Tue Jan 27 2026

Logo

White Logo

26મી જાન્યુઆરીએ બોર્ડર ટુએ નહીં પણ રણવીર સિંહની ફિલ્મ ધુરંધરે રચ્યો ઈતિહાસ, બનાવ્યો ખાસ રેકોર્ડ...

11 hours ago
Author: Darshana Visaria
Video

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે હાલમાં ગોલ્ડન એરા ચાલી રહ્યો છે, એવું કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. એક બાજું સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે, તો બીજી બાજું રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'એ પણ બોર્ડર ટુને કાંટે કી ટક્કર તો આપી જ છે. ગઈકાલે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ બોર્ડર ટુએ નહીં પણ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધરે એ સિદ્ધિ હાંસિલ કરી છે કે જે કોઈ ઈન્ડિયન ફિલ્મ કરી શકી નથી. ચાલો જોઈએ એવું તે કયો વિક્રમ રચ્યો છે કે ફિલ્મ ધુરંધરે કે બોર્ડર ટુ નથી કરી શકી... 

અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બોર્ડર-ટુ 23મી જાન્યુઆરીના થિયેટર્સમાં રીલિઝ થઈ અને 1997ની આઈકોનિક ફિલ્મ બોર્ડરની સિક્વલે દર્શકોને ફરી એકવાર દેશભક્તિના રંગમાં રંગી દીધા છે. ફિલ્મની શરૂઆત અત્યંત શાનદાર રહી છે. રિલીઝ થયાના માત્ર 4 દિવસમાં ભારતમાં આ ફિલ્મે રૂપિયા 177 કરોડ કરતાં વધુનું કલેક્શન બોક્સ ઓફિસ પર કર્યું છે. જ્યારે વર્લ્ડ વાઈડ કલેક્શન રૂપિયા 239.2 કરોડને પાર કરી ગયું છે. પરંતુ બોક્સ ઓફિસ પર બોર્ડર ટુની આંધી વચ્ચે ધીમે પગલે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધરે એક અનોખો વિક્રમ સર્જી દીધો છે. 

જ્યારે બોક્સ ઓફિસ અને સોશિયલ મીડિયા પર ફિલ્મ બોર્ડર-ટુનો ક્રેઝ એકદમ ચરમસીમા પર છે, ત્યારે આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના એક અકલ્પનીય અને ના માની શકાય એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રણવીર સિંહ અને અક્ષય ખન્ના અભિનીત આ ફિલ્મે રિલીઝના 53મા દિવસે પણ પોતાની રફ્તાર જાળવી રાખતા ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક અનોખો વિક્રમ રચ્યો છે. 

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફિલ્મ ધુરંધર ભારતની એવી પહેલી સિંગલ ભાષાની ફિલ્મ બની ગઈ છે કે જેણે ઈન્ડિયા ગ્રોસ કલેક્શનમાં 1000 કરોડનો આંકડો પાર કર્યો હોય. આ પહેલાં 'બાહુબલી 2', 'કેજીએફ ચેપ્ટર ટુ' અને 'પુષ્પા ટુ' જેવી ફિલ્મોએ આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ આ તમામ ફિલ્મો હિન્દી, તમિલ, તેલુગુ જેવી વિવિધ ભાષાઓમાં ડબ થઈને કમાણી કરી હતી. જ્યારે વાત કરીએ ફિલ્મ ધુરંધરની તો આ ફિલ્મે માત્ર પોતાની મૂળ ભાષાના દમ પર આ ઈતિહાસ રચ્યો છે

બોર્ડર ટુની વાત કરીએ તો બોર્ડર ટુએ 26મી જાન્યુઆરીના રોજ ફિલ્મે તેની અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ ડે કમાણી કરી હતી. સોમવારે ફિલ્મે અંદાજે 59 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી જેવા કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે, જેને દર્શકો અને ક્રિટીક્સ બંને ખૂબ વખાણી રહ્યા છે.