મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ પોતાની રાજ્યવ્યાપી ઝુંબેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી ઉદ્યોગ સાથે સંકળાયેલા યુનિટની તપાસની ઝુંબેશ આદરી હતી અને બ્લિન્કિટ, ઝેપ્ટો અને ઈન્સ્ટામાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા 86 યુનિટની તપાસ કર્યા બાદ સલામતી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 14 યુનિટના લાઈસન્સ સસ્પેન્ડ કરી નાખતાં આગામી થોડા દિવસ આ પ્લેટફોર્મથી ખાદ્ય પદાર્થ મંગાવનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
એફડીએએ તપાસ દરમિયાન 60 યુનિટને સુધારણા માટેની નોટિસ ફટકારી હતી, જ્યારે એક સ્થળે બિઝનેસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા 14 લાઇસન્સમાં બ્લિંકિટના પાંચ, ઝેપ્ટોના પાંચ અને ઈન્સ્ટામાર્ટ સાથે સંકળાયેલા બે યુનિટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભગવતી સ્ટોર્સ અને સ્વિન્સ્ટા એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા એક-એક લાઇસન્સ પણ સસ્પેન્ડ કરાયા છે. તપાસમાં સ્ટોરેજ, તાપમાન નિયંત્રણ, સ્વચ્છતા, પેસ્ટ કંટ્રોલ, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતા, ફિફો-ફેફો (વહેલું તે પહેલું- વહેલા એક્સપાયર્ડને પહેલું આપવાનું) પદ્ધતિ, ફૂડ સેફ્ટી રેકોર્ડ્સ અને લાઇસન્સ ડિસ્પ્લે જેવા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી.
પુણેના લોહેગાંવ વિસ્તારમાં ઝેપ્ટોના યુનિટમાં કેટલાક ખાદ્યપદાર્થો તેમની નિર્ધારિત ‘યૂઝ બાય’ (આ સમય પહેલાં વાપરી નાખવું) તારીખ બાદ પણ રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અહીં ફિફો-ફેફો પદ્ધતિનું પાલન ન થવું, અસ્વચ્છ સ્ટોરેજ, અપૂરતું પેસ્ટ કંટ્રોલ અને ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતામાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. પુણેના વાર્જે જકાત નાકા ખાતે સ્વિન્સ્ટા એન્ટરપ્રાઇઝિસના એકમમાં કોકરોચનો ઉપદ્રવ, ફ્રોઝન ફૂડ માટે કોલ્ડ ચેઇન જાળવવામાં ખામી, તાપમાન નિયંત્રણની સમસ્યા અને સ્વચ્છતા સંબંધિત ગંભીર બેદરકારી મળી હતી.
મુંબઈના મલાડ પશ્ચિમમાં બ્લિંકિટના યુનિટમાં ચિલર રૂમનું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે જરૂરી મર્યાદા કરતાં વધારે હતું. લગભગ 40 ફૂડ હેન્ડલર્સની મેડિકલ તપાસ ન થઈ હોવાનું અને તેના રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું. કેટલાક કર્મચારીઓ હેડગિયર, એપ્રન અને ગ્લોવ્સ વગર કામ કરતા હતા. ઘાટકોપરના બ્લિંકિટ યુનિટમાં ડ્રેનેજ અને કચરા નિકાલની અપૂરતી વ્યવસ્થા, ફ્રોઝન ફૂડના તાપમાન નિયંત્રણમાં ખામી, અસુરક્ષિત લાઇટિંગ અને ખરાબ હાઉસકીપિંગ જોવા મળ્યું. આ યુનિટને 74માંથી 34 એટલે કે 46 ટકા સ્કોર મળ્યો હતો અને તેને નોન-કમ્પ્લાયન્ટ જાહેર કરાયો.
મુલુંડના ઝેપ્ટો યુનિટમાં કચરા નિકાલ, તાપમાન નિયંત્રણ, લાઇટિંગ અને અલગ સ્ટોરેજની વ્યવસ્થામાં ખામીઓ ઉપરાંત સ્વચ્છતાની સમસ્યા અને એફએસએસએઆઇ લાઈસન્સ યોગ્ય રીતે ડિસ્પ્લે ન કરાયું હોવાનું જાણવા મળ્યું. એકમને 180માંથી 81 એટલે કે 45 ટકા સ્કોર મળ્યો હતો. ગોરેગાંવના ઝેપ્ટોના ગોલા યુનિટની પુનઃતપાસમાં તાપમાન નિયંત્રણ, લાઇટિંગ, ફૂડ સ્ટોરેજ, વ્યક્તિગત સ્વચ્છતા અને ક્લીનલિનેસમાં ખામીઓ જોવા મળી હતી. 142માંથી 98 એટલે કે 70 ટકા સ્કોર છતાં તેને નોન-કમ્પ્લાયન્ટ ગણવામાં આવ્યું.
અંધેરીના ઈન્સ્ટામાર્ટ યુનિટમાં કેટલાક ફૂડ પેકેટ સીધા જમીન પર રાખવામાં આવ્યા હતા. અપૂરતી સ્ટોરેજ જગ્યા, ફૂડ અને પેકેજિંગ સામગ્રીની ભીડ, તાપમાન નિયંત્રણની ખામીઓ તથા લાઇટિંગ, સ્વચ્છતા અને વ્યક્તિગત હાઇજીનમાં બેદરકારી સામે આવી હતી. આ યુનિટને 140માંથી 76 એટલે કે 55 ટકા સ્કોર મળ્યો હતો. એફડીએની તપાસમાં સ્ટોરેજ અને ફૂડ હેન્ડલિંગની સાથે ડિલિવરી વ્યવસ્થાને પણ આવરી લેવામાં આવી હતી.
સતારા જિલ્લાના કરાડમાં બ્લિંકિટના યુનિટ સાથે જોડાયેલા 125 ટુ-વ્હીલર ડિલિવરી રાઇડર્સની તપાસમાં ઓળખકાર્ડ અને મેડિકલ ફિટનેસ રેકોર્ડ ન હોવાનું જાણવા મળ્યું હતું. ડિલિવરી કાર્ટ, બેગ અથવા બોક્સ પર મુખ્ય ફૂડ બિઝનેસનું એફએસએસએઆઇ લાઈસન્સ પણ દર્શાવવામાં આવ્યું ન હતું. ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી ટુ-વ્હીલર ડિલિવરી સંબંધિત કામગીરી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એફડીએએ જણાવ્યું કે સમગ્ર કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 તથા તેના હેઠળના નિયમો મુજબ કરવામાં આવી છે અને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ખાદ્યપદાર્થો વેચતા તમામ ફૂડ બિઝનેસને સલામતી, સ્વચ્છતા અને યોગ્ય સ્ટોરેજના ધોરણોનું કડક પાલન કરવા સૂચના આપી છે.