સારંગપ્રીત
ગત અંકમાં મનની માન્યતાઓને મૂકીને શરણાગતિ સ્વીકારવાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ જ્ઞાનને જીવનમાં ઠરવા માટે બે અગત્યનાં પરિબળોની વાત કરે છે.
જ્ઞાન કોઈ દુકાનમાં મળતી વસ્તુ નથી કે પૈસા આપ્યા અને લઈ આવ્યા. જ્ઞાન તો ચેતનાનો પ્રકાશ છે. આ પ્રકાશ દરેક માણસને મળતો નથી. તેના માટે સાચું પાત્ર બનવું પડે. તેમાં જ આ જ્ઞાન ઠરી શકે છે. આ જ્ઞાનને ઠરવા માટે ગીતા બે પરિબળો બતાવે છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા હોય અને જેમાં ઈર્ષ્યાનો ઝેર ન હોય, એ જ વ્યક્તિ જ્ઞાનનું સાચું પાત્ર બને છે.
શ્રદ્ધા એટલે જીવનની સૌથી મોટી શક્તિ. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શંકા લાંબા સમય સુધી ટકી શકતી નથી. શ્રદ્ધાવાન માણસ શીખવા માટે ધીરજ રાખી શકે છે. તે જાણે છે કે સત્ય મોટું છે અને હું હજુ શીખવાનો છું. આ શીખવાની તૈયારી જ જ્ઞાનનાં દ્વાર ખોલે છે. અસ્થિર માણસ તરત રસ્તો બદલે છે, પરંતુ શ્રદ્ધાવાળો માણસ ટકે છે, અને લાંબા સમય સુધી ટકે તેને જ જ્ઞાન મળે છે.
ગીતામાં એક અદ્ભુત વાત કહેવામાં આવી છે ચ અર્થ ખૂબ સ્પષ્ટ છે: જ્ઞાન તેને મળે છે જેને શ્રદ્ધા છે. માત્ર બુદ્ધિ પૂરતી નથી. બુદ્ધિ ઘણીવાર તર્કમાં અટકી જાય છે, જ્યારે શ્રદ્ધા માણસને અનુભૂતિ સુધી લઈ જાય છે.
ચાલો, કોઈમાં શ્રદ્ધા હોય પરંતુ જ્ઞાનના માર્ગમાં બીજી એક મોટી અડચણ છે, ઈર્ષ્યા. ઈર્ષ્યા એ મનનો અંધકાર છે. જ્યાં ઈર્ષ્યા હોય ત્યાં શાંતિ રહેતી નથી. ઈર્ષાળુ માણસ બીજાના ગુણ જોઈ શકતો નથી. તે બીજાના પ્રકાશને જોઈને પોતે બળે છે.
ઈર્ષ્યા માણસને અંદરથી હીન બનાવી દે છે. તે બીજાની સિદ્ધિ જોઈને પ્રેરિત થતો નથી, પરંતુ અસ્વસ્થ થઈ જાય છે. આ અસ્વસ્થ મન જ્ઞાન ગ્રહણ કરી શકતું નથી. જ્ઞાન માટે મન નિર્મળ હોવું જોઈએ. જેમ સ્વચ્છ કાચમાં પ્રકાશ સ્પષ્ટ દેખાય છે, તેમ નિર્મળ મનમાં જ જ્ઞાનનો પ્રકાશ ઉતરે છે.
મહાન સંતો અને જ્ઞાનીઓના જીવનમાં એક વાત સામાન્ય જોવા મળે છે, તેઓ ઈર્ષ્યા રહિત હતા. તેઓ બીજાના ગુણ જોઈને આનંદ અનુભવતા. તેથી તેઓ સતત વિકસતા રહ્યા. જે માણસ બીજાના ગુણમાં આનંદ અનુભવે છે, તે જ સાચો શિષ્ય બની શકે છે અને જ્ઞાનને આત્મસાત કરી શકે છે.
વિચાર કરો, જો કોઈ માણસ બીજાના જ્ઞાનને જોઈને જ ઈર્ષ્યા કરે, તો તે શીખશે કેવી રીતે? જે માણસ બીજાને હરાવવાની ચિંતા કરે છે, તે ક્યારેય પોતાને સુધારવાની ચિંતા કરતો નથી. જ્ઞાનનો માર્ગ સ્પર્ધાનો નથી, વિકાસનો છે. જીવનમાં સાચા જ્ઞાની બનવું હોય તો બે જ કામ કરવા પડે, હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવવો અને ઈર્ષ્યાનો અંધકાર દૂર કરવો.
જ્યાં શ્રદ્ધા દીવો બનીને પ્રગટે છે ત્યાં વ્યગ્રતા અને ચંચળતા ઓગળી જાય છે. અને જ્યાં ઈર્ષ્યા દૂર થાય છે ત્યાં મન વિશાળ અને મુક્ત બની જાય છે. મોટું હૃદય જ જ્ઞાનને ધારણ કરી શકે. નાનું હૃદય માત્ર માહિતી જ ભેગી કરે છે. માહિતી મગજમાં રહે છે, પરંતુ જ્ઞાન હૃદયમાં ઉતરે છે. અને હૃદય ત્યાં જ ખૂલે છે જ્યાં શ્રદ્ધા હોય અને ઈર્ષ્યા ન હોય.
પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જ્ઞાન માટે મોટી ડિગ્રીની જરૂરી નથી, મોટી બુદ્ધિ પણ જરૂરી નથી. જરૂરી છે, નમ્રતા, શ્રદ્ધા અને નિર્મળતા.
જે માણસ બીજાના ગુણ જોઈને આનંદ અનુભવે છે, જે વિનમ્રતાથી શીખવા તૈયાર રહે છે અને જેના મનમાં શ્રદ્ધા જીવંત છે, એ માણસ જ્ઞાનના માર્ગ પર ઝડપથી આગળ વધે છે. કારણ કે જ્ઞાનને ગર્વ નથી ગમતો, પરંતુ શ્રદ્ધા ખૂબ ગમે છે. વળી, જ્ઞાનને ઈર્ષ્યાનો ધુમાડો ગમતો નથી, તેને નિર્મળ હૃદયનું આકાશ ગમે છે.
મહંત સ્વામી મહારાજ પણ કહે છે કે શ્રદ્ધાનો સાથ હોય અને ઈર્ષ્યાનો ત્યાગ હોય, ત્યારે જ હૃદય જ્ઞાન માટે ખુલ્લું બને છે. ઈર્ષ્યા છોડતાં જ મન હળવું થઈ જાય છે, અને શ્રદ્ધા આવતાં જ જીવન પ્રભુમાં વિશ્વાસ રાખી આગળ વધવા લાગે છે. વળી, શ્રદ્ધા ધૈર્યને જન્મ આપે છે અને ઈર્ષ્યાનો ત્યાગ મનને શુદ્ધ અને પવિત્ર રાખે છે. આ ધૈર્ય જ્ઞાન શીખવા માટે લાંબા સમય સુધી સાથ નિભાવે છે, અને મનની પવિત્રતા દરેક જ્ઞાનને સંગ્રહી રાખે છે.
આમ, શ્રદ્ધા સહિત અને ઈર્ષ્યા રહિત વ્યક્તિ જ જ્ઞાન માટે સાચું અને યોગ્ય પાત્ર બને છે.