Sun Sep 06 2026

Logo

ગીરના જંગલમાં ગેરકાયદે 'સિંહ દર્શનનું રેકેટ' ઝડપાયું: 7 લોકો સામે કડક કાર્યવાહી

2026-06-18 19:06:24
Author: Devayat Khatana
ગીરના જંગલમાં ગેરકાયદે 'સિંહ દર્શનનું રેકેટ' ઝડપાયું: 7 લોકો સામે કડક કાર્યવાહી

(અમાર પ્રતિનિધિ તરફથી)
પ્રભાસ પાટણ (વેરાવળ): ગેરકાયદે સિંહ દર્શન કરાવતા એક મોટા રેકેટનો વન વિભાગે પર્દાફાશ કર્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ખાસ ઓપરેશન દરમિયાન આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ 7 શખસ સામે કડક કાર્યવાહી કરી હતી. 

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, માંડોરના રહેવાસી અલ્ફાઝ મલેક નામના શખસે પોતાના ફાર્મહાઉસ પર આ ગેરકાયદે સિંહ દર્શનની વ્યવસ્થા ગોઠવી આપી હતી. મોરબીથી ઘેલુ નાથાભાઈ કુંભરવડીયા પોતાના ત્રણ મિત્ર સાથે અહીં આવ્યા હતા, જ્યાં આ ગ્રુપે પહેલાં પ્રાઇવેટ પાર્ટી કરી હતી અને ત્યાર બાદ રાતના અંધારામાં સિંહોનું લોકેશન ટ્રેક કરવા માટે તેઓ પ્રતિબંધિત વન વિસ્તારમાં ઘૂસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

વન વિભાગના કર્મચારીઓ જ્યારે રાત્રિ દરમિયાન નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે આ સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક શખસોની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. વન વિભાગની ટીમને પોતાની તરફ આવતી જોઈને આરોપીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ પોતાની ગાડી જંગલની સરહદમાં જ મૂકીને ત્યાંથી પગપાળા ભાગી છૂટ્યા હતા.

વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભાગી છૂટેલા તમામ 7  આરોપીઓને દબોચી લીધા હતા. નિયમોના ભંગ બદલ વન વિભાગ દ્વારા આ તમામ આરોપીઓ પર કુલ 4 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જંગલમાંથી જપ્ત કરાયેલી ગાડીની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને ત્યાર બાદ વન વિભાગે આ વાહન અને મોરબીના બે મુખ્ય આરોપીઓનો કબજો આગળની કાર્યવાહી માટે સિવિલ પોલીસને સોંપ્યો હતો. 

પ્રભાસ પાટણ પોલીસે આ મામલે ગુનો નોંધી પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વન વિભાગ અને પોલીસની આ સંયુક્ત અને ઝડપી કાર્યવાહીના કારણે સ્થાનિક સ્તરે ગુપ્ત રીતે આવી કમર્શિયલ સફારી કે ગેરકાયદે શો ગોઠવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.