Thu Jul 23 2026

Logo

કલ્યાણના દુર્ગાડી કિલ્લા પર હિન્દુ શ્રદ્ધાળુઓને પ્રવેશબંધીથી ભડકો

2026-05-28 17:37:00
Author: Yogesh C. Patel
Article Image

કાયદો-સુવ્યવસ્થા જાળવવા બકરીઈદને દિવસે હિન્દુઓને મંદિરમાં જતાં રોકાયા: શિવસૈનિકો-ભાજપના કાર્યકરોએ હંગામો મચાવતાં પરિસરમાં તણાવ

થાણે: કલ્યાણના ઐતિહાસિક દુર્ગાડી કિલ્લા પર વર્ષોથી ચાલતા વિવાદને લઈ ગુરુવારે ફરી ભડકો થયો હતો. બકરીઈદ હોવાથી હિન્દુ શ્રદ્ધાળુઓને કિલા પર જવાની મનાઈ ફમાવાતાં શિવસૈનિકો અને ભાજપના કાર્યકરોએ આંદોલન કરી ભારે હંગામો મચાવ્યો હતો. રસ્તા પર જ આરતી અને સૂત્રોચ્ચારને પગલે આખા પરિસરમાં તણાવ ફેલાયો હતો. સુરક્ષાના કારણોસર પોલીસ અને એસઆરપીએફના જવાનોને તહેનાત કરી દેવાયા હતા.

બકરીઈદ હોવાથી ગુરુવારે હિન્દુ શ્રદ્ધાળુઓને દુર્ગાડી કિલ્લા પરના મંદિરમાં જવાની મનાઈ ફરમાવતો આદેશ પ્રશાસને આપ્યો હતો. કાયદો-સુવ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પ્રશાસને આવો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે, પરંતુ ગુરુવાર સવારથી જ શિવસેનાના કાર્યકરોએ આ આદેશનો વિરોધ કરી આક્રમક વલણ અપનાવ્યું હતું.

દુર્ગાડી કિલ્લાની ટોચે દુર્ગા દેવીનું મંદિર છે, જ્યારે ડુંગરની તળેટીમાં ઈદગાહ છે. હિન્દુ સંઘટનાનો દાવો છે કે આ મૂળ દુર્ગા દેવીનું સ્થાન છે તો મુસ્લિમ સમાજ પણ ઈદગાહનો દાવો કરે છે. છેલ્લાં અનેક વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો હતો અને અત્યારે આ મામલો કોર્ટમાં છે. કોર્ટનો અંતિમ ચુકાદો પેન્ડિંગ હોવાથી પ્રશાસન દ્વારા કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવે છે.

આ વર્ષે તો વળી શિવસેનાના શિંદે જૂથ અને ઠાકરે જૂથ સાથે ભાજપના કાર્યકરો પણ આંદોલનમાં સામેલ થતાં રાજકીય વાતાવરણ વધુ ગરમાયું હતું. બુધવાર રાતથી જ પોલીસે કિલ્લા ફરતે કડક સુરક્ષાવ્યવસ્થા ખડકી દીધી હતી. આ માટે બૅરિકેડ્સ પણ ગોઠવી દેવામાં આવી હતી.

સવારથી રાજકીય પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થવા લાગ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા હતા. રસ્તા પર જ આરતી કરીને પ્રશાસનના આદેશનો વિરોધ કર્યો હતો. કાર્યકરોેએ બૅરિકેડ્સ કુદાવી કિલ્લામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે પોલીસે અનેક લોકોને તાબામાં લીધા હતા. આ આંદોલનને કારણે આસપાસના પરિસરમાં તંગદિલી હોવાથી વધારાની પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ના જવાનોની ચાંપતી નજર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.