Mon Sep 07 2026

Logo

આ બીજો યજમાન દેશ પણ ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટમાં: આ દેશ ટૂર્નામેન્ટમાંથી આઉટ

Mexico   2026-06-20 12:35:00
Author: Ajay Motiwala
આ બીજો યજમાન દેશ પણ ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટમાં: આ દેશ ટૂર્નામેન્ટમાંથી આઉટ

સીઍટલ: મેક્સિકો પછી હવે બીજો યજમાન દેશ અમેરિકા (USA) પણ ફિફા વર્લ્ડ કપ-2026ના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયો છે.

અમેરિકાએ શુક્રવારે ઑસ્ટ્રેલિયાને 2-0થી હરાવીને ગ્રૂપ-ડીમાં 6 પોઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ જ ગ્રૂપમાં તુર્કી (TURKEY)ની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે.

અમેરિકાનો અનોખો વિક્રમ

બે દિવસ પહેલાં ગ્રૂપ-એમાંથી યજમાન દેશ મેક્સિકો આ વખતે નૉકઆઉટમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. અમેરિકા પોતાના ગ્રૂપમાં એક લીગ મૅચ રમવાની બાકી હોય ત્યારે નૉકઆઉટમાં પહોંચ્યું હોય એવું પહેલી વખત બન્યું છે.

ઑસ્ટ્રેલિયાના કૅમેરન બર્ગેસથી એક ઑન ગોલ થઈ જતાં અમેરિકાએ 1-0થી સરસાઈ લીધી હતી. ત્યાર પછી 43મી મિનિટમાં ઍલેક્સ ફ્રીમૅને ગોલ કરીને અમેરિકાની સરસાઈ વધારીને 2-0 કરી હતી. સેકન્ડ હાફમાં બેમાંથી કોઈ પણ ટીમ ગોલ નહોતી કરી શકીએ. અમેરિકાના ડિફેન્ડરોએ અને ગોલકિપર એમ. ફ્રીસે સંરક્ષણ દીવાલ મજબૂત બનાવી રાખી હતી જેને લીધે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ એક ગોલ પણ નહોતા કરી શક્યા.

બ્રાઝિલે હૈતીને 3-0થી હરાવ્યું

ગ્રૂપ-સીમાં બ્રાઝિલનો હૈતી સામે 3-0થી વિજય થયો હતો. મૅથ્યૂઝ કુન્હાએ 23મી અને 36 મિનિટમાં ઉપરાઉપરી બે ગોલ કરીને બ્રાઝિલને 2-0થી સરસાઈ અપાવી હતી. ફર્સ્ટ હાફના છેવટના ભાગમાં વિનિસિયસ જુનિયરે ગોલ કરતા બ્રાઝિલની સરસાઈ 3-0ની થઈ હતી. ત્યાર બાદ સેકન્ડ હાફમાં હૈતીની ડિફેન્સ મજબૂત થઈ ગઈ હતી એટલે બ્રાઝિલ વધુ ગોલ નહોતું કરી શક્યું, પરંતુ હૈતીને પણ એકેય ગોલ નહોતો કરવા મળ્યો.

અન્ય બે મૅચમાં શું બન્યું?

ગ્રૂપ-સીમાં મોરોક્કો સામે 0-1થી હારી જવાને લીધે સ્કૉટલૅન્ડનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે. ગ્રૂપ-ડીમાં પારાગ્વે સામે તુર્કી 0-1થી હારી જતાં તુર્કીની ટીમ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ છે.