહીં શ્રીલંકા સામે ટેસ્ટ રમ્યું હતું અને ત્યાર બાદ છેક 2026માં ઑસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ ટેસ્ટ રમાઈ.
એવું નથી કે ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરીની રાજધાની ડાર્વિનમાં આ સ્ટેડિયમ કોઈ પ્રકારની પાયાભૂત સુવિધાઓ વિનાનું જેવું-તેવું સ્ટેડિયમ છે. અહીંના માર્રા સ્ટેડિયમને ટીઓ સ્ટેડિયમ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. 13-17 ઑગસ્ટ, 2026 દરમ્યાન અહીં બાવીસ વર્ષે રમાયેલી ટેસ્ટમાં છઠ્ઠા નંબરના બાંગ્લાદેશે વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાને હરાવીને સનસનાટી મચાવી દીધી. 2004 પછી છેક બાવીસ વર્ષે ડાર્વિનમાં ટેસ્ટ-ક્રિકેટે કમબૅક કર્યું એનું એકમાત્ર કારણ એ હતું કે આ સ્થળની લોકપ્રિયતા હંમેશાં ખૂબ ઓછી રહી છે.
ઑસ્ટ્રેલિયાના ઉત્તર ભાગમાં ઉષ્ણ કટિબંધવાળા ક્ષેત્રમાં બનેલું આ સ્ટેડિયમ તમામ પ્રકારની સુવિધાઓથી ભરપૂર છે. ઑસ્ટ્રેલિયામાં મેથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો (હવામાનની દૃષ્ટિએ) ક્રિકેટ મૅચો માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આ સમયગાળામાં ડાર્વિનમાં હવામાન ખૂબ સૂકું હોય છે. જોકે ડાર્વિન શહેર ઑસ્ટ્રેલિયાના બાકીનાં મુખ્ય શહેરો (સિડની, ઍડિલેઇડ, મેલબર્ન, બ્રિસ્બેન વગેરે)ની સરખામણીમાં ખૂબ ઓછું જાણીતું છે અને એટલે શેષ વિશ્વની વાત જવા દો, ઑસ્ટ્રેલિયામાં પણ ઘણાને ખબર નહોતી કે તેમના દેશમાં આવું કોઈ સ્ટેડિયમ છે.
જોકે ક્રિકેટની દુનિયામાં એકમાત્ર ડાર્વિનનું સ્ટેડિયમ ગુમનામ કિલ્લા જેવું નથી. લગભગ દરેક ક્રિકેટ-રાષ્ટ્રમાં આવું એકાદ ક્રિકેટ સ્ટેડિયમ લોકોથી ઘણું અજાણ હોય છે. બીજી રીતે કહીએ તો આ સ્ટેડિયમ એવા છે જેને જે તે દેશના લોકો જ ભૂલી ગયા હોય છે અથવા એને વિસરાઈ ગયેલા મેદાન તરીકે ઓળખાવવામાં આવતું હોય છે.
ભારતની જ વાત કરીએ. ઉત્તર પ્રદેશમાં લખનઊનું કે. ડી. સિંહ બાબુ સ્ટેડિયમ યાદ છે? કેડીએસબી નામનું આ ગ્રાઉન્ડ હૉકી-લેજન્ડ કે. ડી. સિંહના નામ પરથી બન્યું હતું જે એક સમયે દેશના મુખ્ય ક્રિકેટ સ્ટેડિયમોમાં ગણાતું હતું. અહીં ટેસ્ટ અને વન-ડે, બન્ને ફૉર્મેટની મૅચો રમાઈ છે, પરંતુ આજે એ લખનઊના લોકો માટે `પુરુષ ક્રિકેટના અનામી કિલ્લા' તરીકે ઓળખાય છે. હવે લખનઊમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે લોકોમાં ઇકાના સ્ટેડિયમ લોકપ્રિય છે. જોકે કે. ડી. સિંહ બાબુ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની ઘણી મૅચો રમાઈ છે.
હરિયાણામાં ફરિદાબાદનું નાહર સિંહ સ્ટેડિયમ તો કે. ડી. સિંહ બાબુ સ્ટેડિયમથી પણ વધુ કમનસીબ છે. અગાઉ મયૂર સ્ટેડિયમ તરીકે ઓળખાતા આ સ્થળે 1988માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારતે વન-ડે રમીને સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાર બાદ સીધું 2006માં ઇંગ્લૅન્ડ સામેની આઠમી અને અંતિમ વન-ડે મૅચ સાથે આ સ્ટેડિયમની સફર પૂરી થઈ હતી. આજે કોને યાદ હશે કે વિવ રિચર્ડ્સ જેવા દિગ્ગજ ખેલાડી ફરિદાબાદના સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યા હતા.
