Wed Jun 17 2026

Logo

ઈથેનોલ ઉદ્યોગ વધુ  પુરવઠો ફાળવવા સજ્જ, 20 ટકા કરતાં વધુ ભેળવણીથી તેલનું આયાત બીલ ઘટી શકેઃ એઆઈડીએ

2026-03-23 19:53:38
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ મધ્યપૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને કારણે ક્રૂડતેલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ઑલ ઈન્ડિયા ડિસ્ટિલિયરીઝ એસોસિયેશન (એઆઈડીએ)એ ઈથેનોલનો વધુ પુરવઠો પૂરો પાડવાની તૈયારી દાખવીને 20 ટકા વધુ બ્લેન્ડિગ અથવા તો ભેળવણી કરીને આંશિકપણે ક્રૂડતેલની આયાત નિર્ભરતા ઘટાડી શકાય એમ જણાવ્યું છે. 

એસોસિયેશને દેશના કેન્દ્રિય માર્ગ પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીને લખેલા પત્રમાં એસોસિયેશનના ડિરેક્ટર જનરલ ભારતી બાલાજીએ જણાવ્યું હતું કે ઈથેનોલ ઉદ્યોગે ઈ-20 ભેળવણીનો લક્ષ્યાંક સર કરી લીધો છે અને હવે ઈ-20 કરતાં વધુ ભેળવણી માટે સજ્જ છે. 
હાલમાં મધ્યપૂર્વ યુદ્ધમાં ફસડાઈ ગયું છે અને ક્રૂડતેલના ભાવ વધવા લાગ્યા છે ત્યારે ઈથેનોલ ઉદ્યોગ 20 ટકા કરતાં વધુ ઈથેનોલનો પુરવઠો પૂરો પાડવા તૈયાર છે જેના થકી ક્રૂડતેલની આયાતમાં આંશિકપણે ઘટાડો થશે, પુરવઠો ખોરવાવાની ચિંતા થોડી હળવી થશે અને અર્થતંત્ર પર માઠી અસર પણ હળવી થશે, એમ તેણીએ ઉમેર્યું હતું. 

ક્રૂડતેલના આયાત બીલ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025 સુધીમાં ઈ-20 ઈથેનોલ બ્લેન્ડિંગ (ઈથેનોલ ભેળવણી)નો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઉદ્યોગે આ લક્ષ્યાંક તે પૂર્વે જ હાંસલ કરી લીધો છે. એસોસિયેશને ભેળવણીનો લક્ષ્યાંક ધીમે ધીમે વધારીને 20થી 30 ટકા કરવાની માગણી કરી છે. આ ઉપરાંત એસોસિયેશને બ્રાઝીલની જેમ 100 ટકા ઈથેનોલ આધારિત ચાલતા ફ્લેક્સ ફ્યુઅલ વાહનો શરૂ કરવા, ઘરગથ્થુ અને વેપારી ધોરણે ઈથેનોલ આધારિત સ્ટવનો વપરાશ કરવાની દિશામાં આગળ વધવા અને ભાવને નિયંત્રણમાં રાખવા ડીઝલમાં ઈથેનોલના વપરાશનું સંશોધન કરવાની માગણી કરી છે. 

એસોસિયેશને જણાવ્યું હતું કે રસોઈમાં ઈથેનોલ આધારિત સોલ્યુશનથી ખાસ કરીને ઉપનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં ક્લિન એનર્જીનો વિકલ્પ મળશે. તેમ જ રાષ્ટ્રીય સ્તરે ક્લિન એનર્જીને અગ્રતાક્રમ મળશે અને ઘરમાં થતા પ્રદૂષણમાં ઘટાડો થશે. 

ભારતમાં ઈથેનોલની કુલ ઉત્પાદન ક્ષમતા હવે લગભગ 2000 કરોડ લિટર છે, જેમાં 380થી વધુ સમર્પિત ડિસ્ટિલિયરી કાર્યરત છે અને 33 વધુ પાઈપલાઈન હેઠળ છે. ટાટા ઑટોકોમ્પ સાથેનું સંયુક્ત સાહસ અમારા ગ્રાહકોને કાર્યક્ષમ, અત્યાધુનિક ઈ-મોબોલિટી સોલ્યુશન્સ પહોંચાડીને આ ટેક્નોલૉજી અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે રચાયેલ છે, એમ ભારતનાં બૉશ જૂથનાં પ્રમુખ અને બૉશ લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર ગુરુપ્રસાદ મુદલાપુરે જણાવ્યું હતું.