Sun Jul 19 2026

Logo

ફિફા કરશે 84 અબજ રૂપિયાના ઇનામની વર્ષાઃ ચૅમ્પિયન ટીમને મળશે આટલી તોતિંગ રકમ અને હીરાજડિત વીંટી

New York City   2026-07-18 22:43:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્કઃ 23મા ફિફા વર્લ્ડ કપમાં કુલ ઇનામીરકમમાં (2022ની તુલનામાં) 65 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને રવિવારે આર્જેન્ટિના-સ્પેન વચ્ચેની ફાઇનલ બાદ ઇનામોની વર્ષા કરવામાં આવશે. ફિફા દ્વારા કુલ 871 મિલ્યન ડૉલર (અંદાજે 84 અબજ રૂપિયા)ના ઇનામ આપવામાં આવશે.

ફાઇનલમાં વિજય મેળવીને વર્લ્ડ ચૅમ્પિયન બનનારી ટીમને કુલ 50 મિલ્યન ડૉલર (481.42 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળશે. રનર-અપ ટીમને કુલ 33 મિલ્યન ડૉલર (317.74 કરોડ રૂપિયા) આપવામાં આવશે.

આ ઉપરાંત ત્રીજા નંબરની ટીમને, ચોથા નંબરની ટીમને તેમ જ ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા બાદ પાંચમાથી આઠમા નંબર વચ્ચે રહેનારી ટીમને, નવથી 16 નંબર વચ્ચે રહેનારી, 17થી 32 નંબર વચ્ચે રહેનારી તેમ જ 33થી 48મા નંબર વચ્ચે રહેનારી ટીમને પણ નાના-મોટા ઇનામ આપવામાં આવશે.

અમેરિકાની ખેલકૂદની પરંપરાને અનુસરીને ફિફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમમાં કુલ 30 હીરાજડિત વીંટી `ચૅમ્પિયનશિપ રિંગ' વહેંચવામાં આવશે. ફિફા વર્લ્ડ કપમાં આવું પહેલી જ વખત બની રહ્યું છે.

વિજેતા ટીમમાં (ખેલાડીઓ, કોચ અને અન્ય અધિકારીઓ સહિત 30 જણમાં) વહેંચવા માટે 30 રિંગ અલગ રાખવામાં આવી છે. 1,996 રિંગ જાહેર જનતા માટે રાખવામાં આવશે જે જનતાને ઑફિશ્યલ લાઇસન્સ કલેક્ટિબલ્સ તરીકે અપાશે.