આ જ લિસ્ટમાં ગ્વાલિયરના કૅપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમની પણ વાત ન કરીએ તો ચર્ચા અધૂરી કહેવાય. અહીં 1988થી 2010 દરમ્યાન 12 વન-ડે રમાઈ હતી. 2010માં સચિન તેન્ડુલકરે અહીં જ વન-ડે ક્રિકેટની સૌપ્રથમ ડબલ સેન્ચુરી ફટકારી હતી. એમ છતાં આજે ગ્વાલિયરનું આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ આ મહાન રમતના અજ્ઞાત કિલ્લાઓમાં ગણાય છે.
આવી જ સ્થિતિ જમશેદપુરના કીનન સ્ટેડિયમની પણ છે. એક સમયે આ સ્થળ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જાણીતું મનાતું હતું જ્યાં ટેસ્ટ અને વન-ડે મૅચો રમાઈ હતી, પરંતુ સમયનું એવું ચક્ર ફરી ગયું કે ધીરે-ધીરે જમશેદપુરનું કીનન સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નકશામાંથી જ ગાયબ થઈ ગયું.
ભારતની જેમ પાકિસ્તાનના અરબાઝ નિયાઝ સ્ટેડિયમનું પણ નસીબ એવું છે જે એક સમયે પાકિસ્તાનના મુખ્ય સ્ટેડિયમોમાં ગણાતું હતું, પણ હવે અજ્ઞાત જેવું છે. પેશાવરમાં આવેલું આ મેદાન 1980થી 1990 સુધી પ્રચલિત હતું. ત્યાં પ્રથમ વન-ડે 1984માં રમાઈ હતી, જ્યારે પ્રથમ ટેસ્ટ છેક 11 વર્ષે રમાઈ હતી. આ મેદાનમાં ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ મૅચ રમાઈ હતી. કુલ છ ટેસ્ટ અહીં રમાઈ ચૂકી છે, પરંતુ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટેનાં મેદાનોની સંખ્યા ઓછી છે એવામાં પેશાવરનું આ સ્ટેડિયમ અજ્ઞાત સ્ટેડિયમોમાં ગણાય છે.
આ બધા સ્ટેડિયમોની યાદીમાં ઝિમ્બાબ્વેના ઍથ્લેટિક્સ ક્લબ ગ્રાઉન્ડ, શ્રીલંકાના રાનગિરી દામ્બુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ, બાંગ્લાદેશના ફતુલ્લાહ ઉસ્માની સ્ટેડિયમ, ગયાનાના પ્રૉવિડેન્સ સ્ટેડિયમ, રૉસેલૂ ડૉમિનિકાના ખૂબ જ સુંદર વિન્ડસર પાર્ક સ્ટેડિયમનો તેમ જ ન્યૂ ઝીલૅન્ડના બૅસિન રિઝર્વ અને સાઉથ આફ્રિકાના મૅંગૉગ ઓવલનો પણ સમાવેશ કરી શકાય. આ એ સ્ટેડિયમો છે જેમાં એક સમયે ક્રિકેટપ્રેમીઓની બૂમો અને ચીસોથી વાતાવરણ જીવંત રહેતું હતું.
ક્રિકેટનું સ્ટેડિયમ માત્ર પિચ, પૅવિલિયન કે પ્રેક્ષકોના સ્ટૅન્ડ સુધી સીમિત નથી હોતું. સ્ટેડિયમો જે તે દેશની ક્રિકેટ-સ્મૃતિના હિસ્સેદાર હોય છે. અહીં વિવિધ અને અનોખા વિક્રમો રચાયા હોય છે, દિગ્ગજ ખેલાડીઓ પધાર્યા હોય છે અને રોમાંચક મૅચો રમ્યા હોય છે અને તેમના શૉટ પર હજારો ચીસો અને બૂમો પડી હોય છે. જોકે અમુક સ્ટેડિયમો કમનસીબ હોય છે. આ સ્ટેડિયમો ધીરે-ધીરે ક્રિકેટના નકશામાંથી કોઈને કોઈ કારણસર ગાયબ થઈ જતા હોય છે. અન્ય દેશોના લોકોની વાત જવા દો, પોતાના દેશના (ખાસ કરીને નવી પેઢીના ક્રિકેટપ્રેમીઓ) એક દિવસ પૂછી બેસે છે કે `અરે! અહીં પણ આંતરરાષ્ટ્રીય મૅચ રમાઈ હતી?'