Wed Jun 10 2026

Logo

ઓપરેશન બ્લુ સ્ટાર ટિપ્પણી પરનો વિવાદ:  ફડણવીસે મહાજનનો બચાવ કર્યો, ‘શીખ વિરોધી રમખાણો એક હકીકત’

2026-06-10 18:56:12
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજ્યના પ્રધાન ગિરીશ મહાજનનો બચાવ કરતાં તેમની ‘ઓપરેશન બ્લુ સ્ટાર એક કાળો દિવસ’ની ટિપ્પણીના વિવાદ અંગે કહ્યું હતું કે તેમની ટિપ્પણીને ‘કોંગ્રેસના નેતૃત્વ હેઠળ’ 1984ના શીખ વિરોધી રમખાણોના સંદર્ભમાં સંપૂર્ણ રીતે જોવી જોઈએ.મહાજને ઓપરેશન બ્લુ સ્ટારને ‘કાળો દિવસ’ ગણાવીને 1984ની સૈન્ય કાર્યવાહીને અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલી દ્વારા કરવામાં આવેલા આક્રમણ સાથે સરખાવીને રાજકીય વિવાદ ઊભો કર્યો હતો, જેના કારણે વિપક્ષોએ તેમને બરતરફ કરવાની માગણી કરી હતી. 

વિપક્ષે મહાજન પર આતંકવાદીઓના ‘મહિમામંડન’નો અને સશસ્ત્ર દળોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પક્ષના નેતૃત્વ હેઠળ દિલ્હી, પંજાબ અને સમગ્ર ભારતમાં શીખોનો નરસંહાર એક ઐતિહાસિક હકીકત છે. આ સત્યને કોઈ ભૂલી શકે નહીં, એમ ફડણવીસે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું.મહાજનના ભાષણની ટીકાનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું હતું કે, ‘જો તમે મહાજનના સમગ્ર નિવેદન પર નજર નાખો, તો આવો પ્રશ્ર્ન ઉદ્ભવશે નહીં. ગિરીશ મહાજન પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે.’

ગયા શનિવારે અમૃતસરમાં દમદમી તક્સાલ મુખ્યાલયમાં ઓપરેશન બ્લુ સ્ટાર વર્ષગાંઠ સમારોહમાં હાજરી આપનારા મહાજન કોઈપણ રાજ્ય સરકારના પ્રથમ પ્રતિનિધિ બન્યા.

ફડણવીસે જણાવ્યું હતું કે ગુરુ તેગ બહાદુરની 300મી શહીદ જયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણી દરમિયાન આમંત્રણ મળ્યા બાદ મહાજન પંજાબ ગયા હતા.‘આખો દેશ ગુરુ તેગ બહાદુરજીની 300મી શહીદ જયંતીની ઉજવણી કરી રહ્યો હતો. મહારાષ્ટ્રે આ પ્રસંગે મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, અને મહારાષ્ટ્રમાં કેટલાક મોટા કાર્યક્રમો યોજાતા હોવાથી, પંજાબથી ગિરીશ મહાજનને આમંત્રણ મળ્યું હતું.‘તેઓ મહારાષ્ટ્ર સરકારનું સન્માન કરવા માગતા હતા અને તેથી તેઓ ત્યાં ગયા હતા. તેમણે ત્યાં શ્રદ્ધાંજલિ આપી હતી,’ એમ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું. 

 

મહાજનના ભાષણનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું હતું કે પ્રધાને શીખ સમુદાયની પ્રશંસા કરી છે અને ભારતની પ્રગતિમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. ‘તેમણે શીખ સમુદાયને સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહમાં લાવવામાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા યોગદાન વિશે વાત કરી અને પંજાબમાં ડ્રગ્સની વધતી જતી સમસ્યા પર પણ ટિપ્પણી કરી હતી. મને નથી લાગતું કે આને અન્ય કોઈ રીતે જોવું જોઈએ,’ એમ પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું કે સ્ટેજ પર બધું ગુરુમુખીમાં લખાયેલું હતું.
‘તે કાર્યક્રમ પાછળ કોણ હતું અથવા ત્યાં કોના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા તે અંગે, બધું ગુરુમુખીમાં લખાયેલું હતું અને તેથી, તેના વિશે કોઈ જાણકારી નહોતી. ગિરીશ મહાજન ત્યાં ખૂબ જ ઓછા સમય માટે હાજર રહ્યા હતા,’ એમ પણ તેમણે ંમહાજનનો બચાવ કરતાં જણાવ્યું હતું.